આજથી એશિઝ જંગ: ઇંગ્લેન્ડ સામે બોલરોની તાકાત લગાડશે ઓસિ.

આજથી એશિઝ જંગ: ઇંગ્લેન્ડ સામે બોલરોની તાકાત લગાડશે ઓસિ.
ડેવિડ વોર્નર ફિટ: પહેલા ટેસ્ટની પ્લેઇંગ ઇલેવનમાં સમાવેશ
 
બ્રિસ્બેન તા.22: ઓસ્ટ્રેલિયાની ટીમ તેના ઝડપી બોલરોની મદદથી આવતીકાલ ગુરુવારથી શરૂ થતાં પહેલા ટેસ્ટમાં પરંપરાગત હરીફ ઇંગ્લેન્ડ સામે પોતાની સરજમીં પર જીતના લક્ષ્યાંક સાથે મેદાને પડશે. પાંચ ટેસ્ટની ક્રિકેટ ઇતિહાસની આ સૌથી જૂની અને પ્રતિષ્ઠિત એશિઝ ટ્રોફી પર કબજો જમાવવા બન્ને ટીમ વચ્ચે કાંટે કી ટકકર થશે. ઓસ્ટ્રેલિયાને આશા છે કે 2013માં મિચેલ જોનસને જે સફળતા મેળવી હતી તેવી સફળતા મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવૂડ અને પેટ કમિન્સ અપાવશે. કાંગારૂ ટીમ માટે રાહતના એ સમાચાર છે કે તેનો ઉપસુકાની અને આક્રમક ઓપનર ડેવિડ વોર્નર પહેલા ટસ્ટ માટે ફિટ થઇ ગયો છે. બન્ને ટીમે પ્લેઇંગ ઇલેવન જાહેર કરી દીધી છે. ઓસિ. ઇલેવનમાં વોર્નરનું નામ છે. ઇંગ્લેન્ડના બેટિંગ ક્રમમાં પ્રમાણમાં અનુભવ નથી. આ ઉપરાંત સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસની ખોટ પણ રહેશે. બ્રિસ્બેનના ગાબાના મેદાન પર ઓસ્ટ્રેલિયાનો રેકોર્ડ શાનદાર છે. તે અહીં 1988થી કોઇ ટેસ્ટ હાર્યું નથી. ઇંગ્લેન્ડની ટીમ ગાબા પર 31 વર્ષથી ટેસ્ટ જીતી નથી. કાંગારૂ ફાસ્ટ બોલર મિચેલ સ્ટાર્કના નિશાન પર ઇંગ્લેન્ડના બે મુખ્ય બેટધર સુકાની જો રૂટ અને એલિસ્ટર કૂક રહેશે. સ્ટાર્કે કહયું છે કે અમારી રણનીતિ કૂક અને રૂટને જલ્દીથી આઉટ કરવાની રહેશે. આથી બાકીના બિનઅનુભવી ઇંગ્લીશ બેટસમેનો પર દબાણ વધારી શકાય. ઝડપી બોલિંગ આક્રમણ ઉપરાંત ઓસ્ટ્રેલિયાનો આધાર ડેવિડ વોર્નર અને સુકાની સ્ટીવન સ્મિથની બેટિંગ પર વધુ નિર્ભર રહેશે.
ઇંગ્લેન્ડની ટીમમાં કૂક અને રૂટ ઉપરાંત માર્ક સ્ટોનમેન, ડેવિડ મલાન અને મોઇન અલી સારા બેટસમેન છે. જેની તેની બોલિંગનો મુખ્ય આધાર નંબર વન બોલર જેમ્સ એન્ડરસન અને સ્ટૂઅર્ટ બ્રોડ પર રહેશે. મેચ ભારતીય સમય અનુસાર સવારે પ-30 વાગ્યાથી શરૂ થશે.
ઓસ્ટ્રેલિયાની ઇલેવન: ડેવિડ વોર્નર, કેમરન બૈનક્રોફટ, ઉસ્માન ખ્વાઝા, સ્ટીવન સ્મિથ (કેપ્ટન), પીટર હેંડસકોબ, શોન માર્શ, ટિમ પેન (વિકેટકીપર), મિચેલ સ્ટાર્ક, પેટ કમિન્સ, જોશ હેઝલવૂડ અને નાથન લિયોન.
ઇંગ્લેન્ડની ઇલેવન: એલિસ્ટર કૂક, ડેવિડ મલાન, જો રૂટ (કેપ્ટન), મોઇન અલી, જોની બેયરસ્ટો (વિકેટકીપર), જેક બેલ, જેમ્સ વિંસ, સ્ટૂઅર્ટ બ્રોડ, માર્ક સ્ટોનમેન, જેમ્સ એન્ડરસન અને ક્રિસ વોકસ.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer