છોટાઉદેપુરમાં મહિલા કર્મચારીઓને બગીમાં બૂથ સુધી લઈ જવાઈ

છોટાઉદેપુરમાં મહિલા કર્મચારીઓને બગીમાં બૂથ સુધી લઈ જવાઈ
વડોદરા,તા.13:  ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બીજા તબકકાના મતદાનની તૈયારી થઈ ગઈ છે. ત્યારે આજે છોટાઉદેપુર જીલ્લાના  બોડેલી તાલુકાના અજારી ખાતે જિલ્લા ચૂંટણી પંચ દ્વારા સખી મતદાન મથક રાખવામાં આવ્યું છે. જેના તમામ પોલિંગ બુથની સમગ્ર કામગીરી મહિલા કર્મચારીઓ દ્વારા કરવામાં આવનાર છે.
સમગ્ર ગુજરાતમાં દરેક વિધાનસભા મત વિસ્તારમાં સખી મતદાન મથક રાખવામાં આવ્યું છે. પરંતુ બોડેલી તાલુકાના અજારીના મહિલા પોલિંગ સ્ટાફને જીલ્લા વહીવટી તંત્ર દ્વારા અનોખું સન્માન કરાયું હતું. આ મહિલાઓનું સાફો બાંધીને કોટી પહેરાવીને ઢોલ નગારા સાથે તેમને વધાવવામાં આવ્યા હતા. આ મહિલાઓને ઘોડાગાડીમાં (બગી)માં બેસાડીને વાજતે ગાજતે છોટાઉદેપુર કલેકટર દ્વારા ફલેગ ઓફ કરીને મતદાન બૂથ માટે રવાના કરવામાં આવી હતી.
જયારે મહિલા કર્મચારીઓ અજારી ગામમાં પહોંચી ત્યારે ગ્રામજનો દ્વારા આ મહિલા કર્મચારીઓનું ફલહાર અને તિલક કરીને સ્વાગત કરવામાં આવ્યું હતું. ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં આ પ્રથમ નવતર પ્રયોગ રહ્યો છે મહિલા કર્મચારીઓથી સંચાલિત બુથના તમામ કર્મચારીઓને ઢોલ નગારા ફલહાર અને તિલક કરીને મતદાન મથકે મોકલાયા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer