રૈયા અને મવડી ચોકડીએ અંડરબ્રિજનું કામ વેગવંતું

રૈયા અને મવડી ચોકડીએ અંડરબ્રિજનું કામ વેગવંતું
રૈયા ચોકડીએ ચોથી સાઈડનું કામ ચાલુ : મવડીથી ગોંડલ રોડ જતાં રસ્તાને ડાયવર્ઝન અપાયું
રાજકોટ, તા.14 : શહેર મેટ્રો સિટી તરફ આગેકૂચ કરી રહ્યું છે તેમ છતાં ટ્રાફિકની સમસ્યાનું નિરાકરણ આજદિન સુધી આવ્યું નથી ત્યારે આ સમસ્યાના ઉકેલના ભાગરૂપે મનપા દ્વારા ટ્રાફિકગ્રસ્ત રસ્તાઓ પર ઓવરબ્રિજ-અંડરબ્રિજ બનાવવાના પ્રોજેક્ટ હાથ પર લેવાયાં છે. દોઢસો ફૂટ રીંગ રોડની જ વાત કરીએ તો અહીં રૈયા અને મવડી ચોકડીએ રૂા.25-25 કરોડના ખર્ચે ઓવરબ્રિજ બનાવવાનું કામ ગતિમાં આવી ચૂક્યું છે અને આવતા વર્ષે નવેમ્બર માસ સુધીમાં બન્ને પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાની તંત્રને આશા છે.
કોર્પોરેશનના ઈજનેરી વર્તુળોના જણાવ્યાનુસાર  રૈયા ચોકડીએ ત્રણેય સાઈડમાં આરીવોલનું કામ પૂર્ણ થઈ ગયું છે અને ચોથી સાઈડ માટેનું કામ ચાલુ છે. પીલરનું પણ એક સાઈડનું કામ પૂર્ણ થઈ ચૂક્યું છે અને બીજી સાઈડમાં 12 પીલર માટે ખોદાણ થઈ ગયું છે. દરેક પીલર માટે 15 ફૂટ ઉંડુ ખોદાણ કરવામાં આવ્યું છે.
મવડી ચોકડી બ્રિજે પણ બન્ને સાઈડ 6-6 પીલર પૂરા થઈ ગયાં છે. એક સાઈડ રાફ્ટ( આરી વોલ)નું ફાઉન્ડેશન પુરુ થઈ ગયું છે. બીજી સાઈડના રાફ્ટનું ખોદાણ થઈ ગયું છે અને તેમાં 6 પીલર પણ ઉભા થઈ ગયાં છે. હાલ મવડીથી ગોંડલ રોડ જતો રસ્તો બંધ કરી દેવામાં આવ્યો છે અને ડાયવર્ઝન ચાલુ કરી દેવામાં આવ્યું છે. ત્યાં ડિમાર્કેશન કરી ખોદાણ ચાલુ કરી દેવામાં આવશે. વધુમાં વધુ 10 દિવસમાં ચોથી સાઈડનું કામ પણ પૂર્ણ થઈ જશે. આવતા વર્ષે નવેમ્બર માસ સુધીમાં બન્ને પ્રોજેક્ટ પૂર્ણ થઈ જવાની તંત્રને આશા છે.
આમ્રપાલી ફાટક બ્રિજ હજુ અધ્ધરતાલ !
આમ્રપાલી ફાટક બંધ થાય ત્યારે ટ્રાફિકની જે સમસ્યા સર્જાય છે તેનો કાયમી ઉકેલ લાવવા ત્યાં પણ બ્રિજ બનાવવાની યોજના મનપાએ વિચારી હતી. આમપ્રાલી ફાટકે બ્રિજ માટે દૂકાનની કપાત અને ડિમાર્કેશન પણ અગાઉ થઈ ચૂક્યું છે. રેલવેની લીલીઝંડી પણ મળી ચૂકી છે. કન્સલ્ટન્ટે રિપોર્ટ પણ આપી દીધો છે છતાં બ્રિજની ડિઝાઈનને લઈને કોકડું ગુંચવાયું છે. અહીં  અડરબ્રિજ બનાવવો કે, ઓવરબ્રિજ તે આજદિન સુધી મ્યુનિ.તંત્ર નક્કી કરી શક્યું નથી અને બીજી તરફ કે.કે.વી સર્કલે અંડરબ્રિજ બનાવાની જાહેરાતો પદાધિકારીઓ કરી ચૂક્યાં છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer