લાઈફ બ્લડ સેન્ટરનો 36માં વર્ષમા પ્રવેશ

લાઈફ બ્લડ સેન્ટરનો 36માં વર્ષમા પ્રવેશ

થેલેસેમિયા જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે
રાજકોટ: બ્લડ બેન્કીંગ ક્ષેત્રે રાજકોટ કે ગુજરાત જ નહી, ભારતભરની શ્રેષ્ઠ બ્લડ બેન્કોમાં સ્થાન ધરાવતા  લાઈફ બ્લડ સેન્ટરની સ્થાપનાને 36 વર્ષ પુરા થયા છે. આ નિમિત્તે બ્લડ બેન્કના સંચાલકોએ રાજકોટને થેલેસેમિયામુકત કરવા નિર્ધાર વ્યકત કર્યો છે. આ દિશામાં જનજાગૃતિ અભિયાન હાથ ધરાશે. લાઈફ બ્લડ સેન્ટર દ્વારા થેલેસેમિયા નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમ અમલમાં છે. તેનો વ્યાપ આ વર્ષમાં વધારવામાં આવશે.
સૌરાષ્ટ્ર મેડીકલ એન્ડ એજ્યુકેશન ચેરીટેબલ ટ્રસ્ટ રાજકોટ દ્વારા સંચાલિત લાઈફ બ્લડ સેન્ટર (રાજકોટ વોલન્ટરી બ્લડ બેન્ક એન્ડ રિસર્ચ સેન્ટર)નો તા.6 ડીસેમ્બર 1978ના રોજ પ્રારંભ થયો હતો. છેલ્લા 36 વર્ષથી કાર્યરત છે. અત્યાર સુધીમાં પાંચ લાખથી વધુ સલામત અને ઉચ્ચ ગુણવતાયુકત યુનિટ રકત કે રકતઘટકો સતત 24 કલાક કાર્યરત રહીને જરૂરતમંદ દરદીઓને પૂરા પડાયા છે. સ્વૈચ્છિક રીતે રકત આપનાર સેવાભાવી નાગરિકોની સુવિધા માટે આજ સુધીમાં 4000થી વધુ રકતપ્રાપ્તિ કેમ્પનું સૌરાષ્ટ્રભરમાં આયોજન કરાયું છે.
ફેબ્રુઆરી 2004થી લાઈફ બ્લડ સેન્ટર, 24, વિજય  પ્લોટ, બોમ્બે ગેરેજ સામે અદ્યતન સુવિધાસભર ચાર માળના મકાનમાં 15 હજાર સ્કેવરફૂટ વિસ્તારમાં કાર્યરત છે. લાઈફ બ્લડ સેન્ટરના આ મકાનમાં જ થેલેસેમિયા નિયંત્રણ અને નિવારણ કાર્યક્રમ અમલમાં છે. જે અન્વયે અત્યાર સુધીમાં સાત લાખથી વધુ થેલેસેમિયા પરીક્ષણ કરાયા છે. થેલેસેમિયા જેવા વારસાગત ઘાતક રોગના નિયંત્રણ અને નિવારણ માટે સમાજમાં જાગૃતિ અભિયાન પણ ચાલે છે.
લાઈફ બ્લડ સેન્ટરને અમેરિકન એસોસિએશન ઓફ બ્લડ બેન્કસ તરફથી વર્ષ 1985માં માન્યતા મળી છે. વર્ષ 2006માં આઈએસઓ દ્વારા પ્રામાણિત કરવામાં આવ્યું છે. વર્ષ 2011માં એનએબીએચ દ્વારા માન્યતા પ્રાપ્ત થઈ છે. ઉલ્લેખનીય છે કે એનએબીએચ માન્યતા આરોગ્ય સંભાળ કરતી એવી સંસ્થાને આપવામાં આવે છે જે કવોલીટી કાઉન્સીલ ઓફ ઈન્ડિયા દ્વારા નિયત થયેલ 600થી વધુ લક્ષ્યને અનુરૂપ કાર્ય કરતા હોય. લાઈફ બ્લડ સેન્ટર સૌરાષ્ટ્રમાં બિનસરકારી સેવા સંસ્થાઓમાં એવી સૌપ્રથમ બ્લડ બેન્ક છે જેને એનએબીએચની માન્યતા મળી છે.
અદ્યતન ટેકનોલોજીથી સમૃધ્ધ બનેલા ઉપકરણો જ બ્લડ બેન્કમાં ઉપયોગમાં લેવામાં આવે છે. આ માટે આશરે રૂ.પાંચ કરોડના ખર્ચે અદ્યતન ઉપકરણો વસાવવામાં આવ્યા છે. બ્લડ બેન્કની 36 વર્ષની સેવાયાત્રામાં વિવિધ ક્ષેત્રના અનેક મહાનુભાવોએ મુલાકાત લીધી છે. જેમાં મધર ટેરેસા, પ્રમુખસ્વામી મહારાજ, મોરારિબાપુ, જનકમુનિ મહારાજ, રમેશભાઈ ઓઝા, અમિતાભ બચ્ચન, શ્રીમતી જયા બચ્ચન, શબાના આઝમી, આશા પારેખ, લતા મંગેશકર, કપિલદેવ, સચિન તેંડુલકર, ધોની વગેરેનો સમાવેશ થાય છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer