રોહિતની બેવડી સદીથી ભારતની જીત : શ્રેણી 1-1થી બરાબર

રોહિતની બેવડી સદીથી ભારતની જીત : શ્રેણી 1-1થી બરાબર
મોહાલી, તા.13 : હીટ મેન તરીકે વન ડે ક્રિકેટમાં સુપ્રસિધ્ધ રોહિત શર્માની રેકોર્ડ બ્રેક ત્રીજી બેવડી સદી (અણનમ 208 રન)થી ભારતે શ્રીલંકા વિરૂધ્ધનો બીજો વન ડે મેચ 141 રને આસાનથી જીતીને ત્રણ મેચની શ્રેણી 1-1થી બરાબર કરી હતી. મેન ઓફ ધ મેચ સુકાની રોહિત શર્માએ આજે તેની વન ડે કારકિર્દીની ત્રીજી બેવડી સદી ફટકારી હતી. 1પ3 દડાની ઇનિંગમાં તેણે 13 ચોક્કા અને 12 છક્કાથી આતશી અણનમ 208 રન કર્યાં હતા. આથી ટીમ ઇન્ડિયાએ પ0 ઓવરના અંતે 4 વિકેટે 392 રનનો જંગી જુમલો ખડકયો હતો. જે સામે શ્રીલંકાએ 8 વિકેટે 2પ1 રન કર્યાં હતા. લંકા તરફથી એકમાત્ર મેથ્યૂસે 111 રન કરીને લડત આપી હતી. શ્રેણીનો નિર્ણાયક ત્રીજો વન ડે વિશાખાપટ્ટન ખાતે રવિવારે રમાશે
પહેલા વન ડેમાં 112 રનમાં ડૂલ થઇ જનાર ભારતીય ટીમે આજે શ્રીલંકાના તમામ બોલરોની ધોલાઇ કરી હતી. ખાસ કરીને ઇનચાર્જ કેપ્ટન રોહિત શર્માએ અદભૂત સ્ટ્રોકફૂલ બેટિંગ કરીને મોહાલીના મેદાન પર રનનો ધોધ વહાવ્યો હતો. તેણે શિખર ધવન સાથે પહેલી વિકેટમાં 11પ રનની ભાગીદારી કરી હતી. ધવન 67 દડામાં 9 ચોક્કાથી 68 રન બનાવીને આઉટ થયો હતો. આ પછી નવોદિત શ્રેયસ અય્યર અને સુકાની રોહિત શર્માએ લંકાની બોલિંગ-ફિલ્ડીંગ છિન્નભિન કરીને આક્રમક બેટિંગ કર્યું હતું. રોહિતે તેની સદી 11પ દડામાં પૂરી કરી હતી. જ્યારે શ્રેયસ 70 દડામાં 9 ચોક્કા-2 છક્કાથી શાનદાર 88 રને આઉટ થયો હતો. રોહિત-શ્રેયસ વચ્ચે બીજી વિકેટમાં 213 રનની ઝડપી ભાગીદારી થઇ હતી. જ્યારે રોહિતે આખરી ઓવરમાં તેની ત્રીજી બેવડી સદી પૂરી કરી હતી. તેણે બીજા 100 રન માત્ર 36 દડામાં પૂરા કર્યાં હતા. ધોની 7 અને હાર્દિક 8 રને આઉટ થયા હતા. લંકાના સુકાની પરેરાએ 80 રનમાં 3 વિકેટ લીધી હતી. જ્યારે નુવાન પ્રદીપે 10 ઓવરમાં 106 રન આપીને નવો રેકોર્ડ બનાવ્યો હતો.
393 રનના પહાડ જેવા લક્ષ્યાંક સામે શ્રીલંકાની ટીમ દબાણમાં આવી ગઇ હતી. સમાયાંતરે ખરતી વિકેટ તેના પૂર્વ સુકાની એન્જલો મેથ્યૂસે 132 દડામાં 9 ચોક્કા અને 3 છક્કાથી 111 રનની ઇનિંગ રમી હતી. બાકીના મોટાભાગના શ્રીલંકાના બેટધરો નિષ્ફળ રહ્યા હતા. અસેલા ગુણારત્નેએ 34 રનનું યોગદાન આપ્યું હતું. આથી શ્રીલંકા પ0 ઓવરના અંતે 8 વિકેટે 2પ1 રન સુધી પહોંચી શકયું હતું. જેથી ભારતનો 141 રને વિજય  નોંધાયો હતો. ભારત તરફથી ચહલે 3 અને બુમરાહે 2 વિકેટ લીધી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer