તાપણું તાપતાં પોરબંદરના યુવાનનું ગંભીર રીતે દાઝી જતાં મૃત્યુ

તાપણું તાપતાં પોરબંદરના યુવાનનું ગંભીર રીતે દાઝી જતાં મૃત્યુ
અમુક લોકો બચાવવા માટે ગયા તો કેટલાક શખસોએ મોબાઈલમાં ક્લિપ ઉતારી ફરતી કરતાં ચકચાર
પોરબંદર, તા.22 : પોરબંદરની સહયોગ હોસ્પિટલ પાછળ રહેતો અને જમીન-મકાન સહિત બિરજુ ગીફ્ટ ગેલેરી નામનો શોપ ધરાવતા બિરજુ રમણીકભાઈ દેવાણી (ઉ.વ.34) પોતાના સ્કૂટરમાં બિરલા કોલોનીથી રતનપર તરફના રસ્તા પર જતો હતો ત્યારે રાત્રીના સમયે અંધકારમાં વધુ પડતી ઠંડીના કારણે તે ઉભો રહી ગયો હતો.  રોડની સાઈડમાં લાકડાઓ પડયા હોવાથી ઠંડી ઉડાડવા માટે તાપણું કર્યું હતું અને તેમાં તાપતી વખતે અકસ્માતે તે સળગી ગયો હતો અને રોડ ઉપર આમ-તેમ સળગતી હાલતમાં દોડવા લાગ્યો હતો.
સતત વાહનોથી ધમધમતા આ રસ્તા ઉપર સળગતા યુવાનને બચાવવા માટે અમુક યુવાનો 108 ને ફોન કરવાની કામગીરી હાથ ધરતા હતા અને સળગી રહેલા યુવાનના શરીરની આગ ઓલવવા પ્રયત્ન કરતા હતા. તો કેટલાક માનવતા નેવે મૂકનારા શખસોએ સળગી રહેલા યુવાનની ક્લિપ મોબાઈલમાં ઉતારીને સોશિયલ મીડિયાના માધ્યમથી ફરતી કરી દીધી હતી. ગંભીર રીતે સળગેલા બિરજુને સારવાર માટે રાજકોટ ખસેડાતા ત્યાં તેમનું મૃત્યુ નિપજ્યું છે.
 આ બનાવમાં એવી કરૂણતા જોવા મળી છે કે 21મી તારીખે મંગળવારે બિરજુ દેવાણીનું મૃત્યુ થયું છે અને બુધવાર 22મી નવેમ્બરે તેનો જન્મદિન હતો. જન્મદિવસનો આગલો દિવસ મૃત્યુદિન બન્યો હોવાથી વધુ શોકનો માહોલ જોવા મળ્યો છે.
ફેસબુક ઉપર અસંખ્ય લોકોએ જન્મદિવસની શુભેચ્છા આપી !
સોશિયલ મીડિયાનું ગાંડપણ એટલી હદે ફેલાયેલું છે કે માણસ જીવે છે કે મૃત્યુ પામ્યો છે તેની પણ દરકાર લેવાતી નથી. મરણ જનાર બિરજુની ફેસબુક આઈ.ડી. ઉપર બુધવારે દિવસભર અસંખ્ય લોકોએ જન્મદિવસની શુભેચ્છા આપી હતી !

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer