રોહિતની રેકોર્ડ ત્રીજી બેવડી સદીમાં અનેક વિક્રમ તણાયા

રોહિતની રેકોર્ડ ત્રીજી બેવડી સદીમાં અનેક વિક્રમ તણાયા
મોહાલી, તા.13: ટીમ ઇન્ડિયાના ઇન્ચાર્જ કેપ્ટન અને આક્રમક ઓપનિંગ બેટસમેન રોહિત શર્માએ આજે શ્રીલંકા વિરુદ્ધના બીજા વન ડેમાં મોહાલી ખાતે રનનો ધોધ વહાવીને ઇતિહાસ રચ્યો હતો. રોહિતના બેટમાંથી આજે ફરી બેવડી સદી (અણનમ 208 રન) નીકળ્યા હતા. વન ડેમાં રોહિતની આ ત્રીજી બેવડી સદી હતી. આવું પરાક્રમ કરનારો તે દુનિયાનો એકમાત્ર બેટસમેન છે. રોહિતે આ પહેલા 2013માં ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ 209 રનની ઇનિંગ રમી હતી. આ પછી શ્રીલંકા વિરુદ્ધ 2014માં રેકોર્ડબ્રેક 264 રનની ઇનિંગ રમી હતી. હવે તેણે શ્રીલંકા સામે જ આજે અણનમ 208 રન કર્યા છે. આથી તે વન ડેમાં ત્રણ બેવડી સદી કરનારો પહેલો વિશ્વનો પહેલો બેટધર બની ગયો છે.
રોહિત શર્માએ સચિન તેંડુલકર અને ડેવિડ વોર્નરના એક રેકોર્ડની પણ બરાબરી કરી લીધી છે. સચિન અને વોર્નર 1પ0થી વધુ રનની ઇનિંગ પ-પ વખત રમી છે. હવે રોહિતે પણ પાંચમીવાર 1પ0થી વધુ રનની ઇનિંગ રમી છે. સુકાની તરીકે રોહિતે વન ડેમાં બેવડી સદી કરનારો બીજો ખેલાડી બન્યો છે. આ પહેલા વિરેન્દ્ર સેહવાગે 2011માં સુકાની રહેતા વેસ્ટ ઇન્ડિઝ સામે 219 રન કર્યા હતા.
રોહિતે આજે વન ડેમાં તેની 16મી સદી કરી હતી. આથી તે સેહવાગ(1પ સદી)થી આગળ થયો છે. સદીના મામલે તે ચોથા નંબર પર આવી ગયો છે. તેનાથી આગળ હવે સચિન (49), કોહલી (32) અને ગાંગુલી (22) છે.
રોહિતે આ વર્ષે તમામ શ્રેણીમાં સદી કરી છે. તે પછી ચેમ્પિયન્સ ટ્રોફી (123) હોય. ઓસ્ટ્રેલિયા સામે 12પ, ન્યુઝીલેન્ડ સામે 147 અને શ્રીલંકા પ્રવાસ વખતે 108 કર્યા હતા.
આજના મેચમાં રોહિત શર્મા અને શિખર ધવન વચ્ચે પહેલી વિકેટમાં 11પ રનની ભાગીદારી થઇ હતી. બંનેએ 12મી સદીની ભાગીદારી કરીને સચિન-સેહવાગના રેકોર્ડની બરાબરી કરી છે.
એક કેલેન્ડર વર્ષમાં રોહિતે કુલ 4પ છક્કા મારીને નવો રેકોર્ડ બનાવ્યો છે. આ પહેલા સચિને 1998માં કુલ 40 છક્કા લગાવ્યા હતા. રોહિતના વન ડેમાં હવે કુલ 162 છક્કા થયા છે. આથી તે આ મામલે યુવરાજ (1પ3)થી આગળ થઇને પહેલા નંબર પર આવી ગયો છે. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer