સરદાર સાથે હાર્દિકની તુલનાથી વિવાદ

સરદાર સાથે હાર્દિકની તુલનાથી વિવાદ
હાર્દિકમાં સરદારનાં ડીએનએ હોવાનું બોલીને શક્તિસિંહે છેડયો વિવાદ: ભાજપે મુદ્દો ઉપાડી લીધો, લોહપુરુષનું ગણાવ્યું અપમાન : અમદાવાદ, સુરત, રાજકોટમાં વિરોધ પ્રદર્શન
 
અમદાવાદ / સુરત,
તા. 14 : કથિતરૂપે હાર્દિક પટેલની સેક્સ વિડીયો મુદ્દે ગુજરાતમાં રાજકીય ઘમસાણ મચી ગયું છે. આશરે બે વર્ષ પૂર્વે બિહાર વિધાનસભાની ચૂંટણીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને નીતિશ કુમાર વચ્ચે વાગ્યુદ્ધમાં ડીએનએનો મુદ્દો ખુબ ઉછળ્યો અને સળગ્યો હતો. હવે લાગે છે કે ગુજરાતની ચૂંટણીમાં પણ ડીએનએની એન્ટ્રી થઈ ગઈ છે. ગુજરાત કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા શક્તિસિંહ ગોહિલે સેક્સકાંડ બાદ હાર્દિક પટેલનાં બચાવમાં પ્રશંસા કરતાં કહ્યું હતું કે તેમની અંદર સરદાર પટેલનો ડીએનએ છે. શક્તિસિંહનાં આ વિધાનને ભાજપે તત્કાળ ઉપાડી લીધો હતો અને આને સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન ગણાવતાં આક્ષેપોનો મારો ચલાવી દીધો હતો. ભાજપ દ્વારા આજે રાજ્યમાં  અલગ અલગ જગ્યાએ શક્તિસિંહના પૂતળાનું દહન કરી ઉગ્ર વિરોધ પ્રદર્શનો કરવામાં આવ્યા હતા. દરમિયાન શક્તિસિંહ ગોહિલે કહ્યું કે, ભાજપે મારી મચડીને મારા નિવેદનને ખોટી રીતે રજૂ કર્યું છે.
ભાજપે કહ્યું છે કે લોખંડી પુરુષનાં ઉપનામથી ઓળખાતાં ભારતનાં પ્રથમ નાયબ વડાપ્રધાન સરદારની આવી તુલના અપમાનજનક છે. ભાજપનાં નેતા મનસુખ માંડવિયાએ કહ્યું હતું કે આ લોહપુરુષ, ગુજરાત અને દેશનું અપમાન છે. શરમજનક હાલતમાં જે પકડાઈ ગયો હોય તેવા માણસ સાથે સરદારનું નામ જોડવું પણ શર્મનાક છે. સરદારનાં પરિવારનાં એક સભ્ય સમીર પટેલે પણ શક્તિસિંહનાં આ નિવેદનની આલોચના કરી છે અને કહ્યું હતું કે હાર્દિકનાં ડીએનએને સરદાર સાથે જોડવાની વાત બકવાસ છે. સરદારે દેશની અખંડિતતાનાં પ્રયાસો કર્યા હતાં. જ્યારે હાર્દિકે સમાજને વિભાજિત કરવાનું કામ કર્યુ છે.
અમદાવાદ શહેર ભાજપ દ્વારા ખાનપુર શહેર કાર્યાલય ખાતે શક્તિસિંહ  ગોહિલના પૂતળાનું દહન તેમજ કોંગ્રેસ તેરી જાતીવાદી રાજનીતિ નહીં ચલેગી જેવા સૂત્રો સાથે ઉગ્ર દેખાવો કરવામાં આવ્યા હતા. આ દેખાવોમાં શહેર સંગઠનના તમામ પદાધિકારીઓ, ધારાસભ્યો, મ્યુ.કોર્પોરેટરો તેમજ મોટી સંખ્યામાં કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.
જ્યારે  નિકેલમાં ચાર રસ્તા પાસે શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું તેમજ શક્તિસિંહ અને કોંગ્રેસ હાય હાયના સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા હતા.
સુરતમાં પણ આજે પાટીદારની વસતી ધરાવતા વરાછા વિસ્તારમાં ભાજપના કાર્યકરો દ્વારા શક્તિસિંહનું પૂતળા દહન કરવામાં આવ્યું હતું. આ પૂતળાં દહન કરવામાં આવ્યા બાદ પાસ દ્વારા ખાસ ચોખવટ કરવામાં આવી હતી કે આ પૂતળાં દહનનો કાર્યક્રમ ભાજપ દ્વારા કરવામાં આવ્યો હતો. જ્યારે સાબરકાંઠાના હિંમતનગરના ટાવરચોકમાં ભાજપ અને પાટીદારોએ એકઠા થઇને શક્તિસિંહ ઉપરાંત હાર્દિક પટેલના પૂતળાનું પણ દહન કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પોલીસે પૂતળાને છીનવી લેતા આખરે ભાજપના કાર્યકરો અને પાટીદારે અન્ય ચીજવસ્તુઓ સળગાવીને પૂતળા દહનનો સંતોષ માની વિરોધ દર્શાવ્યો હતો. 
દરમિયાન કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, સંજય જોશીની સીડી બનાવનાર લોકોએ હાર્દિક પટેલ પર જે ગંદી રાજનીતિ કરી છે તેના સંદર્ભમાં અપાયેલી પ્રતિક્રિયાને ભાજપ દ્વારા વિકૃત રીતે રજુ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે.  તેમણે એમ પણ કહ્યું કે, ગુજરાતમાં જનતાના આશીર્વાદ કોંગ્રેસ તરફ છે અને જનતાનો આક્રોશ ભાજપા સામે છે. જેનાથી ભાજપની હાર નિશ્ચિત જણાતા ભાજપા પાયાવિહોણી  અને જુઠ્ઠી વાતો કરી રહી છે. સરદાર વલ્લભભાઇ પટેલ લોખંડી પુરૂષ હતા અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસના 25 વર્ષ પ્રમુખ રહ્યા હતા. આ સરદાર સાહેબના નામની વાતને સદંતર ખોટી બાબતમાં જોડીને ભાજપના જે હવાતિયા ચાલી રહ્યા છે તેનાથી ગુજરાતના ભાજપને વધારે નુકશાન થશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer