અંકલેશ્વર: અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર બે યુવાનોના સ્થળ પર મૃત્યુ

અંકલેશ્વર: અજાણ્યા વાહનની અડફેટે બાઇકસવાર બે યુવાનોના સ્થળ પર મૃત્યુ
વારંવાર સર્જાતા અકસ્માતોમાં નિર્દોષોનો ભોગ લેવાતો હોવાથી ખરોડ ચોકડી પર ઓવરબ્રિજ બનાવવાની માંગ

અંકલેશ્વર, તા. 14: અંકલેશ્વર નેશનલ હાઇવે નંબર 8 ખરોડ ચોકડી પર આજ સવારે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં એક અજાણ્યા વાહને બાઇકસવાર બે યુવાનોને અડફેટમાં લેતા બંનેનાં ઘટના સ્થળ પર જ કરુણ મોત નિપજયા હતા.
સુરત જિલ્લાનાં માંગરોળ તાલુકાનાં કોસંબા-તરસાડી ગામના દાદરી ફળિયામાં રહેતા મુકેશ માયાભાઇ કંથારીયા (ઉ. 32) અને અર્જુન દેવજીભાઇ મકવાણા સિવિલ કોન્ટ્રાકટ હેઠળનું કામ કરતા હતા અને કોસંબાથી સવારે ખરોડ ખાતે સિવિલ કામ અર્થે પોતાની બાઇક પર જઇ રહ્યા હતા.
જો કે બંને યુવાનો પોતાની મંજિલ સુધી પહોંચે તે અગાઉ માર્ગમાં જ કાળ તેમને ભરખી ગયો હતો. અને ખરોડ ચોકડી પર અજાણ્યા વાહનચાલકે તેઓની બાઇકને ટક્કર મારીને અકસ્માત સર્જી વાહનચાલક ફરાર થઇ ગયો હતો. સર્જાયેલા અકસ્માતમાં બાઇકચાલક બંને યુવાનોનાં ઘટના સ્થળ પર જ ગંભીર ઇજાઓનાં કારણે કમકમાટીભર્યા મોત નિપજયા હતા. બનાવ અંગે અંકલેશ્વર તાલુકા પોલીસે ફરિયાદ દર્જ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે, ખરોડ ગામનાં પૂર્વ સરપંચ મહમદ ભૈયાત દ્વારા વારંવાર ખરોડ ચોકડી પર બનતી અકસ્માતોની ઘટનાને પગલે હાઇવે ઓથોરિટી સહિત ઉચ્ચકક્ષા સુધી લેખિતમાં રજૂઆત કરીને ચોકડી પર બ્રિજ બનાવવાની માંગ કરી હતી. પરંતુ તે સંદર્ભે કોઇ જ કામગીરી કરવામાં ન આવતા અકસ્માતોનો સિલસિલો યથાવત રહ્યો હોવાનું સ્થાનિક લોકો કહી રહ્યા છે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer