કોંગ્રેસની ફોર્મ્યુલા પાસને મંજૂર: પાટીદાર સંસ્થાઓને નામંજૂર

કોંગ્રેસની ફોર્મ્યુલા પાસને મંજૂર: પાટીદાર સંસ્થાઓને નામંજૂર
કોંગ્રેસનાં અનામત પ્રસ્તાવનો હાર્દિક પટેલ દ્વારા સ્વીકાર: કોંગ્રેસને સમર્થનનો ઈશારો: SPG, ખોડલધામ અને ઉમિયાધામે --સહમતિ આપ્યાનું નકાર્યું

કોંગ્રેસને સમર્થનનો હાર્દિકનો સાફ ઈશારો : પાસની નવી કોર કમિટી રચાશે

(ફૂલછાબ ન્યૂઝ) અમદાવાદ, તા.22: : પાટીદાર અનામત આંદોલનના સૂત્રધાર હાર્દિક પટેલે બહુ અપેક્ષિત પત્રકાર પરિષદમાં કોંગ્રેસની અનામત ફોર્મ્યુલાને મંજૂરીની મહોર મારીને વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને વિધિવત્ સમર્થન જાહેર કરતાં કોઇને આશ્ચર્ય નથી થયું. ભાજપે આંદોલન સમેટી લેવા 1200 કરોડની ઓફર કરી હોવાના સનસનીખેજ આરોપ સાથે હાર્દિકે અનામત ફોર્મ્યુલા આખા સમાજને સ્વીકાર્ય હોવાનો દાવો કર્યો તેનું પાટીદારો દ્વારા તુરંત ખંડન કરવામાં આવ્યું હતું. ઊંઝા ઉમિયાધામ અને ખોડલધામ જેવી વગદાર સંસ્થા અને એસપીજી તરફથી હાર્દિકની વાતને જૂઠી ઠેરવી દેવાતાં પાટીદાર સમાજમાં આ મુદ્દે વિભાજન સ્પષ્ટ બન્યું છે.

ભાજપ પ્રત્યે હાર્દિકની આક્રમક વાણી અને કોંગ્રેસ પ્રત્યેના અનુરાગે પાટીદારો અને અન્ય સમાજમાં સવાલ જગાવ્યો કે પાસ અને કોંગ્રેસનું સમાધાન બિનશરતી છે? આ લડાઇથી વાસ્તવમાં સમાજને ફાયદો થશે? અલબત્ત, કોંગ્રેસનો ‘હાથ’ પકડવાના હાર્દિકના નિર્ણયની અસર કેવીક પડે છે એ તો વિધાનસભા ચૂંટણીના પરિણામના દિવસે જ ખબર પડી શકશે.

હાર્દિકે આજે અમદાવાદમાં પત્રકાર પરિષદ બોલાવીને જાહેર કર્યું હતું કે પાટીદાર સહિત બિનઅનામત વર્ગને ઓબીસીને સમકક્ષ લાભ આપવાની કોંગ્રેસે ફોર્મ્યુલા આપી છે. કોંગ્રેસે હાલની 49 ટકા અનામતમાં ફેરફાર વગર  આ નવી અનામત ઉભી કરાશે. કોંગ્રેસની આ ફોર્મ્યુલા સ્વીકારતા પહેલા પાટીદાર અનામત આંદોલન સમિતિ અને પાટીદાર સમાજની ઉમિયાધામ અને ખોડલધામ જેવી ઉચ્ચ સંસ્થાઓને જાણ કરી સ્વીકૃતિ મેળવી હોવાનો હાર્દિકે દાવો કર્યો છે. હાર્દિકનાં કહેવા અનુસાર જો કોંગ્રેસ સત્તામાં આવશે તો જેટલું બને તેટલું જલદે આ માટેનું બિલ વિધાનસભામાં લાવશે. કોંગ્રેસ તેના મેનિફેસ્ટોમાં પણ આ મુદ્દાનો સમાવેશ કરશે.

હાર્દિક પટેલે કહ્યું કે, કોંગ્રેસ સાથે છેલ્લા કેટલાક દિવસથી ચર્ચા થઇ રહી છે. હાલની 49 ટકા અનામત છે તેમાં કોઇપણ પ્રકારની દખલ નહીં કરીને કોંગ્રેસે આ અનામત આપવાની સહમતિ દર્શાવી છે. આ ઉપરાંત કોંગ્રેસ બિન અનામત ફંડમાં 600 કરોડ થી વધારીને 2,000 કરોડનો પેકેજ પણ આપશે. બંધારણમાં ક્યાંય પણ એવું કહ્યું નથી કે 49 કરતા વધારે અનામત આપી શકાય નહીં. કઇ રીતે આપી શકાય તે ફક્ત સુપ્રીમ કોર્ટે નિર્દેશ કરેલા છે અને આવો કોઇ કાયદો નથી.  તમામ તજજ્ઞોની સાથે પરામર્શ કરી કોંગ્રેસની ફોર્મ્યુલા સ્વીકારવામાં આવી છે. 1994 પછી અલગ અલગ 9 રાજ્યમાં 50 ટકાથી વધુ અનામત આપવામાં આવી છે અને આ બધા કેસો કોર્ટમાં ચાલી રહ્યા છે. કોંગ્રેસે બિન અનામત સમુદાયને અનામત આપવા સહમતિ દર્શાવી છે. અગાઉ સવર્ણ આયોગની રચના બાબત પણ કોંગ્રેસ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. આ આયોગ પણ શૈક્ષણિક અને આર્થિક ઉપાર્જનની સમાન તક આપવાના ઉદ્દેશમાં મદદરૂપ થશે.

કોંગ્રેસે અનામત બંધારણિય રીતે આપવા માટે  સ્પેસિફિક  સર્વે કરવા હાઇકોર્ટની ગાઇડલાઇન પ્રમાણે પણ તૈયારી બતાવી છે. ઓબીસી કમિશનને સાથે રાખીને સર્વે કરવામાં કોંગ્રેસ સંમત છે. હાર્દિકે આગળ કહ્યું હતું કે, પાટીદાર સમાજનાં આગેવાનો અને ઉમિયાધામ અને ખોડલધામ જેવી ઉચ્ચ ધાર્મિક સંસ્થાઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી છે. અમે કોઇ પાર્ટીના એજન્ટ નથી. અમારી લડાઇ અહંકાર સામે છે.

આ ઉપરાંત કોંગ્રેસ સાથે ટિકિટ વહેંચણી મુદ્દે ખટાશ પડી હોવા અંગે પણ તેણે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે પાસે કોંગ્રેસ પાસે ટીકીટ માંગી નથી. આ આંદોલન ટિકિટ માટે નહીં પણ અનામત માટે છે. જો કે લલિત વસોયાએ કરેલી ઉમેદવારી એ અલગ બાબત છે અને તેમની ઇચ્છા હતી. બોટાદમાં પાસના આગેવાન દિલીપ સાંબવા પણ ભરેલું ફેર્મ પાછું ખેંચશે. ભાજપ પાટીદારોના મતોને વિભાજીત કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમારા કન્વીનરોને ખરીદવાનો પ્રયાસ થઇ રહ્યો છે અને અમારા વિરોધમાં 200 કરોડ રૂપિયા ખર્ચ્યા પરંતુ અમે અડગ રહ્યા. હાર્દિકે એમ પણ જણાવ્યું હતું કે, પાસમાં કોઇ આંતરિક ડખો નથી. હું અઢી વર્ષ સુધી કોઇપણ રાજકીય પાર્ટીના બેનર હેઠળ લડવાનો નથી કે કોઇપણ રાજકીય પાર્ટીમાં જોડાવવાનો નથી. . ટૂંક સમયમાં પાસની નવી કોર કમિટીની જાહેરાત કરવામાં આવશે.

આ ઉપરાંત સનસનીખેજ આક્ષેપ કરતાં હાર્દિક કહ્યું હતું કે હું જેલમાં હતો ત્યારે 1200 કરોડની ઓફર આંદોલન બંધ કરવા માટે કરવામાં આવી હતી. કે.કૈલાસનાથનને આ ઓફર કરી હતી. સમાજના હિત માટે આ ઓફર ઠુકરાવી દીધી છે.

----------------

કોઈ પક્ષને સમર્થન નથી: ઉમિયાધામ, ખોડલધામની સ્પષ્ટતા

હાર્દિક દ્વારા પટેલ દ્વારા કોંગ્રેસની અનામત ફોર્મ્યુલા સ્વીકારતા પહેલા ઉમિયાધામ અને ખોડલધામ જેવી અગ્રણી સંસ્થાઓ અને પાટીદાર આગેવાનોની સલાહ લેવામાં આવી હોવાનું નિવેદન કર્યા બાદ ખોડલધામ અને ઉમિયાધામે સ્પષ્ટતા આપતાં કહ્યું હતું કે તેમના તરફથી કોઈ જ પક્ષને સમર્થન આપવામાં આવી રહ્યું નથી. બીજીબાજુ એસપીજીનાં લાલજી પટેલે પણ અનામત મુદ્દે કોંગ્રેસની ફોર્મ્યુલાનો સ્વીકાર કરતાં પહેલા તેમને વિશ્વાસમાં લેવામાં આવ્યા હોવાનો ઈનકાર કરી દેવામાં આવ્યો હતો.

ઉંઝા ધામના પ્રમુખ વિક્રમ પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ ખોટું બોલી રહ્યો છે. ઉંઝા ધામ સાથે આ અંગે કોઇ ચર્ચા કરવામાં આવી નથી. જ્યારે ખોડલધામ ટ્રસ્ટના પ્રમુખ પરેશ ગજેરાએ જણાવ્યું કે કોંગ્રેસની અનામત અંગેની ફોર્મ્યુલા હજુ સુધી અમારી પાસે આવી નથી. કોંગ્રેસની શું પોર્મ્યુલા છે તે જાણ્યા પછી નિર્ણય કરવામાં આવશે. તો બીજી તરફ એસપીજીના પ્રવક્તા અને મહામંત્રી પૂર્વીન પટેલે કહ્યું કે, હાર્દિક પટેલ સમાજને ગેરમાર્ગે દોરે છે. ઉંઝા ધામ સંસ્થા, ખોડલધામ સંસ્થા, એસપીજી સંસ્થા સાથે પાસ કે હાર્દિકે કોંગ્રેસ દ્વારા અપાયેલી અનામતની ફોર્મ્યુલા અંગે કોઇ ચર્ચા કરી નથી.

 

 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer