મોરબીના ઉદ્યોગપતિના પુત્રના અપહરણના બનાવમાં વધુ એક શખસની ધરપકડ

ઓળખ પરેડમાં બે અપહરણકારને ઓળખી બતાવાયા

મોરબી, તા.13:  અહી રવાપર રોડ પર જનતા સોસાયટીમાં રહેતાં ઉદ્યોગપતિ જીજ્ઞેશભાઇ પટેલના સાત વર્ષના પુત્ર દેવનું ખંડણી માટે અપહરણ કરવાના બનાવમાં પોલીસે વધુ એક શખસની ધરપકડ કરી હતી. જ્યારે અગાઉ પકડાયેલા અને રિમાન્ડ પર લેવાયેલા બે અપહરણકારોને બાળકની માતાએ ઓળખ પરેડમાં ઓળખીબતાવ્યા હતાં.
આ અપહરણના બનાવમાં ચોક્કસ બાતમીના આધારે મૂળ બોટાદના વતની અને હાલ મહેન્દ્રનગર ચોકડી પાસે હિન્દુસ્તાન સીકયોરીટીની ઓફિસમાં રહેતાં અજય ઉર્ફે જીજ્ઞેશ ઉર્ફે જીગો ઉર્ફે આદિત્ય સ્વામિનારાયણ જગદીશભાઇ ચરોતરાની લીલાપર રોડ પર હોથીપીરની દરગાહ પાસેથી એલસીબીના ઇન્ચાર્જ ઇન્સ. આર.ટી.વ્યાસ અને તેની ટીમના ધર્મેન્દ્રસિંહ જાડેજા અને નંદલાલ વરમોરાએ ધરપકડ કરી હતી. તેની પાસેથી એક મોબાઇલ ફોન, બે  સીમકાર્ડ, એક બાઇક અને સીકયોરીટીનું ઓળખ કાર્ડ મળી કુલ રૂ. 21 હજારનો મુદ્દામાલ કબજે કરાયો હતો. બીજીતરફ અપહરણના ગુનામાં પકડાયેલા અને દસ દિવસના રિમાન્ડ પર લેવાયેલા સની તિર્થભાઇ દેવનાણી અને સુધીર દયારામ ચોરસિયાને એક્ઝિકયુટીવ મેજીસ્ટ્રેટ સમક્ષ રજૂ કરીને ઓળખ પરેડ કરાવવામાં આવી હતી. જેમાં બનાવ નજરે જોનાર અપહૃત દેવના મમ્મી કિરણબહેને બન્ને આરોપીને ઓળખી બતાવ્યા હતાં. આ ગુનાના સૂત્રધાર એવા વિજય પટેલને ઝડપી લેવા માટે પીઆઇ ચૌધરી અને તેની ટીમ દોડધામ કરી રહી છે.પોલીસની તપાસમાં અપહરણમાં ઉપયોગમાં લેવાયેલુ બાઇક વિજય પટેલનું હોવાનું ખુલ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer