સિવિલ હોસ્પિટલમાં દવાની બારી પાસે દર્દીઓ બાખડયા

સિવિલ હોસ્પિટલમાં દવાની બારી પાસે દર્દીઓ બાખડયા
દવાની બારી બંધ થતાં અફરાતફરી મચી ગઇ હતી અને સિવિલ સર્જન સહિતનો કાફલાએ મામલો થાળે પાડયો
રાજકોટ, તા. 14: સિવિલ હોસ્પિટલની દવાની બારી પર દર્દીઓ વચ્ચે મારામારી થઇ હતી. દવાની બારી બંધ હોવાના મામલે આ ડખ્ખો થયો હતો. તેના કારણે થોડીવાર માટે અફરાતફરી મચી ગઇ હતી. બાદમાં સિવિલ સર્જન સહિતના કાફલાએ આવીને મામલો થાળે પાડયો હતો.
સૌરાષ્ટ્રના પાટનગર ગણાતા રાજકોટમાં પંડિત દીનદયાલ ઉપાધ્યાયના નામે ઓળખાતી સિવિલ હોસ્પિટલમાં સૌરાષ્ટ્રભરમાં દરરોજ અંદાજે ચાર હજાર જેટલા દર્દીઓ દવા લેવા અને સારવાર માટે આવે છે. આજે સવારે પણ આ જ રીતે મોટી સંખ્યામાં દર્દીઓ દવા લેવા માટે આવ્યા હતાં. હોસ્પિટલની દવાની બારી પાસે દવા લેવા માટે લાઇન લાગી હતી. આ સમયે દવાની બારી બંધ હોવાની બાબતે દર્દીઓ વચ્ચે ડખ્ખો થયો હતો અને મામલો મારામારી સુધી પહોંચી ગયો હતો. આ અંગે દેકારો બોલતા સીકયુરીટી ગાર્ડ દોડી આવ્યા હતાં. એ પછી સિવિલ સર્જન ડૉ. મહેતા સહિતનો કાફલો દવાની બારી પર આવ્યો હતો અને મામલો થાળેપાડયો હતો.
અત્રે ઉલ્લેખનિય છે કે, પાંચ વર્ષ પહેલા સિવિલ હોસ્પિટલમાં દવાની દસ બારી કાર્યરત હતી. એ પછી એક ફાર્માસીસ્ટનું મૃત્યુ થતા અને ત્રણ ફાર્માસીસ્ટે નિવૃત્તિ લેતા બારી ઓછી કરવાની ફરજ પડી હતી. આથી દસમાંથી માત્ર ત્રણ બારી ચાલુ રાખવામાં આવી હતી. તેના કારણે કાયમી ધોરણે દવાની બારી પર ભીડ રહે છે.દવાની વધુ બારીઓ ખોલવા માટે રજૂઆતો થઇ છે પરંતુ ગમે તે કારણોસર વધુ બારી ખોલવામાં આવતી ન હતી. દરમિયાન આજે દવા લેવામાટે લાઇનમાં ઉભેલા દર્દીઓ અને તેના સગા વચ્ચે ડખ્ખો થયો હતો. સિવિલ સર્જનના જણાવ્યા પ્રમાણે દર્દીઓને દવા લેવા અને સારવાર માટે મુશ્કેલી ન પડે તે માટે ટોકન સીસ્ટમ ઉભી કરવાની પ્રક્રિયા ચાલે છે. દર્દીનોને મુશ્કેલી ન પડે તે માટે દવાની વધુ બારી ખોલવાનું પણ આયોજન કરાયું છે. જે ટૂંક સમયમાં અમલમાં આવી જશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer