ચાવી બનાવી દેવાના બહાને ચોરી કરતી ચીખલીગર ગેંગના ત્રણ સાગરીત પકડાયાં

ચાવી બનાવી દેવાના બહાને ચોરી કરતી ચીખલીગર ગેંગના ત્રણ સાગરીત પકડાયાં
રામરણુજાનગરમાં મકાનમાં રૂ.39 હજારની ચોરી: સાઇકલ પરથી પડી જતા તરુણનું મૃત્યુ
રાજકોટ, તા. 14: ચાવી બનાવી આપવા અને લોક રીપેર કરી દેવાના બહાને દાગીનાની ચોરી કરી જતી ચીખલીગર ગેંગના ત્રણ સાગરીતને પોલીસે ઝડપી લીધા હતાં. આ શખસોએ સુરત, ઇન્દોર અને મહારાષ્ટ્રમાં ચોરી કર્યાનું ખુલ્યું છે.
શકિતનગર સોસાયટીમાં કબાટની તિજોરીનું લોક રીપેર કરી દેવાના બહાને દાગીનાની ચોરી કરનાર ચીખલીગર ગેંગના ત્રણ સાગરીત મવડી ચોકડી પાસે હોવાની બાતમી ક્રાઇમ બ્રાંચના રાજેશ બાળા, યુવરાજસિંહ અને સિધ્ધરાજસિંહને મળી હતી. આ હકિકતના આધારે બ્રાંચના સબ ઇન્સ. કે.કે.જાડેજા અને તેના મદદનીશો ડાહ્યાભાઇ બાવળિયા, વિરદેવસિંહ, રઘુવીરસિંહ વગેરેએ મવડી ચોકડીએ પહોંચી જઇને એ શખસોને અટકાયતમાં લીધા હતાં. આ શખસોએ તેના નામ હરપાલસિંઘ ઓમકારસિંઘ ઉર્ફે ઓકાસિંઘ ચીખલીગરશીખ, હીરાસિંઘ ગોવિંદસિંઘ ચૌહાણ હોવાનું જણાવ્યુંહતું. જયારે એક શખસ કાયદાના સંઘર્ષમાં આવેલ સગીર હોવાનું માલુમ પડયું હતું. નંદુરબાર અને મધ્યપ્રદેશના વતની અને હાલ સુરતમાં રહેતા આ શખસોની તલાશી દરમિયાન ચાંદીના દાગીના વગેરે મળી આવ્યું હતું. આ શખસોએ શકિતનગરમાં ચોરી કર્યાની કબુલાત આપી હતી.આ ઉપરાંત હરપાલસિંઘે ચાર માસ પહેલા સુરતના ડીડોલી વિસ્તારમાં પાંચ હજારનીચોરી કબુલાત આપી હતી.જયારે કાયદાના સંઘર્ષમાંઆવેલા શખસે ઇન્દોરમાં રૂ. 1.20 લાખ, મહારાષ્ટ્રના નંદુબારમાં ચાંદીની ચોરી કર્યાની કબુલાત આપી હતી. પોલીસે ત્રણેની વધુ પુછપરછ હાથ ધરી છે.
ચોરી: રામરણુજાનગર શેરી નં.4માં રહેતા નિખીલભાઇ જીવણભાઇ ચાવડાના મકાનના દરવાજાનું તાળુ તોડીને અંદર પ્રવેશેલા તસ્કરો કબાટની તિજોરીમાંથી રૂ. 29 હજારની રોકડ રકમ અને  સોનાની કાનસર મળી કુલ રૂ. 39 હજારની ચોરી કરી ગયાની ફરિયાદ થઇ છે.
તરુણનું મૃત્યુ: નવાથોરાળા મેઇન રોડ પર સાઇકલ પરથી પડી જવાથી ધો.10માં અભ્યાસ કરતાં 17 વર્ષના તરુણ જયદીપ રમેશભાઇ ચૌહાણનું મૃત્યુ નિપજ્યું હતું. આ બનાવની કરૂણતા એ છે કે,રમેશભાઇ અને પત્ની મુકતાબહેનને સંતાન સુખ પ્રાપ્ત નહી થતાં તેમણે તેના ભાઇ મહેશભાઇ કુરજીભાઇ ચૌહાણના પુત્ર જયદીપને દત્તક લીધો હતો.આજે સવારે જયદીપ સાઇકલ લઇને સ્કૂલે ગયો હતો. ત્યાંથી એકાદ વાગ્યાના સુમારે ઘેર પરત આવતોહતો.ત્યારે ઘર પાસે સાઇકલ પરથી પડી ગયો હતો.તેને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો હતો.જયાં તેનું મૃત્યુ નિપજ્યું હતું.
વૃધ્ધાનો આપઘાત: ગોકુલધામ પાસેની વૃંદાવન સોસાયટીમાં રહેતાં 80 વર્ષના કાંતાબહેન રતિભાઇ મારૂ નામના વૃધ્ધાએ પતિના વિયોગના કારણે  ઝેરી દવા પી જીવનનો અંત આણ્યો હતો.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer