મતદાનના આગલા દિવસે પણ બબાલ

મતદાનના આગલા દિવસે પણ બબાલ
કોંગ્રેસ પ્રદેશ કાર્યાલયે ભાજપના
કાર્યકરોએ મચાવ્યો હોબાળો
ભાજપના કાર્યકરોએ  પોસ્ટરો, પ્લેકાર્ડ સાથે ઉગ્ર વિરોધ- સૂત્રોચ્ચાર કર્યો : કોંગ્રેસે પોલીસ બોલાવી
અમદાવાદ, તા.13: કોંગ્રેસની આજની પત્રકાર પરિષદ દરમિયાન  પાલડી સ્થિત કોંગ્રેસના પ્રદેશ કાર્યાલય ખાતે ભાજપના કાર્યકરોએ આવીને જોરદાર હોબાળો મચાવ્યો હતો અને આખરે કોંગ્રેસને પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.
આ ઘટનાને પગલે ભાજપ અને કોંગ્રેસના કાર્યકરોમાં થોડા સમય માટે વાતાવરણ તંગ બની ગયું હતું. ભાજપના કાર્યકરો હાથમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીને નીચ, ઘાંચી સહિતના વિવાદિત વિશેષણોથી કોંગ્રેસના નેતાઓ દ્વારા અપમાનિત કરાયા તેના વિધાનોના પોસ્ટર અને બેનરો સાથે કોંગ્રેસ પ્રદેશ કાર્યાલય ખાતે આજે બપોરે 12-00 વાગ્યાની આસપાસ આવી પહોંચ્યા હતા. ભાજપના કાર્યકરોમાં મોદીજીને કોંગ્રેસ દ્વારા કહેવાયેલા આવા નામોના પ્લેકાર્ડ અને હાથમાં ગુલાબ પણ હતા. તમામ કાર્યકરો જોરશોરથી વંદે માતરમ્, ભારત માતા કી જય સહિતના સૂત્રો અને નારા લગાવતા ભારે હોબાળો મચી ગયો હતો. આ જોઇ કોંગ્રેસના નેતાઓ પણ ચોંકી ગયા હતા અને આખરે પોલીસ બોલાવવાની ફરજ પડી હતી અને આ અંગે પોલીસ ફરિયાદ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી હતી. પોલીસે આવીને સમગ્ર મામલો થાળે પાડયો હતો.
દરમાન પૂર્વ પ્રદેશ પ્રમુખ અર્જુન મોઢવાડિયાએ  ભાજપના કાર્યકરોના હોબાળાની ઘટનાને સખત શબ્દોમાં વખોડી કાઢી હતી અને જણાવ્યું હતું કે, ભાજપ દ્વારા આવી નિમ્ન સ્તરની રાજનીતિએ સ્પષ્ટ રીતે ચૂંટણી આચારસંહિતાનો ભંગ છે. કોંગ્રેસની પરંપરાનો પણ આ ભંગ છે. આ ભાજપ દ્વારા મોકલાયેલું ટોળું છે. તેના સીસીટીવી ફૂટેજ પણ અમારી પાસે છે. નકલી સહાનુભૂતિ મેળવવાનો ભાજપનો આ પ્રયાસ વખોડવાલાયક અને નિંદનીય છે. ગુજરાતની જનતાના મૂળ મુદ્દાઓ પરથી છટકવા માટે ભાજપ આવી નિમ્ન રાજનીતિ કરી રહી છે. ચૂંટણીનું વાતાવરણ ડહોળવાનો ભાજપનો આ પ્રયાસ છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer