પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે 1703 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી

અમદાવાદ, તા.22: ગુજરાત વિધાનસભાની પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે વિવિધ રાજકીય પક્ષો દ્વારા 915 તેમજ અપક્ષ તરીકે 788 એમ કુલ 1703 ઉમેદવારીપત્રો ભરાયાં છે. જેમાં સૌથી વધુ સુરતની લિંબાયત બેઠક પરથી 42 ઉમેદવારીપત્રો ભરાયાં છે.
ચૂંટણી પંચે સત્તાવાર રીતે જણાવ્યું છે કે, રાજકીય પક્ષોની સ્થિતિ જોઇએ તો, પ્રથમ તબક્કામાં યોજાનારી વિધાનસભા ચૂંટણી માટે 6 રાષ્ટ્રીય પક્ષ, અન્ય રાજ્યમાં નોંધાયેલ 5 સ્ટેટ પાર્ટી, 48 બીન માન્યતા પ્રાપ્ત નોંધાયેલ રાજકીય પાર્ટી અને અપક્ષોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.   6 રાષ્ટ્રીય પક્ષોમાં સૌથી વધુ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના 196 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી છે. જ્યારે બીજા સ્થાને ભારતીય જનતા પાર્ટીના 193 ઉમેદવારેએ ઉમેદવારી નોંધાવી છે. આ ઉપરાંત બહુજન સમાજ પાર્ટીના 87, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટીના 44,  કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયા (માર્ક્શીસ્ટ)ના 2 તથા કોમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઇન્ડિયાના 1 ઉમેદવારે ઉમેદવારી નોંધાવી છે.  આ ઉપરાંત અન્ય રાજ્યમાં નોંધાયેલી 5 સ્ટેટ પાર્ટીઓમાં આમ આદમી પાર્ટીના 36, શિવસેનાના 28, જનતાદળ (યુ)ના 27, સમાજવાદી પાર્ટીના 5 અને જનતાદળ(સેક્યુલર)ના 1 ઉમેદવારે પોતાની ઉમેદવારી નોંધાવી છે.

બીન માન્યતા પ્રાપ્ત નોંધાયેલ 48 રાજકીય પાર્ટીઓ પૈકી સૌથી વધુ ઓલ ઇન્ડિયા હિન્દુસ્તાન કોંગ્રેસ પાર્ટીના 63, ગુજરાત જનચેતના પાર્ટીના 29, બહુજન મુક્તિ પાર્ટીના 20 અને વ્યવસ્થા પરિવર્તન પાર્ટીના 21 ઉમેદવારેએ મુખ્યત્વે ઉમેદવારી નોંધાવી છે. જ્યારે 788 અપક્ષોએ પોતાની ઉમેદવારી નોંધાવી છે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer