બાવન ગામને પાણી પહોંચાડતો સમ્પ હોવા છતાં ગામમાં જ પાણી મળતું નથી
માળિયામિંયાણા: માળીયામિંયાણા તાલુકાનું ખીરઈ ગામ કેનાલના કાંઠે તેમજ બાજુમાં માળિયા તાલુકાના બાવન ગામડાને પીવાનાં પાણીની સપ્લાય કરતો સંપ ધરાવે છે. છતાં પીવા માટેનું પાણી ન પહોંચતું હોવાની રાવ ગ્રામજનોમાં ઉઠી છે.
આ બાબતે ખીરઈ ગામના સરપંચ મહંમદભાઈ બુખારીએ અનેક વખત લેખિત તથા મૌખિકમાં જાણ કરી હોવા છતા તંત્ર બેધ્યાન બની તમામ અરજીઓને ઘોળીને પી ગયા હોય તેમ કોઈ પણ જાતનું ધ્યાન આપવામાં આવતું નથી. પાણીની મેઈન લાઈન 40 વર્ષ જૂની છે, જે છેલ્લાં બે વર્ષથી ઘણી જગ્યાએ તૂટેલી હાલતમાં હોવાથી મેઈન રોડ વચ્ચે લીકેજ થતું પાણી વેડફાતું હોવાના કારણે અડધું ગામ પાણીથી વંચિત રહેતું હોવાની ફરિયાદ છે .
સરપંચે અનેકવાર રૂબરૂ મળી જાણ કરવા છતાં પાણી પુરવઠાના અધીકારી છેલ્લા 11 માસથી રિપેરિંગ કરી આપવાના સપના દેખાડી પહેલા ગામની લાઈન બદલવાનું કહ્યું હતું. સરપંચે તાજેતરમાં જ ગામમાં 7 હજાર ફૂટ નવી લાઈન નાંખી દીધી છે. છતાં પાણી પુરવઠા વિભાગે આજદિન સુધી લાઈન રીપેરિંગ કરવાની તસદી લીધી નથી. જેથી સ્થિતિ જૈસે થૈ જેવી હોવાથી ગ્રામજનોમાં રોષ ફેલાયો છે. પાણી પુરવઠા વિભાગે સરપંચને ગામ માં નવી લાઈન નાંખી દેવા જણાવ્યું હતું જે બાદ તાજેતરમાં જ નવી લાઈન નાખી હોવા છતાં રીપેરિંગ કરવાની આનાકાની વચ્ચે ખીરઈ ગ્રામજનોએ રોષ વ્યક્ત કર્યો છે.