રાજકોટમાં ફોર્મની ચકાસણી વખતે ભાજપ-કેંગ્રેસની ધમાલ

રાજકોટમાં ફોર્મની ચકાસણી વખતે ભાજપ-કેંગ્રેસની ધમાલ
ઈન્દ્રનીલ રાજ્યગુરુના મેન્ડેટ સામે નીતિન ભારદ્વાજે અરજી કરતાં માહોલ ગરમાયો
રાજકોટ, તા. 22 : ચૂંટણી માટેના ઉમેદવારી પત્રકો ભરાઈ ગયા બાદ આજે ફોર્મની ચકાસણી શરૂ કરવામાં આવી હતી જેમાં 69-રાજકોટ પશ્ચિમ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના સોગંદનામામાં સ્કૂલમાં પાસ થવાની તારીખ ખોટી હોવાની રજૂઆત અપક્ષ ઉમેદવારે કરતાં બબાલ શરૂ થઈ હતી ત્યાં જ ભાજપના પશ્ચિમ બેઠકના ચૂંટણી ઈન્ચાર્જ નીતિન ભારદ્વાજે રાજ્યગુરુના મેન્ડેટમાં ભુલ હોવાની અરજી કરતાં વાતાવરણ વધારે ગરમાયું હતું અને રાજકોટની જૂની કલેક્ટર કચેરી ખાતે કેંગ્રેસી કાર્યકરોના ટોળાં ઉમટી પડયા હતા. પોલીસે કાર્યવાહી કરતાં મામલો બિચક્યો હતો. બીજી તરફ નવી કલેક્ટર કચેરી ખાતે કેંગ્રેસી અગ્રણીઓ દોડી ગયા હતા અને 68-પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીનું નામ મતદાર તરીકે વાંકાનેર અને રાજકોટમાં છે તેવી રજૂઆત કરી તેમનું ફોર્મ રદ્દ કરવા માગણી કરી હતી. જો કે તેમનું ફોર્મ પણ માન્ય રહ્યું હતું. ફોર્મ ચકાસણી મુદ્દે રાજકોટમાં આજે હાઈ વોલ્ટેજ ડ્રામા થયો હતો.
રાજકોટ પશ્ચિમની બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુના ઉમેદવારી પત્રક સામે પહેલો વાંધો મુકુંદ દૂધાત નામના ઉમેદવારે લીધો હતો. તેમણે પશ્ચિમ બેઠકના રિટર્નિંગ ઓફિસર પ્રજ્ઞેશ જાનીને એવી રજૂઆત કરી હતી કે, ઈન્દ્રનીલ રાજ્યગુરુએ રજૂ કરેલા સોગંદનામામાં ધોરણ દસની પરીક્ષા પાસ કર્યાની સાલ ખોટી દર્શાવાઈ છે. આ મામલે ઈન્દ્રનીલભાઈનું ફોર્મ રદ્દ થયું છે તેવી વાતો વહેતી થઈ જતાં સમર્થકોના ટોળેટોળાં ઉમટી પડયા હતા. જૂની કલેક્ટર કચેરીમાં હલ્લાબોલ થતાં પોલીસ બોલાવવી પડી હતી.  પોલીસ અને કેંગ્રેસી કાર્યકરો વચ્ચે સારીએવી ઝપાઝપી થઈ હતી.
આ મામલો થાળે પડવામાં હતો ત્યાં ભાજપના નીતિન ભારદ્વાજ જૂની કલેક્ટર કચેરી પહેંચ્યા હતા અને તેમને ચૂંટણી અધિકારીને એવી લેખિત અરજી આપી કે, કેંગ્રેસના ઉમેદવાર ઈન્દ્રનીલ રાજ્યગુરુએ જોડેલા મેન્ડેટમાં જે બે લાઈન છેકવી જોઈએ તે છેકવામાં આવી નથી. આ પ્રકારનું મેન્ડેટ અમાન્ય ગણીને ઉમેદવારી પત્ર રદ્દ કરવું જોઈએ. આ મામલે ઈન્દ્રનીલ રાજ્યગુરુના વકીલે રિટર્નિંગ ઓફિસર સમક્ષ ધારદાર દલીલો કરતાં જણાવ્યું કે, મેન્ડેટ એ ઉમેદવાર અને પક્ષ વચ્ચેનો દસ્તાવેજ છે. મેન્ડેટમાં રહેલી કોઈપણ ક્ષતિ અંગે ચૂંટણી અધિકારી હસ્તક્ષેપ કરી શકે નહીં. આ મામલો ગૂંચવાતાં ચૂંટણીપંચનું માર્ગદર્શન માગવામાં આવ્યું હતું અને અંતે ઈન્દ્રનીલ રાજ્યગુરુનું ફોર્મ માન્ય રાખવામાં આવ્યું હતું.  આવી જ બીજી ઘટના રાજકોટની નવી કલેક્ટર કચેરી ખાતે બની હતી. 68-પૂર્વ બેઠકના રિટર્નિંગ ઓફિસર નવી કલેક્ટર કચેરીના બીજા માળે બેસે છે. ત્યાં આજે આપના કાર્યકરો રજૂઆત કરવા દોડી ગયા હતા. જેમાં અજીતભાઈ લોખીલ અને મોહનભાઈ સોજીત્રાએ રૈયાણીનું નામ બે મતદાર યાદીમાં હોવાની ફરિયાદ કરી હતી. બાદમાં કેંગ્રેસના મિતુલ દેંગા, અતુલ રાજાણી સહિતના અગ્રણીઓ સમર્થકો સાથે નવી કલેક્ટર કચેરીએ ધસી ગયા હતા અને આ બેઠકના રિટર્નિંગ ઓફિસર એમ.કે.પટેલ સમક્ષ એવી રજૂઆત કરી હતી કે પૂર્વ બેઠકના ભાજપના ઉમેદવાર અરવિંદ રૈયાણીનું નામ વાંકાનેર અને રાજકોટ એમ બે જગ્યાએ મતદાર યાદીમાં છે. બબ્બે મતદાર યાદીમાં નામ હોવાના કારણે તેમનું ઉમેદવારી પત્ર રદ્દ થવું જોઈએ. જો કે રિટર્નિંગ ઓફિસર પટેલે ચૂંટણી પંચના માર્ગદર્શન મુજબ જણાવ્યું કે, ઉમેદવારી પત્રની ચકાસણી થઈ ચૂકી હતી અને ભાજપના અરવિંદ રૈયાણીનું ફોર્મ માન્ય રહ્યું હતું એ બાદ કેંગ્રેસના આગેવાનો રજૂઆત કરવા આવ્યા હતા પણ મતદાર યાદી અને ઉમેદવાર ફોર્મની પ્રક્રિયા બે અલગ વસ્તુ છે. તેથી ટેકનિકલી રૈયાણીનું ફોર્મ ગેરમાન્ય ઠરે નહીં. જો કે અરવિંદ રૈયાણીએ કહ્યું કે, વાંકાનેરની મતદાર યાદીમાંથી નામ કાઢી નાંખવા માટે બે મહિના પહેલાં જ અરજી કરી દીધી હતી. બે કલાકના ડ્રામા બાદ મામલો થાળે પડયો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer