રાજકોટ પશ્ચિમની બેઠક કબજે કરવા ભાજપનો સિક્રેટ વોરરૂમ

રાજકોટ પશ્ચિમની બેઠક કબજે કરવા ભાજપનો સિક્રેટ વોરરૂમ
દેશભરના આઈટી એકસ્પર્ટના શહેરમાં ધામા
રાજકોટ, તા.22: ‘રાજકોટ કા બેટા, ગુજરાત કા નેતા’ તેવું સુત્ર વહેતુ કરવા પાછળ ભાજપે ઉભા કરેલા સિક્રેટ વોરરૂમમાં કામ કરી રહેલી ટીમનો મહત્વનો ફાળો છે. આખા ગુજરાતની નજર મુખ્યમંત્રી રૂપાણી જે બેઠક પરથી લડી રહ્યાં છે. તેના ઉપર છે. આ બેઠક કબજે કરવા માટે ભાજપે સિક્રેટ વોરરૂમ ઉભો કર્યો છે.  રાજકોટ પશ્ચિમની બેઠક ભાજપ માટે પ્રતિષ્ઠીત ગણાય છે. આ વખતે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને કોંગ્રેસના કદાવર નેતા ઈન્દ્રનીલ રાજયગુરુ વચ્ચે સીધો જંગ છે. ભાજપે આ બેઠક અંકે કરવા માટે પાટીદારોનું પ્રભુત્વ ધરાવતા મનહરપ્લોટમાં વોરરૂમ ચાલુ કર્યો છે. અહીં પાર્ટીના કાર્યકર્તાઓ સિવાય કોઈને પણ પ્રવેશ નથી. અહીં કામ કરતા લોકો આ જ જગ્યાએ રહે છે અને મીડિયા સાથે પણ વાત કરવાની છુટ નથી. આ વોરરૂમમાં આખા દેશમાંથી ચુનંદા નિષ્ણાંતોને કામ સોંપવામાં આવ્યું છે. એક ડઝનથી વધારે આઈટી એકસ્પર્ટ કામ કરી રહ્યાં છે. આ વોરરૂમમાં કામ કરી રહેલા કેટલાક લોકો તો એવા છે જેમણે 2014ની લોકસભાની ચૂંટણી વખતે નરેન્દ્ર મોદીના રાજનીતિજ્ઞ સલાહકાર પ્રશાંત કિશોર સાથે પણ કામ કર્યું છે.
આ વોરરૂમ બેનર, હોર્ડિંગ, સોશ્યલ મીડિયા કંટ્રોલ અને ખાસ વિરોધ પક્ષ કેમ્પેઈન દરમિયાન શું કરે છે તેના પર ચાંપતી નજર રાખે છે.
 આ વોરરૂમની ટીમના એક સભ્યએ કહ્યું કે, અમે આ વિસ્તારના એક-એક ઘરનું રિસર્ચ કરી રહ્યાં છીએ. ભાજપને ટેકો આપનાર અને ન આપનાર વિશે માઈક્રો લેવલ પર રિસર્ચ કરવામાં આવી રહ્યું છે. આ ટીમના સભ્યો ગુજરાત બહારના હોવાથી તેમની સાથે સ્થાનિક યુવાનોની ટીમને હાયર કરવામાં આવી છે જે સ્થાનિક કક્ષાએ માર્ગદર્શન આપી શકે. રાજકોટ પશ્ચિમની બેઠક પર 1985થી ભાજપનો કબજો છે. આ વખતે ટફ ફાઈટ છે તેથી ભાજપ કોઈપણ બાબતે કચાસ રાખવા માંગતી નથી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer