આતંકવાદ સામે સામૂહિક પ્રયાસ આવશ્યક: મોદી

આતંકવાદ સામે સામૂહિક પ્રયાસ આવશ્યક: મોદી
આતંક સામે નિયમ આધારિત માળખાની મનિલામાં મોદીની હિમાયત : શિખર પરિષદ દરમ્યાન દક્ષિણ ચીન વિવાદ પર પરોક્ષ પ્રહાર
 
મનિલા, તા. 14 : ઇન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ચીનના વિસરતા તેવરનો દેખીતો ઉલ્લેખ કરીને પ્રહારો કરતાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ત્રાસવાદનો  અસરકારક સામનો કરવા માટે ક્ષેત્રિય સહકારને તીવ્ર બનાવવાનો કોલ આપ્યો હતો અને સંશાધન સમૃદ્ધ ક્ષેત્ર માટે નિયમાધારિત સુરક્ષા માળખાં પર ભાર મૂક્યો હતો. દરમ્યાન અહીં આસિયાન-ઇન્ડિયા શિખર પરિષદમાં સંબોધન દરમ્યાન મોદીએ પૂર્વ-એશિયા શિખર સાથે કામ કરવાની ભારતની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી.
અહીં શિખર બેઠક દરમ્યાન સંબોધનમાં મોદીએ ત્રાસવાદને આ ક્ષેત્રનો  સૌથી મહા પડકાર ગણાવ્યો હતો અને કહ્યું કે, તેનો સામનો કરવા માટે દેશો એકજૂટતાથી હાથ મિલાવીને આગળ વધે તેનો સમય પાકી ગયો છે. આપણે ત્રાસવાદ અને હિંસક અંતિમવાદનો સામનો કરવા વ્યક્તિગત રીતે સખત પુરુષાર્થથી પ્રયાસરત છીએ. હવે સાથે મળીને પડકાર ઉપાડીએ.
દસ દેશોના એસોસીએશનઓફ સાઉથ ઇસ્ટ એશિયન નેશન્સ (એશિયન) સમૂહ એ આ ક્ષેત્રમાં સૌથી વધુ પ્રભાવક છે અને તેમાં ભારત ઉપરાંત અમેરિકા, ચીન, જાપાન સહિતના દેશો વાટાઘાટ ભાગીદાર છે.
આ પહેલાં ઇસ્ટ-એશિયા શિખરમાં મોદીએ આ ક્ષેત્રમાં સુરક્ષા વ્યાપાર સંબંધી મુદ્દાઓને ધ્યાને લેતાં પૂર્વ એશિયા શિખર પરિષદ સાથે કામ કરવા માટેની પ્રતિબદ્ધતા અને સંપૂર્ણ સહયોગની  પ્રતિબદ્ધતા દર્શાવી હતી.
મોદીએ કહ્યું હતું કે,  આગામી વર્ષોમાં ક્ષેત્રમાં પૂર્વ-એશિયા શિખરની વ્યાપક ભૂમિકા આગળ લઇ જાય તેવી ભારત અપેક્ષા રાખી રહ્યું છે. રાજકીય સુરક્ષા અને આર્થિક પાસાંઓ ધ્યાને લેવા શિખર સાથે કામ કરવાની પ્રતિબદ્ધતા દોહરાવું છું.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer