વરસાદના ભયે માર્કેટ યાર્ડોમાં રજા જેવો માહોલ : આવક ઠપ

વરસાદના ભયે માર્કેટ યાર્ડોમાં રજા જેવો માહોલ : આવક ઠપ
રાજકોટ યાર્ડમાં મોડી સાંજથી આવકોને પ્રવેશ અપાયો : યાર્ડો શનિવારે બંધ રહેશે
રાજકોટ.તા. 6:‘ઓખી’ વાવાઝોડું તો ગઇકાલે દરિયામાં સમાઇ ગયું પણ એની પશ્ચાત અસરથી વરસાદની સંભાવના વચ્ચે સૌરાષ્ટ્રના 80 ટકા યાર્ડોમાં હરાજીનું કામકાજ ઠપ થઇ ગયુ હતુ. ઘણાબધા યાર્ડોએ ખેડૂત માલની આવક બંધ કરી દીધી છે. રાજકોટમાં ગઇકાલે આવક બંધ કરાઇ હતી. જોકે આજે ફરી શરું કરી દેવામાં આવી હતી. આજે મોટાંભાગના યાર્ડોમાં કાગડાં ઉડતા હતા. મજૂરો અને વેપારીઓ પણ નવરાંધૂપ થઇ ગયા હતા.
રાજકોટ યાર્ડના સૂત્રોએ કહ્યું કે, સાંજથી આવકોને પ્રવેશ અપાયો છે. મગફળી સિવાય તમામ જણસીને લીલીઝંડી હતી. મગફળી હજુ ચારેક દિવસ ચાલે તેટલી છે. વળી, શનિવારે ચૂંટણીની રજા છે એટલે હવે સોમવાર પહેલા આવક થાય તેમ નથી.
વાવાઝોડું ગયા  પછી વરસાદની શક્યતા વચ્ચે જણસીઓ પલળી ન જાય તે માટે યાર્ડોએ હરાજી અટકાવી હતી તો કેટલાકે આવકો જ બંધ કરી દીધી હતી. જસદણ, જામજોધપુર, તળાજા, બોટાદ વગેરે યાર્ડો બંધ હતા. રાજકોટ યાર્ડમાં ચુનંદા કોમોડિટીઝના ઉભા પાલની હરાજી જ થઇ હતી. ગોંડલમાં કપાસની હરાજી બંધ હતી. મગફળીના વેપાર ચોથા ભાગના થઇ ગયા હતા.
હજુ આવતીકાલે કેટલાક યાર્ડોએ આવક અંગે સૂચના જાહેર કરી નથી. જોકે શુક્રવારથી હવે તમામ યાર્ડો ફરીથી આવક ખોલે એવી શક્યતા છે. ભરસિઝને ચોમાસું નડતા ખેડૂતો મગફળી અને કપાસનો જથ્થો વેંચી શક્યા નથી.હવે ચૂંટણીની રજા આવશે એટલે સપ્તાહના હવેના દિવસો ફોગટ જશે. ગઢજા સ્વામીના યાર્ડ દ્વારા 9 અને 11 ડિસેમ્બરના રોજ રજા રાખવાની જાહેરાત કરાઇ છે. એ કારણે આવક પણ બંધ રહેશે.
ચાલુ વર્ષે મગફળીની સરકારી ખરીદી વિપુલ પ્રમાણમાં લગભગ સાડા ત્રણ લાખ ટન જેટલી થઇ છે. પરિણામે ખેડૂતોને ભરપુર ફાયદો થયો છે. ખેડૂતો હવે મગફળી વેંચવામાં ઉતાવળ કરવાના નથી. કપાસમાં પણ ખરીદીની રાહે વેચવાલી પકડમાં છે એટલે આવક થતી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer