કચ્છી મતદારોને સ્થાનિક પ્રશ્નો જ મતદાન માટે પ્રેરે છે

જિલ્લાની છ વિધાનસભા બેઠક: પટેલ, દલિત, ઓબીસી, શાસન વિરોધી મોજું અહીં અસર કરતું નથી
 
નવીન જોશી
ભુજ, તા. 22: રાજ્ય વિધાનસભાની 182 બેઠકોમાં પ્રારંભથી અબડાસાથી શરૂ થતી છ બેઠકોનો સરહદી કચ્છમાં સમાવેશ થાય છે. ટુકડે ટુકડે રાજકીય પક્ષોએ પોતપોતાના ઉમેદવારો જાહેર કરતાં હવે રાજકીય ચિત્ર સ્પષ્ટ થયું છે. તલવારો સામસામી તણાઇ ગઇ છે અને યોદ્ધાઓ પણ પોતપોતાના કાર્યકરરૂપી સૈન્યના સહારે ચૂંટણીના જંગે મેદાનમાં દુશ્મનોને ભરી પીવા તૈયાર છે.
કચ્છની છ વિધાનસભા બેઠકોને સ્પર્શે છે ત્યાં સુધી આ વખતનો ચૂંટણીજંગ જૂના જોગીઓ કે મહારથીઓની આગેવાની હેઠળ નહીં પરંતુ અનુભવીઓ અને નવયુવાનોના બળે લડાશે. સૌથી પ્રતિષ્ઠિત બેઠક માંડવીની બની ગઇ છે. 2014ની પેટા ચૂંટણીમાં અબડાસા બેઠક પર વિજેતા બનેલા કોંગ્રેસના પ્રદેશ નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે આ વખતે માંડવી બેઠક પર ઝંપલાવ્યું છે.
બે દાયકા કરતાં વધુ સમયથી કચ્છની બહુમતી બેઠકો ધરાવતા ભાજપે આ વખતે છમાંથી ગાંધીધામ (અનુ.જાતિ) માટે અનામત બેઠક પર નવોદિત મહિલા માલતીબેન કે. મહેશ્વરીને ટિકિટ આપી છે. તેમના સિવાય પાંચેય બેઠક પર અગાઉ લડી ચૂકેલાઓ જ પુન: ઉતારાયા છે. ભુજમાં ડો. નીમાબેન આચાર્ય, અંજારમાં વાસણભાઇ આહીર, રાપરમાં પંકજભાઇ મહેતા રિપિટ કરાયા છે જ્યારે અગાઉ રાપર બેઠક પરથી પરાસ્ત થયેલા જિલ્લાના ક્ષત્રિય અગ્રણી વીરેન્દ્રસિંહ જાડેજાને માંડવી-મુંદરા બેઠક પરથી કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા ભાવનગરના શક્તિસિંહ ગોહિલની સામે ઉતારાયા છે. અબડાસા બેઠક પર ગત ચૂંટણી કોંગ્રેસી તરીકે જીતેલા અને પેટાચૂંટણીમાં ભાજપી તરીકે હારી ગયેલા છબીલભાઇ પટેલ પર પુન: વિશ્વાસ મુકાયો છે.
કોંગ્રેસ પક્ષ તરફથી પંજાના પ્રતીક તળે અબડાસામાંથી પ્રદ્યુમનસિંહ જાડેજા, ભુજમાંથી લઘુમતી અગ્રણી આદમભાઇ ચાકી, અંજારમાંથી પૂર્વ જિલ્લા અધ્યક્ષ વી.કે. હુંબલ, માંડવી-મુંદરા શક્તિસિંહ ગોહિલ, ગાંધીધામ (અનુ.જાતિ) અનામત બેઠક પર કિશોર પિંગોલ અને રાપરમાં સંતોકબેન ભચુભાઇ આરેઠિયા હવે ચૂંટણી લડી રહ્યા છે. આમ કચ્છમાં આ વખતે ત્રણ મહિલા ચૂંટણી મેદાનમાં છે.
’90થી જિલ્લો ભારતીય જનતા પક્ષના સમર્થનમાં રહેતો આવ્યો છે. જો કે ભૂકંપ બાદની 2002માં યોજાયેલી ચૂંટણીમાં કચ્છે ભાજપને લપડાક લગાવી પુનર્વસન અને પુન:સ્થાપનમાં ઢીલની સજા આપતાં બેઠકો ઘટાડી દીધી હતી પરંતુ ત્યારબાદ શાસક પક્ષે ભગવો છવાયેલો જ રહ્યો છે. 2005માં ભાજપને બે અને કોંગ્રેસને ચાર બેઠક મળી હતી. પાટીદાર અનામત આંદોલન, એન્ટી ઈન્કમબન્સી ફેક્ટર, દલિત અત્યાચાર, ઓબીસીને અન્યાય એ મુદ્દા રાજ્યથી દૂર પશ્ચિમ છેડે આવેલા કચ્છને સ્પર્શતા નથી પણ ઉમેદવારોની પસંદગી-નાપસંદગી મતદારોને અસરકર્તા સૌથી મોટો મુદ્દો છે.
જ્યાં સુધી કચ્છનો પ્રશ્ન છે અહીં પાટીદારો લેવા, કડવા અને આંજણા એમ ત્રણ જ્ઞાતિઓમાં વિખાયેલા છે અને પરંપરાગત ભાજપના મતદારો મનાય છે. આ વખતે ભલે હાર્દિક પટેલનું ખૂલ્લું સમર્થન કચ્છમાં ન થાય પણ મતદાનના દિવસે તેની અસર મતપેટી પર પડે તેવી સંભાવના અને રાજકીય દહેશત શાસક પક્ષને હોય તેવું ચિત્ર ઉપસે છે અને તેથી જ પ્રદેશકક્ષાના ભગવા નેતાઓની આવજા- નરનારાયણદેવ મંદિરે વધી ગયેલી જોવા મળે છે.
કચ્છના મતદારો સ્થાનિક પ્રશ્નો, સુવિધાઓ અને વિકાસ ઉપરાંત ઉમેદવારની વ્યક્તિગત છાપને આધારે મતદાન કરે છે.
કંડલા અને મુંદરા એમ બબ્બે મહાબંદર 2001ના ભૂકંપ બાદ વિકસેલા ઉદ્યોગો, તેમાં કામ કરવા આવેલા હજારો શ્રમિકો અને વ્હાઇટ કોલર કર્મચારીઓ, કોસ્મોપોલિટન શહેર ગાંધીધામ, ઐતિહાસિક નગર ભુજ અને અંજાર, હડપ્પન વસાહત ધોળાવીરા, સફેદ રણ, વગડામાં જઇને ગાય-ભેંસ ચારતા રબારી, બન્ની પચ્છમના જત પરિવારો, ટેરવાના હુન્નરથી અદ્ભુત હસ્તકલાનું સર્જન કરતા કલાકારોની ભૂમિ કચ્છની રાજકીય તાસિર જુદી છે. 2017ની ચૂંટણીમાં કચ્છના મિજાજ પર નજર રહેશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer