આજે સાંજથી ચૂંટણીનાં પ્રચાર પડઘમ બંધ મતદાન પહેલાંની શાંતિ

આજે સાંજથી ચૂંટણીનાં પ્રચાર પડઘમ બંધ મતદાન પહેલાંની શાંતિ
હવે છેલ્લી રણનીતિ મુજબ ડોર ટુ ડોર
પ્રચાર અને ખાટલા પરિષદો યોજાશે
સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતની
89 બેઠકોની શનિવારે ચૂંટણી
 
અમદાવાદ, તા. 6: સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતને આવરી લેતી 89 બેઠકો માટે શનિવાર તા. 9મી ડિસેમ્બરના રોજ મતદાન થનારુ છે. તેના પ્રચાર પડઘમ આવતીકાલ-ગુરૂવાર તા. 7મીએ સાંજે પાંચ વાગ્યાથી બંધ થશે. ત્યાર બાદ રાજકીય પક્ષો તેમની છેલ્લી રણનીતિ મુજબ ડોર ટુ ડોર પ્રચાર, ખાટલા પરિષદો ચલાવશે અને છેલ્લી ઘડીનાં ખેલ થશે.
પ્રથમ તબક્કામાં ચૂંટણી પ્રચારનું રાજકીય પક્ષોનું વાવાઝોડુ ફૂંકાયુ હતું પણ કુદરતી વાવાઝોડાએ તેને ઠંડુ પાડી દીધું છે. જેણે વડાપ્રધાન નરેન્દ્રમોદી અને રાહુલ ગાંધી સહિત અનેક નેતાઓની  સભાઓ રદ કરાવી હતી, 2019ની લોકસભાની ચૂંટણી પહેલાની આ ગુજરાત વિધાનસભાની ચૂંટણી પ્રતિષ્ઠાનો જંગ બની ગયો છે એને જીતવા માટે ભાજપના તમામ નેતાઓ, કેન્દ્ર સરકાર તેમજ ભાજપના તમામ રાષ્ટ્રીય પદાધિકારીઓના કાફલાને ચૂંટણી પ્રચાર માટે  મેદાનમાં ઉતાર્યા છે, વડાપ્રધાન પણ અનેક વાર ગુજરાતમાં પ્રચાર માટે આવ્યા છે. ભાજપની સરકાર સામે નોટબંધી અને જીએસટીનો વિરોધ વંટોળ છે તેથી તેની પ્રતિષ્ઠા દાવ પર છે. જ્યારે છેલ્લા 22 વર્ષથી સત્તા બહાર રહેલી કાઁગ્રેસ રાજસભાની ચૂંટણીથી જાગૃત  થતાં તેમનામાં નવો જોમ અને જુસ્સો આવ્યો છે, કાઁગૅસના નેતાઓ નવસર્જનના નામે સત્તાની ગાદી  સંભાળવા થનગની રહ્યા છે. અન્ય પક્ષો પણ સત્તામાં આવવા અને પોતાનું નસીબ અજમાવવા મેદાનમાં આવ્યા છે અને હવે તો કાઁગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી બની ગયા છે, તેથી તેમની પ્રતિષ્ઠા પણ દાવ પર છે. તેમના નેતૃત્વમાં ગુજરાતની વિધાનસભાની સૌ પ્રથમ ચૂંટણી આવી છે, તેમના માટે પણ પ્રતિષ્ઠાનો જંગ આ ચૂંટણી બની રહ્યો છે.
રાજકીય પક્ષો માટે પ્રતિષ્ઠાનો જંગ બની રહેલ આ વર્ષ 2017ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી જીતવા માટે અને પ્રચાર માટે સમગ્ર દેશમાંથી રાજકીય નેતાઓનો કાફલો ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કાઁગ્રેસ અધ્યક્ષ તરીકે વરાયેલા યુવા નેતા રાહુલ ગાંધી પણ પુરી તાકાતથી જોર કરી રહ્યા છે. કેન્દ્ર સરકારના પ્રધાનોની ફોજ પણ ચૂંટણી પ્રચાર માટે જોર કરી રહ્યા છે અને અહીં આવી રહ્યા છે. જાહેર સભાઓ, રોડ શૉ, મેળાવડાઓ, રેલીઓ અને સંમેલનો વગેરે કરી રહેલ છે.
દરમિયાનમાં કુદરતના વાવાઝોડા ‘ઓખી’એ આ ચૂંટણી પ્રચાર પર એક દિવસ માટે બ્રેક મારી બધાને ચિંતામાં મુકી દીધા અને તમામ રાજકીય પક્ષોની સભાઓ રેલીઓ વગેરેનાકાર્યક્રમો પર બ્રેક મારી દીધી.
 આવતી કાલ સાંજના પાંચ વાગ્યાથી  ચૂંટણી પ્રચારના પડઘમ શાંત પડી જશે અને જાહેર પ્રચાર બંધ થઇ જશે. અને છેલ્લી ઘડીના ખેલ રૂપે નાણાંની કોથળીઓ તેમજ અન્ય પ્રવૃત્તિઓ શરૂ થશે, ખુલ્લી મુકાશે જોકે ચૂંટણી પંચ આવું ન થાય તે માટે ચાંપતી નજર રાખી રહ્યું છે. ચૂંટણી ન્યાયી નિષ્પક્ષ અને ખેલદીલીપૂર્વક ભાઇચારાથી સંપન્ન થાય તે માટે અને કાયદો વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાય તે માટે અર્ધલશ્કરી દળો સાથેની પૂરી વ્યવસ્થા ગોઠવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer