વઢવાણ રાજમહેલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: છ આરોપી પકડાયા

વઢવાણ રાજમહેલમાં થયેલી ચોરીનો ભેદ ઉકેલાયો: છ આરોપી પકડાયા
18,70,000ની થયેલી ચોરીમાં 77,000ના મુદ્દામાલ સાથે પકડાયેલા આરોપીઓ ત્રણ
દિવસના રિમાન્ડ પર

વઢવાણ, તા. 14: વઢવાણ રાજમહેલમાં ગયા મહિને રૂ. 18 લાખ 70 હજારનાં મુદ્દામાલની થયેલી ચોરીનો ભેદ ઉકેલી પોલીસે છ આરોપીને રૂ. 77 હજારનાં મુદ્દામાલ સાથે પકડી કોર્ટમાં રજૂ કરી સાત દિવસનાં રિમાન્ડની માગણી કરી હતી. પરંતુ કોર્ટે ત્રણ દિવસનાં રિમાન્ડ મંજૂર કર્યા છે.
વઢવાણનાં રાજમહેલમાં ગત તા. 29/10/17ના રસોઇ ઘરના દરવાજાના નકુચા તોડી અંદર ઘુસી ચાંદીની ચીજવસ્તુ સહિત કુલ રૂ. 18 લાખ 70 હજારની ચોરી
થઇ હતી. રાજકોટ રેન્જના ડીઆઇજી ડી.એન. પટેલ અને જિલ્લા પોલીસ વડા દીપકકુમાર મેઘાણીના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી.ના પી.આઇ. એન.કે. વ્યાસે અલગ-અલગ
ટીમો બનાવી ગણતરીના દિવસોમાં જ આ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે.
આ ચોરીનાં આરોપસર પોલીસે ધ્રાંગધ્રાના કારિયા નરસી વિરમગામ, નવઘણ પોપટ કુઢિયા, સુરેન્દ્રનગરનાં પ્રવીણ ઉર્ફે શ્રવણ નાગરભાઇ ઉધરેજીયા, અમદાવાદનાં અરૂણ વજુભાઇ વિરમગામ, સુનિલ શૈલેષભાઇ વિમગામ અને સુનિલ ઉર્ફે મૌલો પટ્ટણીને રૂ. 77 હજારનાં મુદ્દામાલ સાથે પકડી સાત દિવસનાં રિમાન્ડની માગણી સાથે  કોર્ટમાં રજૂ કર્યા હતા. જો કે,  કોર્ટે ત્રણ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer