બાબરા અને માળિયામિંયાણા પાસેના ત્રણ અકસ્માતમાં છ વ્યક્તિનાં મૃત્યુ

બાબરા અને માળિયામિંયાણા પાસેના ત્રણ અકસ્માતમાં છ વ્યક્તિનાં મૃત્યુ
બાબરાના ચરખા પાસે ટ્રકે બે યુવાનના જીવ લીધા

બાબરા/માળિયામિંયાણા, તા.13:  બાબરાના ચરખા અને ગલકોટડી ગામ પાસે સર્જાયેલા બે અકસ્માતમાં તરુણ વિદ્યાર્થી સહિત ત્રણના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે માળિયામિંયાણાના ખીરસરા ગામે કાર પલટી ખાઇ જતાં ત્રણ યુવાનના મૃત્યુ થયા હતાં.
ચરખા ગામ પાસે ટ્રકની ઠોકરે બાઇક ચડી જવાથી ચરખા ગામના  દેવીપૂજક કમલેશ ભુપતભાઇ મોઢવાણિયા અને જયેશ વિઠ્ઠલભાઇ ઓગણિયાના કરૂણ મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે કમલેશના ભાઇ રવિ ભુપતભાઇ મોઢવાણિયાને ઇજા થઇ હતી. આ ત્રણેય યુવાન ચરખા ગામેથી બાઇક પર ધારવાળા સીમ તરફ કપાસ ઉતારવાની મજૂરી કામે જતાં હતાં. ત્યારે ચરખા ગા પાસે પાન-માવો લેવા ઉભા રહ્યા હતાં. બાદમાં ત્રણેય બાઇક પર રોડ ડિવાઇડર ઓળંગતા હતાં.ત્યારે ટ્રકની અડફેટે ચડી ગયા હતાં. ટ્રકની ઠોકર લાગવાથી બાઇક પરથી નીચે પટકાયેલા અને ગંભીર રીતે ઘવાયેલા કમલેશ મોઢવાણિયા અને જયેશ ઓગણિયાના ઘટના સ્થળે મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે રવિ મોઢવાણિયાને ઇજા થઇ હતી.
ગલકોટડી ગામ પાસે ખાનગી બસની ઠોકરે ત્રણ સવારીવાળુ બાઇક ચડી જવાથી 17 વર્ષના વિદ્યાર્થી શુભમ મેહુલભાઇ ડાંગરનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે તેના ભાઇ રણવીર ડાંગર અને પ્રદીપ લાભુભાઇ ડાંગરને ઇજા થઇ હતી. આ ત્રણેય સ્કૂલેથી છૂટીને બાઇક પર તેના ગામ ગલકોટડી જતા હતાં. ત્યારે ગલકોટડી નજીક ખાનગી બસે બાઇકને અડફેટે લીધું હતું. બસની ઠોકર લાગવાથી ગંભીર રીતે ઘવાયેલા શુભમ ડાંગરને વધુ સારવાર માટે રાજકોટની હોસ્પિટલમાં ખસેડાયો હતો. જ્યાં તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ બન્ને અકસ્માતમાં ત્રણ સવારીવાળુ બાઇક હતું અને સગાભાઇઓની જોડી ખંડિત થઇ હતી.માળિયામિંયાણા:  માળિયામિંયાણાના ખીરસરા ગામ નજીક કાર પલટી ખાઇને ઝાડ સાથે અથડાતાં જોશનગરના મહેમુદ હુશેનભાઇ ભટ્ટી, સીદીક ઉર્ફે ડાડો હુશેનભાઇ ખોડમિંયાણા અને અકબરખાન નાસીરખાન પઠાણ નામના ત્રણ યુવાનના મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે બે યુવાનને ઇજા થઇ હતી. જોશનગરના પાંચ યુવાન મહેમુદ, સીદીક, અકબરખાન, રીયાઝ ઇબ્રાહીમભાઇ ઘાંચી અને ભાવેશ નારાયણભાઇ કોળી એસેન્ટ કારમાં ઝીંઝુડા કોઠાવાળા પીરના દીદાર કરવા નીકળ્યા હતાં. કાર વર્ષામેડી અને ખીરસરા વચ્ચેથી પુરઝડપે પસાર થઇ રહી હતી ત્યારે ગમે તે કારણોસર કારના ચાલકે સ્ટીયરીંગ પરનો કાબૂ ગુમાવી દેતા કાર પલટી મારીને ધડાકાભેર ઝાડ સાથે અથડાઇ હતી. આ અકસ્માતમાં બે યુવાનના ઘટના સ્થળે જ મૃત્યુ નિપજ્યા હતાં. જ્યારે એક યુવાને મોરબીની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતાં.એક સાથે ત્રણ યુવાનના મૃત્યુ થતાં  જોશનગરમાં ઘેરા શોકની લાગણી ફેલાઇ હતી.પરિવારજનોનું આક્રંદ પથ્થર હૃદયના માણસની આંખમાં પાણી લાવી દે તેવું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer