ઓખી ગયું, અસર રહી : કાતિલ ઠંડી

ઓખી ગયું, અસર રહી : કાતિલ ઠંડી
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ : ઉમરગામમાં ચાર ઈંચ વરસાદ
 
રાજકોટ, સુરત, તા. 6 : અરબી સમુદ્રમાં સર્જાયેલા ઓખી નામના વાવાઝોડાંથી ભયનો માહોલ ઊભો થયો હતો અને તંત્ર પણ સાબદું બની ગયું હતું. પણ કુદરતે કમાલ સર્જતાં એકદમ ઝડપથી આ વાવાઝોડું ડીપ ડિપ્રેશનમાં ફેરવાયું હતું અને તેની અસર રૂપે સૌરાષ્ટ્ર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વાતાવરણ વરસાદી બની ગયું હતું અને કાતિલ પવન ફૂંકાયો હતો. જેના કારણે સિમલા જેવી ઠંડીનો અનુભવ થયો હતો.
રાજકોટમાં આજે સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને ઠંડો પવન ફૂંકાયો હતો. જો કે બપોરના એકાદ વચ્ચે આછો તડકો નીકળ્યો હતો. તેથી એવું તારણ કાઢી શકાય કે હવે વાતારવણ સ્વચ્છ થઈ રહ્યું છે. જો કે શિયાળાની મોસમ ચાલતી હોવાથી ઠંડી યથાવત્ રહેશે.
સોરઠમાં કોલ્ડવેવથી જનજીવન પર વ્યાપક અસર પડી છે. લોકોને ફરજિયાત ગરમ વત્રોમાં બહાર નીકળવાની ફરજ પડી હતી. ગઈકાલે જૂનાગઢ જિલ્લામાં માવઠાં વરસી ગયા બાદ કાતિલ ઠંડીનો દોર શરૂ થયો છે.
સુરતથી મળતા અહેવાલ અનુસાર, ગઈકાલે મોડી રાત્રિનાં ઓખી વાવાઝોડું ગુજરાતનાં દરિયામાં જ વિખેરાઈ જતાં સુરત અને દક્ષિણ ગુજરાત ઉપર મોટી ઘાત ટળી હતી. જો કે, ઓખી વાવાઝોડાંનાં પગલે છેલ્લાં ત્રણ દિવસથી સમગ્ર દક્ષિણ ગુજરાતમાં ઠંડીનું પ્રમાણ વધ્યું છે. સુરતમાં આજે પણ સવાર ઝરમર વરસાદ વરસ્યો હતો. છેલ્લાં 24 કલાકમાં ઉમરગામમાં ચાર ઈંચ જેટલો છૂટોછવાયો વરસાદ નોંધાયો છે.
ઓખી વાવાઝોડું હજુ તો સુરત અને તેનાં તટિય વિસ્તારોને અથડાયું પણ ન હતું તે પહેલાં જ વાતાવરણમાં મોટો બદલાવ આવ્યો હતો. ગઈકાલે સમગ્ર દિવસ દરમ્યાન ઝરમર વરસાદ પડયા બાદ આજે પણ ઠંડા પવનનાં સુસવાટા ચાલુ જ રહ્યા હતાં. શહેરમાં પડી રહેલી ઠંડીનાં કારણે લોકોએ ઘરમાં જ રહેવાનું મુનાસિબ માન્યું હતું. ઓખી વાવાઝોડાનાં કારણે શહેરમાં પડેલાં વરસાદનાં કારણે માર્કેટીંગ યાર્ડો અને પાલ, ઓલપાડ, સાયણ અને કીમની જીનમાં પડેલો ડાંગરનાં જથ્થાને નાનુ-મોટું નુકશાન પહોંચ્યું છે.
દક્ષિણ ગુજરાતનાં ઉમરગામની સાથે વાસંદા અને ખેરગામમાં પણ વરસાદ નોંધાયો હતો. વાંસદામાં બે ઈંચ અને ખેરગામમાં દોઢ ઈંચ વરસાદ નોંધાયો હતો. ખેડૂતોને સૌથી વધુ મુશ્કેલીમાં ખુલ્લામાં પડેલાં ડાંગરનાં પાકને પ્લાસ્ટીકથી ઢાંકવામાં પડી હતી. આ સમયે ખેડૂતોને ભારે દોડાદોડી થઈ પડી હતી. આ સાથે જ પશુઓ માટેનાં ઘાસચારાને પણ કમોસમી વરસાદનાં કારણે  નુકશાન પહોંચ્યું છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer