ડેબિટ કાર્ડના ચાર્જ તર્કસંગત બનાવાશે

ડેબિટ કાર્ડના ચાર્જ તર્કસંગત બનાવાશે
કેશલેસ પેમેન્ટને પ્રોત્સાહન આપવા દરને ઘટાડવા અથવા નાબૂદ કરવા થશે વિચારણા
 
નવી દિલ્હી, તા. 6 : આરબીઆઈ (રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા)એ ડેબિટ કાર્ડથી થતા વ્યવહારો ઉપર લાગતા ચાર્જને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. નાણાકીય નીતિની દ્વિમાસીક સમીક્ષાના નિર્ણયોનું એલાન કરતા આરબીઆઈએ કહ્યું હતું કે, છેલ્લા અમુક સમયમાં ડેબિટ કાર્ડ ટ્રાન્ઝેક્શનમાં ઉછાળો આવ્યો છે. આ સ્થિતિમાં ડેબિટ કાર્ડના વપરાશને વધારે પ્રોત્સાહન આપવા માટે ટ્રાન્ઝેક્શન ઉપર લાગતા ચાર્જને ઘટાડવા અથવા તો નાબૂદ કરવા અંગે વિચારણા કરવામાં આવશે.  આ ઉપરાંત આરબીઆઈએ મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માટે વેપારીઓની અલગ અલગ શ્રેણી બનાવવાની પણ જાહેરાત કરી છે.
સરકાર દ્વારા કેશલેસ વ્યવહારોને પ્રોત્સાહન આપવા માટેના પ્રયાસો થઈ રહ્યા છે પણ કાર્ડથી થતા વ્યવહારો ઉપર લાગતા ચાર્જને ડિજિટલ પેમેન્ટના માર્ગમાં અડચણરૂપ ગણવામાં આવે છે. નિષ્ણાતોના મતે ખિસ્સા હળવા કરીને લોકો કેશલેસ પેમેન્ટ માટે સરકારનો સાથ આપી શકશે નહી. નોટબંધી બાદ સરકારે ડિજિટલ પેમેન્ટ વધારવા માટે પ્રયાસો શરૂ કર્યા છે. જેમાં ભીમ એપ પણ લોન્ચ કરવામાં આવી છે. આ ઉપરાંત અન્ય યૂપીઆઈ આધારીત એપ્લીકેશનો પણ બનાવવામાં આવી છે. જો કે કેશલેસ ટ્રાન્ઝેક્શનમાં લાગતો ચાર્જ હજી પણ અડચણરૂપ બની રહ્યો હોવાથી આરબીઆઈએ આ ચાર્જને તર્કસંગત બનાવવાનો નિર્ણય કર્યો છે. હવે જો મર્ચન્ટ ડિસ્કાઉન્ટ રેટ માટે 20 લાખથી વધુ અને તેના ઓછા એવા વેપારીઓની શ્રેણી બની જતા નાના વેપારીઓને વધારે ફાયદો થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer