સુરતમાં ભાજપના ઉમેદવારે ચા પીવડાવી વિરોધ નોંધાવ્યો

સુરત, તા. 22: ગઈકાલે યુથ કોંગ્રેસની મેગેઝિનના ટિવટર એકાઉન્ટથી વડાપ્રધાન મોદીની હાંસી ઉડાવતી એક પોસ્ટ કરવામાં આવી હતી. વડાપ્રધાન મોદીનું અપમાન કરતાં કોંગ્રેસ ભેરવાઇ પડી છે. આજે દિવસભર અલગ-અલગ રીતે શહેર ભાજપ દ્વારા કોંગ્રેસનો વિરોધ કરાયો હતો. શહેરની મજૂરા બેઠકના યુવા નેતા અને ભાજપના ઉમેદવાર હર્ષ સંઘવીએ કોંગ્રેસના કાર્યાલય પર જઈને કોંગ્રેસના કાર્યકર્તા અને આગેવાનોને ચા પીવડાવી વિરોધ નોંધાવ્યો હતો. હર્ષ સંઘવીએ ટાંક્યું હતું કે, વડાપ્રધાન મોદીએ ચા પીવડાવાનું કામ કરીને જીવન આગળ ધપાવ્યું છે. કોંગ્રેસીઓએ દેશ વેચીને ધનવાન બન્યા છે.
તેમણે ઉમેર્યું હતું કે, ચા વેચનારનું કામ કરનાર ગરીબની મજાક કોંગ્રેસે ઉડાવી છે. કોંગ્રેસ પાર્ટીએ વર્ષોથી દેશની જનતાને ઉલ્લુ બનાવવાનું કામ કર્યું છે. કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતાં ઉમેર્યું હતું કે, વડાપ્રધાન મોદીની મજાક એ ગરીબ જનતાની મજાક છે. આ સાંખી લેવાશે નહિ. આજે જ્યારે મજૂરા વિધાનસભા બેઠકના ઉમેદવાર હર્ષ સંઘવી અને ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસના કાર્યાલય પર ધસી ગયા હતા ત્યારે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વાક્યુદ્ધ છેડાયું હતું. જેના કારણે પરિસ્થિતિ થોડી વણસી પડી હતી. પોલીસે ઘટના સ્થળે પહોંચીને બંને પક્ષના કાર્યકર્તાઓને શાંત પાડયા હતા.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer