‘હાર્દિક, કોંગ્રેસ ખુલ્લા પડયાં’

‘હાર્દિક, કોંગ્રેસ ખુલ્લા પડયાં’
50 ટકાથી વધુ અનામતની બંધારણમાં જોગવાઇ જ નથી, ફોર્મ્યુલા છેતરામણી : નીતિન પટેલ
 
અમદાવાદ, તા. 22: “હાર્દિક પટેલ કોઇ આધ્યાત્મિક ગુરૂ જેવું પ્રવચન કરીને પોતાને નિર્દોષ સાબિત કરવાનો પ્રયાસ કરી રહ્યો છે; બંધારણમાં કયાંય 50 ટકાથી વધુ અનામત આપવાનું લખાયું નથી ત્યારે અનામત મુદ્દે કોંગ્રેસ અને હાર્દિક પટેલ ખુલ્લા પડી ગયાં છે’’ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે આજે હાર્દિક પટેલ અને કોંગ્રેસ ઉપર આકરી ભાષામાં  આગઝરતા પ્રહારો કર્યા હતાં.
હાર્દિક પટેલ પાટીદાર સમાજને છેતરવાનું બંધ કરે તેમ જણાવીને નીતિન પટેલે કહ્યું હતું કે, હાર્દિક હવામાં બોલે છે. કોંગ્રેસના નેતા કપીલ સિબ્બલ કહે છે કે આ હાર્દિકનો પ્રસ્તાવ હતો તો હવે એ નક્કી કરવાનું કે સાચુ કોણ છે?
કોંગ્રેસ સાથે હાર્દિકનું મેળાપીપણું હોવાનું જણાવી તેણે કોંગ્રેસની ક્રીપ્ટ જ વાંચી હોવાનું જણાવી આ આંદોલન કોંગ્રેસના માર્ગદર્શન હેઠળ જ ચાલ્યું હોવાનું દર્શાવી જાય છે તેમ જણાવ્યું હતું. તેમણે કોંગ્રેસ પાટીદાર સમાજને તોડવાનું કામ કરતી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો.
નીતિન પટેલે હાર્દિક હજુ નાનો અને નાસમજ હોવાનું જણાવી તેણે કોંગ્રેસે આપેલી અનામત ફોર્મ્યુલા સુપ્રીમના કોઇ દિગ્ગજ વકીલની સલાહ લીધા વગર જ અપનાવી છે જે પાટીદાર સમાજને ગુમરાહ કરવા સમાન છે. હાર્દિકને પાટીદાર સમાજને છેતરવાનો કોઇ અધિકાર નથી.
પાટીદાર અનામત આંદોલનનો મુખ્ય હેતુ સમાજને અનામત અપાવવાનો હતો. પરંતુ પ્રજાને હવે ખ્યાલ આવી ગયો છે કે, પાસનો મુખ્ય મુદ્દો ચૂંટણીમાં ટિકિટ વહેંચણીનો હતો તેમ નીતિન પટેલે પ્રહાર કરતા જણાવ્યું હતું.
વધુમાં બોલતા નીતિન પટેલે જણાવ્યું હતું કે, કોંગ્રેસના અસલી એજન્ટ કોણ છે તે પ્રજા જાણી ચૂકી છે અને અનામત આંદોલન કોંગ્રેસ પ્રેરિત હોવાનું 3 વર્ષથી ભાજપ કહેતી હતી તે સાચુ પડી રહ્યું છે. હાર્દિક અનામત મુદ્દે પાટીદારોના આસ્થાના કેન્દ્ર ઉમિયાધામ સાથે પણ કોઇ ચર્ચા કરી ન હોવાનું તેમણે જણાવ્યું હતું.
હાર્દિક પટેલે પોતાના સમાજનાં જ લોકોને અંદરોઅંદર લડાવ્યા હોવાનું અને સંગઠન-સમાજને તોડવાનું કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો. શિક્ષણ અને અનામતના મુદ્દે સહાનુભૂમિ ઉભી કરી ચૂંટણી આવતા જ નાપાક હરકતો શરૂ કર્યાનું તેમણે જણાવ્યું હતું. હાર્દિકના અઢી વર્ષ સુધી રાજકારણમાં ન આવવાના નિર્ણયને સાચો ઠરાવી હાર્દિક 22-23 વર્ષનો હોય 25 વર્ષ પહેલાં કોઇ રાજનીતિ પક્ષમાં જોડાઇ ન શકાય તેમ નીતિન પટેલે અંતમાં જણાવ્યું હતું.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer