ગીર-સોમનાથ જિલ્લાની ચાર બેઠક પર આ વખતે યુવા મતદારો બનશે નિર્ણાયક

8.82 લાખ કુલ મતદારો સામે 4.84 લાખ યુવા મતદારો
વેરાવળ, તા.14:  ગીર-સોમનાથ જિલ્લામાં 20 થી 29 વર્ષની વયજુથમાં 2.28 લાખ સૌથી વધુ  મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે, જિલ્લામાં યુવા મતદારો રાજકીય પક્ષો કે ઉમેદવારો માટે હાર-જીતના મહત્વના પરીબળ સાથે ભાગ્યવિધાતા બની રહેનાર હોવાનું રાજકીય વિશ્લેષકો અનુમાન લગાવી રહ્યા છે.
ગીર-સોમનાથ જિલ્લાની વિધાનસભાની ચાર બેઠકો માટે કુલ 8.82 લાખ મતદારો નોંધાયેલા છે. રાજકીય પક્ષો પોતાના ઉમેદવારોને જીતાડવા આયોજનો સાથે ગણિત માંડી ચોકઠા ગોઠવી  રહ્યા  છે. ત્યારે હાલ જ્ઞાતિના ફેકટરને ધ્યાને લઇ રાજકીય માહોલ ગરમાયેલો જોવા મળી રહેલો છે. ચુંટણીઓમાં જ્ઞાતિના સમીકરણો જ નહી પરંતુ વયજૂથના મતદારો નિર્ણાયક બનતા હોય છે. ત્યારે ગીર-સોમનાથ જિલ્લામાં 18 થી 39 વર્ષની વય જુથમાં કુલ 4.84 લાખ મતદારોનો સમાવેશ થાય છે. એટલે કે, કુલ મતદારોના 60 ટકા જેટલા મતદારો યુવાનો વયના છે. આ યુવાનોને મતદાન મથક સુધી ખેંચી લાવવા ખુબ જરૂરી રહે છે. જો કે, વધુમાં વધુ મતદાન થાય તેના માટે ચુંટણી તંત્ર અનેક મતદાન જાગૃતિના કાર્યક્રમો યોજી પ્રયાસો કરે છે. તો રાજકીય પક્ષો અને ઉમેદવારો પણ યુવાનો વધુમાં વધુ તેમની તરફે મતદાન કરે તે માટે એડીચોટીનું જોર લગાવી શકય તમામ પ્રયાસો કરતા હોય છે. ત્યારે આ ચુંટણીમાં ગીર-સોમનાથમાં 60 ટકા યુવા મતદારો ભાગ્યવિધાતા બનશે તે વાતમાં કોઇ શક ન હોવાનું રાજકીય વિશ્લેષકો કહી રહ્યા છે.

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer