જિંદગીના તખ્તા પરથી નાટયકાર નિમીષ દેસાઇની ‘એકઝીટ’

જેમની સુપરહીટ ફિલ્મ ‘નસીબની બલીહારી’ ને આઠ એવોર્ડ મળ્યા’તા
 
પરેશ રાવલની કારકિર્દીની શરૂઆત પણ ‘નસીબની બલીહારી’થી થઇ’તી
 
રાજકોટ/ભૂજ/અમદાવાદ, તા.14: દિગ્ગજ નાટયકાર અને  100થી વધુ ગુજરાતી નાટકોનું દિગ્દર્શન તેમજ 16 જેટલી સિરીયલનું દિગ્દર્શન કરવાની સાથે ‘નશીબની બલીહારી’ જેવી હીટ ફિલ્મ આપી આઠ એવોર્ડસ મેળવનાર નિમીષ દેસાઈનું આજે વહેલી સવારે હૃદયરોગના હુમલાથી અમદાવાદમાં નિધન થયું છે.
4 મહિના પહેલાં જ ઇટાલિયન સર્જક લુઇઝ પિરાન્ડેલોના એક પ્લેને ગુજરાતીમાં (મહેન્દ્રભાઇ અમીને) એડોપ્ટ કરી નિમેષભાઇ દેસાઇએ ડિરેક્ટ કર્યું હતું, તે અમે જોવા ગયેલા. નામ હતું : જેના મોંમાં જાંબુડિયા રંગનું ફૂલ. અદ્ભુત નામ, અદ્ભુત પ્લે! આમ તો એબ્સર્ડની કેટેગરીમાં મૂકી શકાય તેવું જ હતું. આર્જવ ત્રિવેદી (એટલે કે ‘છેલ્લો દિવસ’નો ધુલો) અને કિશન ગઢવીએ તેમાં સ-રસ અભિનય કર્યો હતો. એ જ વખતે અને એની પહેલાં પણ નિમેષભાઇ આર્થર મિલરના ક્લાસિક પ્લે ‘ડેથ ઓફ સેલ્સમેન’નું ગુજરાતીમાં ‘કાચી નીંદર કાચાં સપનાં’ નામથી એડેપ્ટેશન  કરીને (બાય ચંદ્રકાંત શાહ) રજૂ કરી ચૂક્યા હતા.
નિમેષભાઇની સુપરહિટ નીવડેલી અને પ્રસિદ્ધી પામેલી ફિલ્મ એટલે ‘નસીબની બલિહારી’, જેના થકી પરેશ રાવલની કારકિર્દીની શરૂઆત થઇ હતી. થોડા સમય પહેલાં તેમણે દિગ્દર્શિત કરેલી ગુજરાતી ફિલ્મ ‘કૂખ’ પણ આવેલી. એ વખતે તેમના સાથે ટૂંકી ગોઠડી માંડી હતી. નિમેષભાઇએ ગુજરાતી અભિનય જગતમાં પોતાના આગમન વિશે કહેલું કે, તેમને એન્જિનીયર બનવું હતું અને અભિનયમાં પણ રસ હતો, પરંતુ મુંબઇમાં બ્રેક નહોતો મળતો. એ દરમ્યાન તેમનું ફેમિલી અમદાવાદ શિફ્ટ થયું.
નિમેષભાઇએ એચ.કે આર્ટ્સમાં એડમિશન લીધું. ત્યારે નિરંજન ભગત, લાભશંકર ઠાકર, ઉમાંશકર જોશી સહિતના સર્જકો હેવમોરમાં એકઠા થતા. નિમેષભાઇ પણ જવા લાગ્યા. એ દરમ્યાન સુભાષ શાહે નાટક ‘કેપ્સ લાસ્ટ ટીમ’માં 70 વર્ષના વૃદ્ધનો રોલ કરવાનું કહ્યું. નિમેષભાઇએ સ્વીકારી લીધો. અભિનયક્ષેત્રે કામ મળવાની નિમેષભાઇની શરૂઆત આ રીતે થઇ. 
નિમેષભાઇએ સર્વેશ્વર દયાલ સક્સેનાનું ‘બકરી’ અને ‘કેમ મકનજી ક્યાં ચાલ્યા?’ તથા રમેશ પારેખનું ‘સગપણ એક ઉખાણું’ સહિતનાં નાટકો કર્યાં છે. પન્નાલાલ પટેલની જાણીતી નવલકથા ‘મળેલા જીવ’નું (શશિકાંત નાણાવટીએ) નાટય રૂપાંતર કરી, નિમેષભાઇએ દિગ્દર્શન કર્યું છે, તદુપરાંત તેમણે ‘સરસ્વતીચંદ્ર’ અને ‘ભારેલો અગ્નિ’ જેવી નવલકથાઓ પરનાં નાટકો પણ આપ્યાં છે. બે વર્ષપહેલાં નિમેષભાઇએ મેઘાણીએ ‘સોરઠી સંતો’ પુસ્તકમાં આલેખેલા પાત્ર વેલાબાપા પર એકપાત્રીય પ્રયોગ કર્યો, જેમાં તેમણે પ્રત્યક્ષ સંગીત સાથે છએક ભજનો પણ ગાયાં હતાં. તેમને ડિઝાઇનિંગ તથા કોરિયોગ્રાફીમાં રસ હતો એટલે તે પણ કર્યું. તેમણે કેતન મહેતાની ‘ભવની ભવાઇ’માં મ્યુઝિક ડિપાર્ટમેન્ટમાં આસિસ્ટન્ટ તરીકે કામ કર્યું (તેમાં પ્લેબેક સિંગિગ પણ કર્યું છે).  ત્યારબાદ ફિલ્મ ડાયરેક્શનમાં હાથ અજમાવ્યો. નિમેષભાઇ તેમના પપ્પા પાસે જૂની રંગભૂમિનાં ગીતો સાંભળતાં, એટલે એ તમામ તત્ત્વોને       તેઓ નાટકોમાં ઉમેરતા.
1975માં નિમેષભાઇ ઇસરોમાં પ્રોડક્શન આસિસ્ટન્ટ તરીકે જોડાયા. સમય જતા તેમને પ્રોડયુસર તરીકે પ્રમોશન અને પૂનાની એફટીઆઇઆઇમાં ફિલ્મકળાની તાલીમ પણ મળી. એ દરમ્યાન (વર્ષ 1976-77) એચ.કે કોલેજમાં જ અભ્યાસ કરતી અને નાટકમાં રસ ધરાવતી ખેડા-ઉમરેઠની એક વર્ષ જુનિયર છોકરી ગોપી સાથે નિમેષભાઇનો પરિચય અને પછી પ્રેમ થયો. આઠ-દસ મહિના બાદ બેઉએ ભાગીને લગ્ન કર્યાં.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer