રણનીતિક હિસ્સેદારી દૃઢ બનાવવા અબે સાથે મોદીની ચર્ચા

રણનીતિક હિસ્સેદારી દૃઢ બનાવવા અબે સાથે મોદીની ચર્ચા
મનિલા તા. 14: વડા પ્રધાન નરેન્દ્ર મોદીની અને તેમના જાપાની સમકક્ષ શિન્જો અબે વચ્ચે, વિશેષ રણનીતિક હિસ્સેદારીને ભવિષ્યમાં ઓર બહેતર બનાવવા બાબતે વિસ્તૃત ચર્ચા થઈ હતી. અહીં ચાલી રહેલી આસીઆન શિખર પરિષદ સિવાયના સમયમાં આ દ્વિપક્ષી ચર્ચા થઈ હતી. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયાના વડા પ્રધાન માલ્કમ ટર્નબુલ અને વિયેતનામી સમકક્ષ નુયેન શુઆન ફુક સાથે અલગઅલગપણે યોજેલી દ્વિપક્ષી વાટાઘાટમાં, ભારતીય-પેસિફિક પ્રદેશમાં રચાતા સલામતી પરિદૃશ્ય સહિતના વ્યૂહાત્મક રસના વિવિધ વિષયે ચર્ચા થઈ હતી. ટર્નબુલ સાથેની બેઠકમાં, આ પ્રદેશમાં ચીને અપનાવેલી આક્રમક લશ્કરી વલણની પશ્ચાદભૂમાં ઈન્ડો-પેસિફિકમાં બેઉ દેશોના વ્યૂહાત્મક હિતોના સમન્વયની ચર્ચા થઈ હતી.
મોદી અને અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચેની વાટાઘાટમાં પણ આ મુદ્દો છેડાયો હતો.
વિયેતનામ અને ચીન સહિત કેટલાક આસીઅન સભ્ય દેશો વચ્ચે સાઉથ ચાઈના સીમાં ચાલતી તકરારમાં મધ્યસ્થી કરવા ટ્રમ્પે પોતાની મુલાકાતમાં ઓફર કર્યાના થોડા દિવસ બાદ મોદી-ફુકની બેઠક યોજાઈ હતી. (હાઈડ્રોકાર્બન્સનો વિરાટ સ્રોત સમા સમગ્ર સાઉથ ચાઈના સીમાં સાર્વભૌમત્વનો દાવો ચીને કર્યો છે)
વડા પ્રધાન મોદીએ બ્રુનેઈ દારુસલ્લામના સુલતાન હસ્સાનલ બોલકિયા સાથે પણ બેઠક કરી હતી. તેઓ વચ્ચે દ્વિપક્ષી સંબંધો ઉપરાંત ખાસ તો વ્યાપાર અને રોકાણ, પુન:વાપરી શકાતી ઉર્જા, સાંસ્કૃતિક સંબંધો સહિતના મુદ્દે ચર્ચા થઈ હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer