ટીમ ઇન્ડિયાએ સતત 9 ટેસ્ટ શ્રેણી જીતી રેકોર્ડ કર્યો

ટીમ ઇન્ડિયાએ સતત 9 ટેસ્ટ શ્રેણી જીતી રેકોર્ડ કર્યો
તમામ 9 શ્રેણી કોહલીના સુકાનીપદ હેઠળ જીતીને ઓસ્ટ્રેલિયાની બરાબરી કરી
 
નવી દિલ્હી, તા.6: શ્રીલંકા વિરૂધ્ધનો ત્રીજો અને આખરી ટેસ્ટ ડ્રો થવાની સાથે જ ભારતીય ટીમે 1-0થી ટેસ્ટ શ્રેણી પર કબજો જમાવ્યો છે. આ સાથે ટીમ ઇન્ડિયાએ સતત નવ ટેસ્ટ શ્રેણી જીતીને ઓસ્ટ્રેલિયાના રેકોર્ડની બરાબરી કરી છે. ખાસ વાત એ છે કે આ તમામ નવ શ્રેણી ભારતે વિરાટ કોહલીના સુકાનીપદ હેઠળ જીતી છે. કોહલી જ્યારથી નિયમિત કેપ્ટન બન્યો છે ત્યારથી ટીમ ઇન્ડિયાએ કોઇ સિરીઝ ગુમાવી નથી.
આ પહેલા ટેસ્ટ ક્રિકેટમાં સતત નવ શ્રેણી જીતવાનો રેકોર્ડ ફકત ઓસ્ટ્રેલિયાના નામે હતો. તેણે આ પરાક્રમ 200પ થી 2008 વચ્ચે કર્યું હતું. જ્યારે કોહલીસેનાએ તેના વિજય અભિયાનની શરૂઆત 201પમાં શ્રીલંકાની સરજમીં પરથી કરી હતી. ત્યારે ભારતીય ટીમે ત્રણ મેચની શ્રેણી 2-1થી જીતી હતી. ત્યારથી કોહલીસેનાએ વિજયક્રમ જાળવી રાખ્યો છે. આ દરમિયાન સ્વદેશમાં 6, શ્રીલંકામાં 2 અને વેસ્ટ ઇન્ડિઝમાં 1 શ્રેણી જીતી છે. આ શ્રેણીઓ દરમિયાન કોહલીસેનાએ 30 મેચમાંથી 21 મેચમાં જીત મેળવી છે. જ્યારે ફકત બે મેચમાં જ હાર સહન કરવી પડી છે.
આ હાર શ્રીલંકા અને ઓસ્ટ્રેલિયાના હાથે મળી હતી. ભારતે છેલ્લે ઓસ્ટ્રેલિયાની ધરતી પર ચાર મેચની શ્રેણી 0-2થી હારી હતી. આ શ્રેણી દરમિયાન જ ધોનીએ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કરી દીધું હતું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer