શ્રીલંકાએ મેચ બચાવ્યો: ભારતે શ્રેણી જીતી

શ્રીલંકાએ મેચ બચાવ્યો: ભારતે શ્રેણી જીતી
ધનંજયની સદી અને રોશનની અર્ધસદીથી શ્રીલંકાના 5 વિકેટે 299: આખરી દિવસે ભારતને માત્ર બે જ વિકેટ મળી: કોહલી મેન ઓફ ધ મેચ અને સિરીઝ

નવી દિલ્હી, તા.6: ઇજાને લીધે રિટાયર્ડ હર્ટ થતાં પહેલા ધનંજય ડિ’સિલ્વાની લડાયક સદી અને પદાપર્ણ મેચમાં રોશન સિલ્વાની અર્ધસદીની સંઘર્ષભરી ઇનિંગથી શ્રીલંકાએ ભારત વિરૂધ્ધનો ત્રીજો અને આખરી ટેસ્ટ મેચ ડ્રો કરવામાં સફળતા મેળવી હતી. જો કે ત્રણ મેચની આ શ્રેણીમાં ભારતનો 1-0થી વિજય થયો હતો અને સતત નવ શ્રેણી જીતવાના ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી હતી. ત્રીજા ટેસ્ટમાં શ્રીલંકાએ જોરદાર વાપસી કરીને 410 રનના વિજય લક્ષ્યાંક સામે આજની આખરી દિવસની રમતના અંતે પ વિકેટે 299 રન કરીને મેચ ડ્રો કર્યો હતો. આખરી દિવસે ભારતના બોલરો શ્રીલંકાની બાકીની સાત વિકેટ લઇ શકયા ન હતા. આથી વિજયથી વંચિત રહ્યા હતા. જે આઇસીસી ક્રમાંકની નંબર વન ટીમ માટે મોટી નિષ્ફળતા છે. નબળી બોલિંગ અને ખરાબ ફિલ્ડીંગને લીધે ભારતને આજે 90 ઓવરની રમતમાં માત્ર બે જ વિકેટ મળી હતી. સ્થિતિ એવી રહી હતી કે ખુદ કોહલી અને વિજયે બોલિંગ કરવી પડી હતી.
ડિ’સિલ્વાએ રિટાયર્ડ હર્ટ થતાં પહેલા 219 દડામાં 1પ ચોક્કા અને 1 છક્કાથી 119 રનની લડાયક ઇનિંગ રમી હતી. આ ઉપરાંત તેણે સુકાની ચંદિમાલ (36) સાથે પાંચમી વિકેટમાં 112 રનની ભાગીદારી કરી હતી. જ્યારે રોશન સિલ્વાએ 1પ4 દડામાં 11 ચોક્કાની મદદથી અણનમ 74 રનની ઇનિંગ રમી હતી. નિરોશન ડિકવેલા પણ 44 રને અણનમ રહ્યો હતો. આ બન્ને વચ્ચે છઠ્ઠી વિકેટમાં 99 રનની અતૂટ ભાગીદારી થઇ હતી. આથી કોહલીસેના વિજયથી હાથ ઘસતી રહી ગઇ હતી. બીજી તરફ શ્રીલંકાની ટીમ દ્રઢ સંકલ્પ સાથે બેટિંગ કરીને મેચ બચાવી લીધો હતો. જાડેજાને 3 અને અશ્વિન-શમીને 1-1 વિકેટ મળી હતી. શ્રીલંકાની ધરતી પર 3-0થી શ્રેણી જીતનાર ટીમ ઇન્ડિયાને ઘરઆંગણે 1-0થી શ્રેણી જીતથી સંતોષ માનવો પડયો હતો. શ્રેણીનો પહેલો ટેસ્ટ ડ્રો રહ્યો હતો. જ્યારે બીજા ટેસ્ટમાં ભારતની જીત થઇ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer