અગરિયાઓએ એનજીઓનો વિશ્વાસ ગુમાવ્યો

અગરિયાઓએ એનજીઓનો વિશ્વાસ ગુમાવ્યો
એનજીઓ દ્વારા અગરિયાઓ માટે કરોડોનું ભંડોળ એકત્ર કરાતું હોવા છતાં વિકાસ નહીં
ખારાઘોડા: મીઠું પકવતા અગરિયાઓ માટે સોલાર પમ્પની સબસીડીની જાહેરાત થઈ છે, તેના અમલીકરણની શરૂઆત પણ નથી થઈ ત્યાં એનજીઓ દ્વારા લાભાર્થીઓના ફોર્મ ભરવાના અને લાભાર્થીદીઠ રૂ. એક હજાર ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ ઉઠી હતી.
અસંગઠિત ગણાતા અગરિયાઓના હાલાકીભર્યા જીવનમાં બદલાવ આવે તે માટે છેલ્લા દાયકાથી ઘણી બધી એનજીઓ અને તંત્ર પ્રયત્ન કરે છે. છતાં મોટાભાગના અગરિયાઓએ કંટાળીને મીઠું પકવવાનું બંધ કરી પોતાના વ્યવસાય બદલ્યા છે. યુવા અગરિયાઓના જણાવ્યા મુજબ, એનજીઓના કરોડો રૂપિયાના પ્રોજેક્ટ અને સરકારી ગ્રાન્ટ પછી પણ અગરિયાઓ નાછૂટકે લાચારીવશ પરંપરાગત વ્યવસાયને અલવિદા કરી રહ્યા છે.
બીજી બાજુ અગરિયા આવાસ યોજના હોય કે શિક્ષણનો મુદ્દો, સરવાળે અગરિયાઓના લલાટે કમનસીબીની રેખા ભુંસાતી જ નથી. છેલ્લા કેટલાક સમયથી રણકાંઠામાં અગરિયાઓ અને લોકોમાં ઘૂઘવાટ જોવા મળે છે. અગરિયાઓના જણાવ્યા મુજબ, અગરિયા અને સરકાર વચ્ચે વચેટિયા પ્રથા છેલ્લા ઘણા સમયથી ફૂલી ફાલી છે. તેને બંધ કરવાની જરૂર છે. કોઈ પણ યોજના સરકાર દ્વારા સીધી અગરિયા સુધી પહોંચે તેવી વ્યવસ્થા કરવી જોઈએ.
હાલ મીઠાના અગરમાં કામ કરતા એનજીઓએ છેલ્લાં પાંચ વર્ષમાં અગરિયાઓ માટે મેળવેલ ફંડના આંકડા અને ત્રોત જાહેર કરવામાં આવે તો ઘણા બધા પ્રશ્નો ઉભા થાય તેમ છે. બીજી બાજુ કચ્છના નાના રણમાં અગરિયા પરિવારોની સંખ્યા બાબતે ભારે વિસંગતતા જોવા મળે છે. એનજીઓથી માંડી સરકાર પોતપોતાના આંકડા રજુ કરે છે. તેમાં બસો ટકાથી વધારે તફાવત જોવા મળે છે.
સ્થાનિક સૂત્રોના જણાવ્યા મુજબ, અગરિયાઓની સંખ્યામાં ભારે ઘટાડો થઈ રહ્યો છે. અગરિયાઓના વિકાસ માટે એનજીઓ દ્વારા વિવિધ જગ્યાએથી મેળવવામાં આવતા કરોડોના ભંડોળ પછી પણ અગરિયો દિનબદિન દુર્બળ બની રહ્યો છે. ત્યારે રણવિસ્તારમાં હવે અગરિયાઓ એનજીઓમાંથી શ્રદ્ધા ગુમાવીને પ્રશ્નો પૂછી રહ્યા છે.
અગરિયા સંગઠન સ્વાદ દ્વારા વડાપ્રધાનને રજૂઆત કરવામાં આવી છે. જેમાં અગરિયાઓને સરકારી યોજનાનો સીધો લાભ મળે તે પ્રકારની વ્યવસ્થા ઉભી કરવા રજૂઆત કરવામાં આવી છે. આ ઉપરાંત અગરિયા કોઈ પણ એનજીઓની મદદ વગર સોલાર પમ્પ કિટ પોતાની રીતે બજારમાંથી ખરીદીને પણ સબસીડી મેળવી શકે તેવી વ્યવસ્થા ગોઠવવા રજૂઆત કરવામાં આવી છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer