વાદીપરાના 107 વર્ષના જેસાભાઈ મતદાન કરવા તત્પર છે

વાદીપરાના 107 વર્ષના જેસાભાઈ મતદાન કરવા તત્પર છે
ગોંડલ: વિધાનસભા, લોકસભા કે પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી આવે ત્યારે યુવા વર્ગ તો મતદાન આપવા થનગનતો જ હોય છે ત્યારે વાદીપરાના 107 વર્ષના જેસાભાઈ પણ મતદાન કરવા થનગની રહ્યા છે. ચાર પેઢીના સંતાનોને પણ મતદાન કરવાની સલાહ આપી રહ્યા છે.
 કોટડાસાંગાણી તાલુકાના વાદીપરા ગામે રહેતા 107 વર્ષના તળપદા કોળી જ્ઞાતિના જેસાભાઈ ધરમશીભાઈ ડાભી આજે પણ કડેધડે છે. રોજ પરોઢિયે 6 ભેંસ અને ચાર ગાયને ચરાવવા લઇ જાવા એ તેમનો નિત્યક્રમ છે. જેસાભાઈ ભણેલા ના હોય પરંતુ તેમનું ગણતર પરિવારને ખૂબ ઉપયોગી થઇ રહ્યું છે. જેસાભાઈને ચાર દીકરાઓ છે જેમાં નરશીભાઈ, તરશીભાઈ, બાબુભાઈ અને જીતાભાઇનો સમાવેશ થાય છે. ચાર દીકરાઓને ત્યાં પણ દીકરાઓ ભાવેશ, હસમુખ, જીજ્ઞેશ, જયસુખ અને હરસુખ પણ દાદાના લાડકવાયાઓ છે.
ચાર પ્રપૌત્ર ધરું, દક્ષ, વિવેક અને નીખી વ્યાજના વ્યાજ સમા છે. ચાર પેઢીના આ પરિવારને જેસાભાઈ આવનાર વિધાનસભાની ચૂટણીમાં મતદાન કરવાની શીખ આપી રહ્યા છે. સાથે કહી રહ્યા છે કે ચૂંટણી ટાણે આંગળીમાં કાળું ટપકું તો કરાવવું જ જોઈએ અને મતદાન એ આપણો હક્ક છે. તેથી તેનો સન્માનપૂર્વક ઉપયોગ કરવો જોઈએ. 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer