સાધુ-સંતોની ચીમકીના પગલે સરકારે તાબડતોબ આપી ખાતરી

ધર્મસત્તા આગળ રાજસત્તાની શરણાગતી
નવ જેટલી માગણીઓ મુદ્દે કરેલી રજૂઆત સરકારે સ્વીકારી છે: ભારતીબાપુ
જૂનાગઢ, તા. 14: જૂનાગઢના ભવનાથમાં ગઇકાલે સાધુ-સંતોએ વિવિધ પ્રશ્નોનો ઉકેલ ન આવતા આંદોલન કરવા ચિમકી આપી હતી. જેના પગલે આજે સરકારે તાબડતોબ સાધુ-સંતોને ગાંધીનગર ખાતે બોલાવી બેઠક યોજી હતી અને નવ જેટલી બાબત અંગે ખાતરી આપી હતી અને મામલો થાળે પડયો હતો, આમ ધર્મસત્તા સામે રાજસત્તાએ શરણાગતી સ્વીકારી હતી.
શહેરના ભવનાથ વિસ્તારમાં આવેલા ભારતી આશ્રમ ખાતે ગઇકાલે સવારે સાધુ-સંતોની બેઠક મળી હતી જેમાં અખાડા- આશ્રમોની જગ્યા ટોકનદરે રેગ્યુલાઇઝ કરવા, સાધુ સમાજ માટે બોર્ડ બનાવવા, ગિરનાર ડેવલોપમેન્ટ ઓથોરિટીમાં સ્થાન આપવા સહિતના મુદ્દે રોષ વ્યક્ત કરાયો હતો. આ પ્રશ્નોના ઉકેલ ન આવે તો સાધુ સમાજે ઉપવાસ આંદોલન કરવા ચિમકી આપી હતી. જેના પગલે આજે સવારે જ સરકાર દ્વારા મહામંડલેશ્વર ભારતી બાપુ સહિતના સાધુ-સંતોને આમંત્રણ આપવામાં આવ્યું હતું અને બપોરે ગાંધીનગરમાં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ, મુખ્યમંત્રી વિજય રૂપાણી તથા પ્રદેશ ભાજપ પ્રમુખ જીતુભાઇ વાઘાણીની ઉપસ્થિતિમાં બેઠક યોજાઇ હતી. જેમાં 20 જેટલા સાધુ-સંતો ઉપસ્થિત રહ્યા હતા. આ અંગે મહામંડલેશ્વર ભારતી બાપુનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે ધર્મસ્થાનોને ટોકનદરે રેગ્યુલાઇઝ કરવા, સાધુ સમાજ માટે બોર્ડ બનાવવું, સારા અને લાયક સાધુને ચૂંટણીમાં ટિકિટ આપવી, ગાયને રાષ્ટ્રીય પ્રાણી જાહેર કરવા જેવી નવ માંગણીઓ સરકારે સ્વીકારી છે અને તે માટે ખાતરી આપી છે જેમાં હાલ આચારસંહિતા અડચણરૂપ નથી તેવા મુદ્દા અંગે તાકિદે કાર્યવાહી તથા અન્ય મુદ્દા આચારસંહિતા બાદ નિરાકરણ થશે. આમ સાધુ - સંતોના પ્રશ્નો અંગે સરકારે તાબડતોબ બેઠક બોલાવી ખાતરી આપતા ધર્મસત્તા સામે રાજસત્તાએ શરણાગતિ સ્વીકારી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer