હવે અયોધ્યા કેસનું ધર્મસંકટ

હવે અયોધ્યા કેસનું ધર્મસંકટ
અયોધ્યા કેસની સુનાવણી ટાળવા સિબલની દલીલ સામે મોદીનો વેધક સવાલ: અયોધ્યા વિવાદ અને 2019ની ચૂંટણીને શું લેવા દેવા?
સુન્ની વક્ફ બોર્ડે પણ સિબલની માગણી અયોગ્ય ગણાવી ફેરવી તોળ્યું
 
નવીદિલ્હી,તા.6: સોમનાથ મંદિરમાં મુલાકાતીમાં રાહુલ ગાંધીનાં નામની બિનહિન્દુ તરીકે નોંધણી, કોંગ્રેસની અધ્યક્ષતા માટેની ચૂંટણી મુદ્દે જહાંગીર- શાહજહાં વખતે કોઈ ચૂંટણી ન થતી હોવાનું ઐયરનું વિધાન અને ત્યારબાદ બાબરી વિધ્વંસની વરસીનાં આગલા દિવસે જ રામ જન્મભૂમિ કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી શરૂ થવા સાથે જ સુન્ની વક્ફ બોર્ડનાં વકિલ અને કોંગ્રેસ નેતા કપિલ સિબલે 2019 સુધી કેસ ટાળવા કરેલી માગણીને પગલે ભાજપને વધુ એકવાર કોંગ્રેસ અને રાહુલ ગાંધી ઉપર ઉકળતા હુમલા કરવાની તક આપી છે. જેને ભાજપ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આબાદ ઝડપી લેતાં ગુજરાતની ચૂંટણી પૂર્વે રાહુલ ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો હુમલો બોલાવી દીધો છે. વડાપ્રધાન મોદીએ સિબલને સીધો અને સણસણતો સવાલ કર્યો છે કે 2019ની ચૂંટણી અને અયોધ્યા વિવાદ એકમેક સાથે કેવી રીતે સંકળાયેલા છે તે સ્પષ્ટ કરો. બીજીબાજુ કોંગ્રેસને બેકફૂટ ઉપર અને સિબલને સાણસામાં લેતી સ્પષ્ટતા સુન્ની બોર્ડે કરી હતી અને સિબલની માગણી સાથે અસહમતી દર્શાવતાં કહ્યું હતું કે તેઓ એક વકિલ હોવા સાથે રાજકીય પક્ષનાં નેતા પણ છે. સુન્ની બોર્ડ તો વહેલી તકે જ અયોધ્યા વિવાદનો નિવેડો આવે તેવું ઈચ્છે છે. જોકે, પાછળથી વકફ બોર્ડે ફેરવી તોળ્યું હતું અને કોંગ્રેસે પણ કહ્યુ હતું કે, અદાલતના ચુકાદાથી વિવાદ ઉકેલાય તે જરૂરી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer