રાજકોટ ગ્રામ્ય બેઠક : પાટીદાર ફેક્ટર નિર્ણાયક

સ્થાનિક ઉમેદવારને ઉભા રાખીને ભાજપનો લોકવિશ્વાસ જીતવાનો પ્રયાસ
 કોંગ્રેસને જીત માટે પાટીદાર ફેક્ટર મહત્વનું
 
જનકાસિંહ ઝાલા
ગુજરાત વિધાનસભાની રાજકોટની 4 બેઠકો પૈકીની એક એટલે કે, રાજકોટ(ગ્રામ્ય)-71 આજકાલ ખૂબ જ ચર્ચામાં છે. અહીં ભાજપનું કમળ ખીલશે કે કોંગ્રેસનો ઘોડો વીનમાં રહેશે તેને લઈને અનેક પ્રકારના તર્ક-વિતર્કો સેવાઈ રહ્યાં છે.
આ અનામત બેઠક પર ભાજપ અને કોંગ્રેસના દલીત ઉમેદવારો વચ્ચે સીધો જંગ છે. અગાઉ ભાજપના ભાનુબેન બાબરિયા આ બેઠક પર ધારાસભ્ય હતાં પરંતુ આ વખતે તેમનું પત્તુ કપાયું. કહેવાય છે કે, રાજકોટ, લોધિકા અને કોટડાસાંગાણી તાલુકાના જ ભાજપના અલગ-અલગ ગ્રુપો ભાનુબેનની કાર્યશૈલીની નિરાશ હતાં, છાનુખૂણે પ્રવર્તતા એ વિરોધે જ ભાનુબેનને આ વખતે ટિકિટથી વંચિત રાખ્યાં અને ચૂંટણી લડવાનું સૌભાગ્ય લોધિકા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા રહી ચૂકેલા લાખાભાઈ સાગઠિયાને સાંપડયું.
અત્રે એ નોંધનીય છે કે, ગત ચૂંટણીમાં લાખાભાઈ કોંગ્રેસમાંથી ભાજપના ભાનુબેન સામે લડી હાર્યા અને આ ચૂંટણી પહેલા ભાજપમાં આવ્યાં અને એમને ટિકિટ મળી છે. ભાનુબેનને ટિકિટ ન મળતા એ નારાજ હોઈ એ સ્વાભાવિક છે પણ લાખાભાઈએ ભાજપમાં આવી વધુ સભ્યો બનાવવા ખાસ્સી મહેનત કરી ઉપરાંત આ વખતે રાજકોટ માર્કેટીંગ યાર્ડના વાઈસ ચેરમેન અને રાજકોટ તાલુકા પંચાયતના સભ્ય એવા હરદેવસિંહ જાડેજાનું તેમને પૂરતુ સમર્થન છે. હરદેવસિંહ ત્રણેય તાલુકાના 20 ગામોમાં પ્રભૂત્વ ધરાવે છે. લાખાભાઈ અને જાડેજા મિત્રો છે પરંતુ છાનેખૂણે જાડેજાનો કોંગ્રેસ પ્રત્યેનો રોષ પણ કારણભૂત હોવાનું ચર્ચાય છે. લાખાભાઈની જીતમાં સહયોગી થવામાં તેમના પત્ની ગીતાબેન સાગઠિયાની પણ મહત્વ ભૂમિકા રહી શકે છે. ગીતાબેન ખીરસરા ગામના સરપંચ છે અને આસપાસના ગામોનું તેમને પૂરતુ સમર્થન છે.
કોંગ્રેસની વાત કરીએ તો આ વખતે કોંગ્રેસે આ બેઠક પર મહાપાલિકાના વિરોધપક્ષના નેતા એવા વશરામ સાગઠિયાને ટિકિટ ફાળવી છે. સાગઠિયા છેલ્લા 7 વર્ષથી કોંગ્રેસના કોર્પોરેટર પદે ચૂટાઈ આવ્યાં છે અને શહેરીજનોમાં જાણીતું એવું નામ છે. છાશવારે મહાપાલિકાની જનરલ બોર્ડ બેઠકમાં શાસકો સામેનો તેમનો વિરોધ અખબારો તેમજ અન્ય માધ્યમોમાં ચમકતો રહે છે.
વશરામ સાગઠિયાની જીત પાછળ પાટીદાર ફેક્ટર અચૂક કારણભૂત બની શકે, કારણ કે, અનામતને લઈને પાટીદારોએ ભાજપ વિરુદ્ધ જંગ છેડી છે અને આ ગ્રામ્ય બેઠક પર રાજકોટ-કોટડાસાંગાણી-લોધિકા તાલુકા અને 71-ગ્રામ્ય હેઠળ આવતા રાજકોટ શહેરના 4 વોર્ડ એટલે કે, વોર્ડ નં.11,12,13 અને 18માં મળી આશરે 1 લાખથી વધુ પાટીદાર મતદારો છે જેનો સીધો ફાયદો વશરામ સાગઠિયાને મળે એવી શક્યતાં દર્શાવાય છે. બન્ને ઉમેદવારોની શૈક્ષણિક લાયકાતનું પરિબળ જો ધ્યાને લેવામાં આવે તો વશરામ સાગઠિયા પોસ્ટ ગ્રેજ્યુએટ છે જ્યારે લાખાભાઈ ધો. 10 પણ પાસ નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે, રાજકોટ 71(ગ્રામ્ય) બેઠક હેઠળ 114 ગામો અને રાજકોટના 4 વોર્ડ આવે છે. આ બેઠક પર રાજકોટ શહેરના 51.8 ટકા મતદારો છે જ્યારે બાકીના ગ્રામ્ય મતદારો છે. ભાજપે સ્થાનિક ઉમેદવારને આ બેઠક પર ઉભા રાખીને લોકોનો વિશ્વાસ જીતવા પ્રયત્ન કર્યો છે તો કોંગ્રેસ પાટીદાર ફેક્ટરને ઢાલ બનાવીને આ બેઠકને જીતવા એડીચોંટીનું જોર લગાડી રહી છે. હાલ તો બન્ને ઉમેદવાર પોતે જંગી લીડથી જીતશે તેવો દાવો કરી રહ્યાં છે ખેર એ તો પરિણામો જ જણાવશે કે કોણ જીત્યું અને કોણ હાર્યુ.
 
લાખાભાઈ શું કહે છે
ભાજપના ઉમેદવાર લાખાભાઈ સાગઠિયાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, કોંગ્રેસના વશરામ સાગઠિયા આયાતી ઉમેદવાર છે જ્યારે હું સ્થાનિક ઉમેદવાર છું. ગ્રામ્ય વિસ્તારની સમસ્યા જાણું છું. ગ્રામજનોની સાથે રહ્યો છું અને તેમની વચ્ચે જ મોટો થયો છે. કોંગ્રેસ શાસિત લોધિકા તાલુકા પંચાયતના વિરોધપક્ષના નેતા તરીકે રહી ચૂક્યો છું અને અમારા તાલુકામાં રોડ-રસ્તા અને ભૂર્ગભના 12 કરોડના વિકાસકામો શરૂ કરાવ્યાં છે. ખાસ કરીને ખીરસરાથી લોધિકા, પાળથી લાખાવડ અને રીબડાથી લોધીકાનો રસ્તો અગાઉ સિંગલ પટ્ટી હતો અને ગ્રામજનોને ખૂબ જ હાલાકી વેઠવી પડતી હતી. આ રસ્તાને ડબલ ટ્રેક કરાવી તેઓ સુવિધામાં વધારો કર્યો છે. ત્રણેય તાલુકા અને રાજકોટના ચાર વોર્ડના પાટીદારભાઈઓનું મને પૂરતુ સમર્થન છે. આ ઉપરાંત હરદેવાસિંહ જાડેજાનો પણ ટેકો મારી જીતમાં યશભાગી સાબીત થશે. આપ કેટલા મતોથી જીતશો? એ પ્રશ્નના જવાબમાં લાખાભાઈએ ઉમેર્યુ હતું કે, ત્રણેય તાલુકાના 1.60 લાખ મતદારો તથા શહેરના ચારેય વોર્ડના 1.26 લાખ મતદારો છે જો 60 ટકા જેટલુ મતદાન થાય તો પણ ગ્રામ્યમાં 90થી 95 હજાર અને શહેરમાં 60 હજારથી વધુ મતો મળવાની મને આશા છે.
વશરામ સાગઠિયા શું કહે છે
કોંગ્રેસના ઉમેદવાર વશરામ સાગઠિયાએ જણાવ્યું હતું કે, ભાજપ મને આયાતી ઉમેદવાર ગણે છે, પરંતુ જે બેઠક પર શહેરના 51.8 મતદારો હોઈ તો પછી હું આયાતી કેમ ગણાઉ ? તેઓ હરદેવાસિંહ જાડેજાના સમર્થનની વાત કરે છે એ જ હરદેવાસિંહ એક સમયે કોંગ્રેસના સિમ્બોલ પર જ ચૂંટણી લડયાં હતાં. ભૂતકાળમાં ખુદ લાખાભાઈ પણ કોંગ્રેસના મત માંગવા નિકળ્યાં હતાં અને હવે પક્ષપલટો કરનાર ઉમેદવાર પર લોકો ક્યાં સુધી વિશ્વાસ કરી શકે ? આ બેઠક પર ભાજપના ધારાસભ્ય ભાનુબેન હતાં પરંતુ ક્યારેય તે ગ્રામજનોની સમસ્યા જાણવા નીકળ્યાં જ ન હતાં. હજુ પણ અહીના અનેક ગામો રોડ-રસ્તાની સુવિધાથી વંચિત છે. મકનપરમાં તો દોઢ ઈચ જેટલો વરસાદ પડે તો તે ગામ ચોમાસામાં સંપર્ક વિહોણું થઈ જાય છે. કોંગ્રેસ સરકાર વખતે જે રોડ બન્યાં ભાજપને એ રોડના ગાબડા પૂરવાનો પણ સમય મળ્યો નથી. કેટલા મતોથી જીતશો ? જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, હું જંગી લીડ મેળવીશ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer