રાજકોટ (દક્ષિણ) બેઠક પર બે પટેલો વચ્ચે જંગ

રાજકોટની ચાર બેઠકો પર ભાજપ-કોંગ્રેસ વચ્ચે સીધો જંગ છે. એમાં રાજકોટ દક્ષિણ એટલે કે 70-રાજકોટ પર ભાજપના અનુભવી ગોવિંદભાઇ પટેલ અને કોંગ્રેસના યુવાન દિનેશ ચોવટિયા વચ્ચે લડાઇ છે. ગોવિંદભાઇ આ બેઠક પરથી બે વાર ચૂંટાયા છે. મંત્રીપદે રહી ચૂકયા છે અને રાજકીય ગણિતમાં માહેર ગણાય છે. એ લો પ્રોફાઇલ છે પણ એમણે લોકોના કામ કરવામાં કસર રાખી નથી. આ વેળા એમને રિપીટ કરાશે કે કેમ એ પ્રશ્ન બહુ ચર્ચામાં હતો. પણ એમને ટિકિટ મળી છે અને એ કારણે કેટલાક ટિકિટ વાંચ્છુકો નારાજ છે.
બીજી બાજુ કોંગ્રેસે નવોદિન દિનેશ ચોવટિયાને જંગમાં ઉતાર્યા છે. ચોવટિયા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રહી ચૂકયા છે. અને શિક્ષણ સંકુલના સંચાલક છે. એથી ય મહત્ત્વની વાત એ છે કે, તેઓ લેઉવા પટેલના ધર્મસ્થાન ખોડલધામ સાથે જોડાયેલા છે. ટ્રસ્ટી છે. બને લેઉવા પટેલ છે અને 65 હજાર પાટીદાર મત મહત્ત્વનું પરિબળ બનશે. જો, પાટીદાર મતોનું વિભાજન થયું તો ઓબીસીના મતો નિર્ણાયક બની જશે.
ઉપરાંત નોટબંધી અને જીએસટી પણ મુદ્દા છે. આ વિસ્તારના નાના કારખાનેદારો એનાથી અસરગ્રસ્ત છે. રોષ છે પણ નરેન્દ્ર મોદી ફેકટર અહીં ય સબળ છે.
હરિ ધવા મેઇન રોડ પરના વેપારીઓ દશરથ સોજીત્રા, કિરીટ રામાણી, જસ્મીન પટેલ, પ્રવીણ પરસાણા વગેરે સાથે વાત થઇ. તેઓનું કહેવું છે કે, આ ચૂંટણીમાં કોંગ્રેસનું જોર દેખાય છે. ભાજપે કાંઇ કર્યું નથી. ભાજપે જીએસટી- નોટબંધી નાખીને બધુ વેરવિખેર કરી નાખ્યું છે. ગુંડાગીરદી બેફામ બની છે.
ભાજપ વિકાસની વાતો કરે છે, એવું કહેતા તેઓએ કહ્યું કે વિકાસ ઘણો થયો છે, પણ એ નરેન્દ્રભાઇ મોદીએ કર્યો છે, જે લોકો ભાજપને મત આપશે, એ નરેન્દ્ર મોદીને જોઇને જ મત આપશે.
વિરાણી અઘાટ એટલે કે પ્રગતિ સોસાયટી શેરી નં. 3માં નાના કારખાનાઓ આવેલા છે. તેના લલિતભાઇ રામાણી, પરેશભાઇ ધાનાણી, શાંતિભાઇ સાવલિયા, ગૌરાંગભાઇ સખિયા, મનોજ દેસાઇ વગેરેએ કહ્યું કે, અમારે પરિવર્તન કરવાનું છે. ખેડૂતો અને ઉદ્યોગો ભાંગીને ભૂક્કો થઇ ગયા છે. આ વિસ્તારમાં 5 થી 7 હજાર જેટલા નાના કારખાના છે. જીએસટી પછી ધંધો ભાંગી ગયો છે. અગાઉ 12 કલાક કારખાના ધમધમતા હતાં, અત્યારે 3 કલાક કારખાના ચાલે છે. 40 ટકા કારખાના વેચવા કાઢયા છે. અહીં રોડ રસ્તા નથી, શેરીઓમાં સ્ટ્રીટલાઇટો નથી. કોઇ સુવિધા નથી.
એ ઉલ્લેખનિય છે કે, વિરાણી અઘાટ એ રાજકોટ-71 વિધાનસભામાં આવે છે. પણ તેના કારખાનેદારો રાજકોટ-70ના મતદારો છે.
કોંગ્રેસ કાર્યાલયમાં ભરતભાઇ સરધારાએ કહ્યું હતું કે, દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઇએ. તો લોકોનો અવાજ સંભળાય. ખાતર-દવામાં સબસીડી રદ કરીને ખેડૂતોને મારી નાખ્યા છે. વીજળી મોંઘી છે. તેઓ માને છે કે, જો આ વખતે મશીનનું મેજીક નહીં ચાલે તો પબ્લિક બતાવી દેવાની છે. પટેલ ચોકમાં ભાજપ કાર્યાલયમાં હિતેશભાઇ ઢોલરિયા, દિનેશભાઇ લીંબાસિયા મળી ગયા, તેઓ ગોવિંદભાઇ પટેલની જીતનો વિશ્વાસ વ્યકત કરતા કહે છે કે, અમે દરેક બુથમાં 1-1 મિટીંગ પુરી કરી, બે વખત પદયાત્રાથી જનસંપર્ક કર્યો, સ્લીપ વિતરણ ચાલું છે. એકંદરે તા. 9મી સુધીની કાર્યવાહી તેઓએ પૂરી કરી છે. જનસંપર્ક અને બુથ મિટીંગોમાં ઉત્સાહથી બધાએ ગોવિંદભાઇને આવકાર્યા હતાં, એમ તેઓએ કહ્યું હતું. આ બેઠક ઉપર ગોવિંદભાઇ પટેલ ફરી ચૂંટાશે તો તે તેમના વ્યક્તિગત નામે ચૂંટાશે, એમ તેમના એક મતદારે કહ્યું હતું.
 
શું કહે છે ઉમેદવારો?
ગોવિંદભાઇ પટેલ
વિકાસના કામો કર્યા છે
આયુર્વેદ હોસ્પિટલ, સિવિલ હોસ્પિટલ, પદ્મકુંવરબા હોસ્પિટલ, કેન્સર હોસ્પિટલના વિકાસમાં સહયોગ આપ્યો છે, સૂચિત સોસાયટી જેમાં 10,000 પરિવાર રહે છે, તેનો પ્રશ્ન ઉકેલ્યો, કોઇ હાથ અડાડતું ન હતું એ યુએલસીવાળા 2100 લોકોને સનદ અપાઇ ગઇ છે.    કોઇ સામાન્ય માણસ કામ લઇને આવે તો તે કઇ પાર્ટીના છે એવું પૂછયા વિના હું કામ કરી દઉં છું.
 
ડો. દિનેશભાઇ ચોવટિયા
પહેલીવાર ચૂંટણી લડું છું
હું નવો ઉમેદવાર છું. કોરી પાટી છે. મતદારો પર પુરો ભરોસો છે કે, તેઓ મને ચાન્સ આપશે જ. આ વિસ્તારના લોકોના પ્રશ્નો જાણીને તેના નિકાલ માટે હું સતત પ્રયત્નશીલ રહીશ. ભાજપથી અને તેના ઉમેદવારથી લોકો થાકી ગયા છે એટલે મને વિશ્વાસ છે કે મતદારો કોંગ્રેસ તરફી મતદાન કરીને મને બહુમતીથી ચૂંટી કાઢશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer