બાબરા પોલીસ મથકમાંથી નાસી જવાના ગુનાના આરોપીને બે વર્ષની કેદ

બાબરા પોલીસ મથકમાંથી નાસી જવાના ગુનાના આરોપીને બે વર્ષની કેદ
બાબરા, તા.14: ખૂન કેસમાં રિમાન્ડ દરમિયાન બાબરા પોલીસ મથકની શૌચાલયની બારી તોડીને ભાગી જવા અંગે પકડાયેલા બાબરાના વારીશ ઉર્ફે લાલો અલીભાઇ મટેલાણી બ્લોચ સામેનો કેસ ચાલી જતાં મેજીસ્ટ્રેટ તેને પોલીસ કસ્ટડીમાંથી ભાગી જવા અંગે બે વર્ષની કેદ અને રૂ. બે હજારના દંડની સજા કરી હતી. દંડની રકમ ન ભરે તો વધુ એક માસની સાદી કેદનો હુકમ
કર્યો હતો.
ગત તા. 19/1/16ના રોજ ચીતલમાં રહેતાં મયુરસિંહ વનરાજસિંહ સરવૈયાની લાશ બાબરાના બ્રહ્મકુંડ પાપસેની અવવારૂ જગ્યામાંથી મળી આવી હતી. પોલીસની તપાસમાં મયુરસિંહનું રૂ. 20 લાખની ખંડણી માટે ખૂન કરવામાં આવ્યાનું ખુલ્યું હતું. પોલીસે બાબરાના વારીશ ઉર્ફે લાલો અલીભાઇ મટેલાણી બ્લોચ સહિત ત્રણની ધરપકડ કરી હતી અને રિમાન્ડ પર મેળવ્યા હતાં. તા. 25/1/16ની રાતના વારીશ ઉર્ફે લાલો શૌચક્રિયાના બહાને શૌચાલયમાં ગયો હતો અને બારી તોડીને નાસી
ગયો હતો.
તેની સામે પોલીસ કસ્ટડીમાં નાસી જવાનો ગુનો નોંધાયો હતો. પોલીસ કસ્ટડીમાંથી નાસી જવા અંગેના ગુનાની સુનાવણી દરમિયાન સરકારી વકીલ ભાખરિયાએ દસ્તાવેજી પુરાવા અને સાહેદની જુબાની લઇને આરોપીને સજા કરવા રજૂઆત કરી હતી. કોર્ટે વારીશને બે વર્ષની સાદી કેદ અને રૂ.બે હજારના દંડની સજા કરી હતી.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer