ઉ. ગુજરાતની એ ચાર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ

ઉ. ગુજરાતની એ ચાર બેઠક પર પ્રતિષ્ઠાનો જંગ
પાટીદાર અને દલિત ઠાકોર આંદોલનની સૌથી વધુ અસર આ ક્ષેત્ર પર વર્તાશે
ઊંઝામાં વયોવૃદ્ધ નારાયણભાઇ પટેલ પર ભાજપે દાવ ખેલ્યો : મહેસાણામાં નીતિનભાઇ પટેલ, વડગામમાં જિજ્ઞેશ મેવાણી, રાધનપુરમાં અલ્પેશ ઠાકોર મેદાને
વિક્રમ સોની
બે પૈકી ઉત્તર ગુજરાતની કુલ બેઠકો 32 છે. મહેસાણા, ઉંઝા, વડગામ, રાધનપુર  ઉપર સૌ કોઇનું ધ્યાન કેન્દ્રિત થયું છે આ વિસ્તારમાં પાટીદાર અનામત આંદોલન, ઠાકોર સમાજનું દારૂબંધીનું એકતા મંચનું આંદોલન થયું હતું જે આંદોલનોએ દેશનું ધ્યાન દોર્યુ હતું. અને ઉનાકાંડ બાદ દલિત અધિકારમંચ હેઠળ આગેવાન જિજ્ઞેશ મેવાણી ઉત્તર ગુજરાતમાં વડગામ બેઠક પરથી ચુંટણી લડી રહ્યા છે. આથી ઉત્તર ગુજરાતમાં  ઉંઝા, મહેસાણા, સિધ્ધપુર, વાવ, રાધનપુર, પાટણની બેઠકો મહત્વની બની ગઇ છે.
મહેસાણા જિલ્લામાં પાટીદારોના આસ્થાસ્થાન ઉમિયાધામ ઉંઝા બેઠકમાં ભાજપના વયોવૃદ્ધ 79 વર્ષના નારાયણભાઇ લલ્લુભાઇ પટેલે ઉમેદવારી કરી છે. આમ તો ભાજપમાં 75થી વધુ વયના લોકોને ઉમેદવારી કરાવતા નથી આ કારણથી જ પૂર્વ મુખ્યપ્રધાન આનંદીબેન પટેલને પણ ગુજરાતના મુખ્ય પ્રધાન પદેથી પદત્યાગ કરવો પડયો હતો પણ નારણકાકા પાટીદાર સમાજના વયોવૃદ્ધ છે એટલે પાટીદાર સમાજમાં પ્રભાવ પાડી શકે છે એપીએમસીના આગેવાન છે તે માટે પક્ષે તેઓને ચૂંટણીમાં પુન:ઉભા રાખ્યા છે તેઓ પક્ષના સિનિયર ધારાસભ્ય અને પૂર્વ પ્રધાન પણ છે.
ઉંઝામાં 17 ઉમેદવાર
ઉંઝામાં કુલ 17 ઉમેદવારોએ ચૂંટણીમાં ઝંપલાવ્યું છે. 8 ઉમેદવારો અપક્ષ છે. કોંગ્રેસમાંથી અહીં ડૉ.આશાબેન પટેલને ઉભા રાખ્યા છે,તેઓની છાપ સારી છે તેઓ ગત ચૂંટણીમાં ભાજપના નારાયણ પટેલ સામે માત્ર 3749 મતોથી જ હારી ગયા હતા આ વખતે પાટીદાર આંદોલન ઠાકોરો અને દલિતોનું આંદોલન તેઓને ફાયદો કરાવી જાય તેવો સંભવ છે. અહીં પાટીદારો 27 હજાર છે. ઠાકોરો 50 હજાર છે. 17 હજાર મુસ્લિમો છે અને 17 હજાર દલિતો અને અન્યો છે. બાકીના અન્ય જાતિઓના સભ્યો 10 હજાર છે. તાજેતરમાં નારણભાઇની સભામાં એક સ્થળે મહિલાઓ થાળી અને વેલણ લઇને આવ્યા હતા અને થાળી વગાડી વિરોધ દર્શાવ્યો હતો. એટલે આ વખતે નારણભાઇ પટેલને જો આંદોલનની અસર આવે તો મુશ્કેલી સર્જી શકે છે.અહીં વેપારી વર્ગ વધુ છે. ગંજ બજારની પણ અસર છે એટલે જીએસટી અને નોટબંધીમાં ઘણી તકલીફ પડી હતી એટલે તેઓ ભાજપથી નારાજ મનાય છે. નારાયણભાઇ સામે વ્યક્તિગત વાંધો નથી પણ  પક્ષ સામે વાંધો હોવાથી નારાયણ ભાઇ લલ્લુભાઇને પરાજિત કરી શકે છે.
નીતિન પટેલની કસોટી
મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિનભાઇ પટેલે ઉમેદવારી કરી છે તેઓ જૂના ખેલાડી છે પણ પાટીદાર આંદોલનની અસર થાય તેવી શક્યતા છે. સામે કોંગ્રેસમાંથી જીવાભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા છે તેઓ કોંગ્રેસના પૂર્વ સંસદ સભ્ય છે અને જાણીતા ઉદ્યોગપતિ છે.  તેઓનું પાટીદારોમાં વર્ચસ્વ છે નીતિનભાઇ સામે પાટીદારો નારાજ છે ખાસ કરીને  જે પાટીદારો સામે કેસો થયા છે તેઓને કોઇ મદદ ના કરી એવું માનવું છે અને સરકારમાં હતા ત્યારે પાટીદારોને મદદ કરી નથી એવું પાટીદારો માને છે અને મહેસાણા પાટીદાર આંદોલનનું એપી સેન્ટર પણ છે. એથી અહીં   52 હજાર પાટીદારો છે. 8 હજાર ચૌધરી સમાજના લોકો છે. ઠાકોર 35 હજાર છે. વાણિયા છ હજાર છે અને અન્ય ઓબીસી જાતિના 5000 લોકો છે.
અહીં એક ઉમેદવારે 15 ટ્રેકટરો વહેંચ્યા હતા એક સરપંચને ટ્રેકટર કોઇ કારણસર ન મળતાં સામાપક્ષના ઉમેદવાર બીજા દિવસે સવારે જઇ આપી આવ્યા. હવે આ સરપંચ 15 ટ્રેકટર વહેંચનાર ભાજપના  ઉમેદવારની વિરૂદ્ધમાં રોષ પ્રગટ થયો છે.
જિજ્ઞેશની દાવેદારી
ભાજપ સામે પાટીદાર આંદોલન, ઠાકોર અને બક્ષીપંચના આંદોલનના પ્રણેતા અલ્પેશ ઠાકોર અને દલિત અધિકાર મંચના આગેવાન જિજ્ઞેશ મેવાણી ત્રણેય આગેવાનો ભાજપને પરાજીત કરવાના એક માત્ર ધ્યેય સાથે મેદાનમાં આવ્યા છે. બનાસકાંઠા જિલ્લાની વડગામ બેઠક જે અનુસૂચિત જાતિ માટે અનામત બેઠક પર કોંગ્રેસે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચના આગેવાન અને જુલાઇ-2015ના ઉનાકાંડ બાદ આંદોલન કરનાર જિજ્ઞેશ મેવાણીને ટિકિટ આપી છે આ બેઠક કોંગ્રેસનો ગઢ છે અહીં કોંગ્રેસે જિજ્ઞેશ મેવાણીના સમર્થનમાં પોતાનો ઉમેદવાર નથી ઉભો રાખ્યે. આમ આદમી પાર્ટીએ પણ જિજ્ઞેશના સમર્થનમાં ઉમેદવાર પાછો ખેંચ્યો છે  તેથી તેના વિજયના દ્વાર ખુલી ગયા છે આ બેઠક પર કુલ 10 ઉમેદવારો છે અને પાંચ અપક્ષ ઉમેદવારો છે. ગત ચૂંટણીમાં આ બેઠક પર ભાજપના ઉમેદવાર સામે કોંગ્રેસનો 31839 મતોથી વિજય થયો હતો એટલે આ બેઠક પર 8.1 ટકા દલિત મતદારો છે  દલિતો અને કોંગ્રેસના મતો મળશે અને વિજય નિશ્ચિત મનાય છે.
રાધનપુરમાં અલ્પેશ ઠાકોર
પાટણ જિલ્લાની રાધનપુર બેઠક પર ભાજપના ઉમેદવારનો ગત ચૂંટણીમાં માત્ર 3834 મતોથી વિજય થયો હતો આ વખતે કોંગ્રેસે ઠાકોર સેનાના આગેવાન અલ્પેશ ઠાકોરને બેઠક ફાળવી છે જો કે સ્થાનિક ઠાકોર સમાજના આગેવાનો અલ્પેશ ઠાકોર  બહારના ઉમેદવાર હોવાથી તેનો વિરોધ થયો હતો જોકે વિરોધના કારણે અલ્પેશ ઠાકોરને જીતવું અઘરૂં બની રહે છે પણ તેનું સમાધાન થઇ જશે એવું તેઓનું માનવું છે. અહીં ભાજપે લવીંગજી ઠાકરોને ઉભા રાખ્યા છે જેઓ શંકરસિંહ વાઘેલાના માણસ કહેવાય છે. તેમણે શંકરસિંહ માટે 1996-97માં બેઠક ખાલી કરી હતી અને શંકરસિંહને પેટા ચૂંટણીમાં જીત્યા હતા  એટલે તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન બન્યા હતા. 85 હજાર ઠાકોરોનું પ્રભુત્વ છે અને કોંગ્રેસે અલ્પેશ ઠાકોર કોંગ્રેસમાં જોડાયા હોવાથી તેના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યા હોવાથી તેમજ ઠાકોર સમાજના આગેવાન હોવાના કારણે તેઓનું પ્રભુત્વ વધી ગયું છે પણ ઠાકોર સમાજને સાથે લઇ ચાલવું પડશે તેઓ અલ્પેશને તકવાદી માની રહ્યા છે. તેઓ કહે છે કે તેમણે જાહેરાત કરી હતી કે હું રાજકારણથી અલિપ્ત રહીશ પણ તેઓ કોંગ્રેસમાં જોડાતા હવે તેઓ તેને તકવાદી માને છે. અહીં 17 ઉમેદવારો મેદાનમાં છે જેમાં 10 અપક્ષ ઉમેદવારો છે. અહીં કાંટે કી ટક્કર બની રહેશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer