કેટલાંક ખાસ પરિવારનાં લોકો જ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે છે !

કેટલાંક ખાસ પરિવારનાં લોકો જ હાઈકોર્ટ, સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે છે !
માનવ સંસાધન રાજ્યમંત્રી કુશવાહાનું વમળો સર્જતું વિધાન
 
નવીદિલ્હી,તા.6: મોદી સરકારનાં માનવ સંસાધન રાજ્યમંત્રી ઉપેન્દ્ર કુશવાહાએ ન્યાયધિશોની નિયુક્તિ વિશે એક તોફાની નિવેદન કરતાં મોટો વિવાદ થવાની સંભાવના છે. તેમણે કહ્યું હતું કે વર્તમાન વ્યવસ્થામાં માત્ર કેટલાંક ખાસ ઘરાનાનાં લોકો જ હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટમાં જજ બની શકે છે. કોઈપણ સામાન્ય પરિવારનાં વ્યક્તિ માટે તેનાં દરવાજા બંધ છે !
એક કાર્યક્રમમાં હાજરી આપતાં કુશવાહાએ કહ્યું હતું કે દલિત વર્ગનાં લોકો તો શું પણ કોઈ સામાન્ય જાતિનાં યોગ્ય વ્યક્તિ પણ હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટમાં જજ બનવા ઈચ્છતા હોય તો પણ બની શકતા નથી.
રાષ્ટ્રીય લોકસમતા પાર્ટીનાં નેતાએ કહ્યું હતું કે આઝાદી બાદથી આજ સુધી આજ સુધી આશરે 2પ0-300 પરિવારો છે જેમના લોકો જ ઉચ્ચ અદાલતોમાં જજ બનતાં આવ્યા છે. હજી અત્યારે પણ આ ખાનદાનનાં લોકો જ જજ બની રહ્યા છે. સામાન્ય લોકો માટે બંધ થયેલા આ દરવાજા હવે ખોલવા પડશે. કુશવાહાએ કહ્યું હતું કે આઈએએસ અને આઈપીએસની જેમ અખિલ ભારતીય ન્યાયિક સેવાની સ્થાપના થવી જોઈએ. આ અંગે બંધારણમાં પણ લખવામાં આવ્યું છે પણ હજી સુધી તે દિશામાં કંઈ થયું નથી. સંવિધાનમાં જેટલી પણ બાબતો લખવામાં આવી છે તેનું શત પ્રતિશત અમલીકરણ નહીં થાય ત્યાં સુધી દલિતો, વંચિતો અને ઓબીસીની સ્થિતિ બહેતર બની શકશે નહીં. બંધારણમાં જે વ્યવસ્થા આપવામાં આવેલી છે તેનું આજ સુધી પૂર્ણ અમલીકરણ શક્ય બન્યું નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer