ફરી ભાજપ સરકાર બનાવશે : ઓપિનીયન પોલ

ફરી ભાજપ સરકાર બનાવશે : ઓપિનીયન પોલ
એબીપી ન્યૂઝ-cadsa નો સર્વે : ભાજપને વધીને 99 તો કૉંગ્રેસને 86 બેઠકો મળશે
મુંબઈ, તા.4 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પહેલા તબક્કાનું મતદાન નવમી ડિસેમ્બરે સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં થશે એ પહેલાના એબીપી ન્યૂઝના સર્વેમાં ગુજરાતની ચૂંટણીના પરિણામો અંગે ભાજપ માટે માઠાં અને કૉંગ્રેસ માટે ઉત્સાહજનક આંકડા મળ્યા છે.
સર્વે પ્રમાણે ગુજરાતની કુલ 182 બેઠકોમાંથી ભાજપને 91-99 અને કૉંગ્રેસને 78-86 બેઠકો મળી શકે છે જ્યારે અન્યના ફાળે 3-7 સીટો જશે. આ સર્વે પ્રમાણે ભાજપ અને કૉંગ્રેસ બંનેને એકસરખા 43 ટકા મતો મળ્યા છે જ્યારે અન્યોને 14 ટકા મતો મળશે. સરેરાશ ભાજપને 95 જ્યારે કૉંગ્રેસને 82 અને અન્યોને 4 બેઠકો મળે તો ભાજપ સૌથી મોટો પક્ષ તો રહેશે પરંતુ વિપક્ષ મજબૂત થશે.
સર્વે પ્રમાણે ઉત્તર ગુજરાતમાં ભાજપના 45 ટકા જ્યારે કૉંગ્રેસના 49 ટકા વૉટ છે, મધ્ય ગુજરાતમાં ભાજપના 41 ટકા જ્યારે કૉંગ્રેસના 40 ટકા વૉટ છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપના 40 ટકા સામે કૉંગ્રેસના 42 ટકા અને સૌરાષ્ટ્ર કચ્છમાં ભાજપના 45 ટકા સામે કૉંગ્રેસના 39 ટકા વૉટ છે. અગાઉના વૉટ શૅરની સામે ભાજપે દક્ષિણ ગુજરાતમાં 11 ટકા અને મધ્ય ગુજરાતમાં 13 ટકા વૉટ ગુમાવ્યા હોવાથી આ ચિત્ર મળ્યું હોવાનું સર્વેમાં જણાવાયું હતું.   
પાટીદાર સમાજમાં તેના યુવા નેતા હાર્દિક પટેલની લોકપ્રિયતાનું પ્રમાણ ઓગસ્ટમાં 61 ટકા, ઓક્ટોબરમાં 64 ટકા અને નવેમ્બરમાં ઘટીને 58 ટકા રહી ગયું છે. જે બતાવે છે કે હાર્દિકની લોકપ્રિયતા ઘટી રહી છે. ગુજરાતનો દલિત સમાજ કોંગ્રેસની સાથે હોવાનો વર્તારો છે. ભાજપથી 18 ટકા વધુ દલિત મતો કોંગ્રેસની સાથે જઈ શકે છે. કોળી સમાજ કોંગ્રેસને બદલે ભાજપ તરફ ઝૂકતો દેખાઈ રહ્યો છે. જેમાં ભાજપ કોંગ્રેસથી 26 ટકા વધુ આગળ છે. સવર્ણ મતો ભાજપની સાથે રહેશે અને આ મામલામાં કોંગ્રેસથી ભાજપ 26 ટકા આગળ છે. સર્વેક્ષણમાં વધુમાં  કરાયેલા દાવા મુજબ આજે ચૂંટણી થાય તો પટેલ સમાજ ભાજપથી 22 ટકા વધુ કોંગ્રેસની તરફ વધુ ઝૂકેલો છે. આદિવાસી ભાજપથી કોંગ્રેસ તરફ 18 ટકા વધુ આપી શકે છે. વેપારીઓમાં 44 ટકા જીએસટીથી નારાજ છે. તો માત્ર 37 ટકા વેપારીઓ જ ખુશ છે. દક્ષિણ ગુજરાતમાં ભાજપને ફટકો લાગી શકે છે. કોંગ્રેસને 42 ટકા જ્યારે ભાજપને 40 ટકા મતો મળવાની ધારણા છે. દ. ગુજરાતમાં કુલ 35 બેઠકો છે. એવી જ રીતે ઉત્તર ગુજરાતમાં પણ ભાજપને ફટકો લાગી શકે છે. કોંગ્રેસનો હિસ્સો 49 ટકા અને ભાજપનો 45 ટકા થાય તેવું અનુમાન છે. ગ્રામીણ વિસ્તારોમાં 56 ટકા મતો સાથે કોંગ્રેસનો ઘોડો વિનમાં છે. જ્યારે શહેરી વિસ્તારમાં ભાજપ આગળ રહી શકે છે.    

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer