હવે ટિકિટોની વહેંચણી પર ધ્યાન

 આનંદ કે. વ્યાસ
નવી દિલ્હી, તા. 14 : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 9મી ડિસેમ્બરના મતદાનના પ્રથમ તબક્કા માટેનું નોટિફિકેશન ચૂંટણી પંચ દ્વારા જાહેરાત થતાં આજે ઉમેદવારી પત્રકો ભરવાની પ્રક્રિયા શરૂ થતાની સાથે હવે સૌનું ધ્યાન ટિકિટોની વહેંચણી પર ફંટાયું છે. કૉંગ્રેસે જોકે એવી જાહેરાત કરી દીધી છે કે, પ્રથમ તબક્કાની 89 બેઠકો માટે તેણે 70 ઉમેદવારોનાં નામોને આખરી સ્વરૂપ આપી દીધું છે, પરંતુ તે પક્ષની સામે જ ઊભા થનારા અસંતુષ્ટોના પ્ર્યાસને નિષ્ફળ બનાવવા ચોક્કસ સમયે જ ઉમેદવારોની યાદી જાહેર કરશે.
બીજી તરફ પ્રથમ તબક્કાના મતદાન માટે ભાજપ તરફથી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં આવી નથી. વડા પ્રધાન આશિયાન સમિટમાં હાજરી આપ્યા બાદ સ્વદેશ પાછા ફરશે ત્યાર પછી આ સપ્તાહમાં ભાજપની ચૂંટણી સમિતિ બેઠક યોજશે, પરંતુ ભાજપ ટિકિટ વહેંચણીના નિર્ણય લેતી વખતે જાતિ સમીકરણને ધ્યાનમાં લેશે. કારણ કે કૉંગ્રેસે હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર અને જિગ્નેશ મેવાણી સાથે નવું ગઠબંધન કર્યું છે. આ ઉપરાંત ભાજપ શાસનવિરોધી પરિબળ તરફ પણ ધ્યાન આપશે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપના પ્રમુખ અમિત શાહ ઉમેદવારોની યાદીને કેવું સ્વરૂપ આપે છે તે જોવાનું રસપ્રદ થઈ પડશે. હાર્દિક, ઠાકોર અને મેવાણી યુવા નેતાઓ હોવાથી ભાજપને પણ યુવા ચહેરાઓને તક આપવાની જરૂર લાગી રહી છે. શાસનવિરોધી પરિબળને ખાળવા વર્તમાન વિધાનસભ્યોને ટિકિટ નહીં આપવાની જૂની ફૉર્મ્યુલા વડા પ્રધાન અને અમિત શાહ અપનાવે એવો ડર ભાજપના ઘણા વિધાનસભ્યોને સતાવી રહ્યો છે. જોકે, કેટલાકને એવી આશા છે કે, રાજ્યની વર્તમાન રાજકીય પરિસ્થિતિને જોતાં વરિષ્ઠ મંડળ પક્ષાંતરને ટાળવા તેમને નાખુશ કરશે નહીં.
અત્રે એ યાદ રહે કે, મુખ્ય પ્રધાન તરીકે નરેન્દ્ર મોદીએ કેશુભાઈ પટેલની ગુજરાત પરિવર્તન પાર્ટીના પડકારને પહોંચી વળવા થોડા અપવાદરૂપ વિધાનસભ્યોને ટિકિટ આપી નહોતી, જ્યારે મોટા ભાગના વિધાનસભ્યોને ટિકિટો ફાળવી હતી.
કૉંગ્રેસને ઓબીસી નેતા અલ્પેશ ઠાકોરનો ટેકો મળ્યો છે, જેણે પોતાના સંગઠનનું કૉંગ્રેસમાં વિલીનીકરણ કરી દીધું છે. આ ઉપરાંત દલિત નેતા જિગ્નેશ મેવાણીનો પણ ટેકો મળ્યો છે.
ઠાકોર અને હાર્દિક વચ્ચે હિતોનો ટકરાવ થતો હોવાથી ભાજપ કૉંગ્રેસના સાથી ઉમેદવારોને ‘ચેકમેટ’ કરવા સર્વસંમત ઉમેદવારોને કદાચ મેદાનમાં ઉતારશે. ઉમેદવારી પત્રકો ભરવાની છેલ્લી તારીખ આ મહિનાની 21મી છે, જ્યારે બીજા દિવસે ચકાસણી કરાશે. ઉમેદવારી પત્રકો પાછા ખેંચવાની તારીખ 24 નવેમ્બર છે. પ્રથમ તબક્કામાં 182 બેઠકોમાંથી 89 બેઠકો પર મતદાન થશે. પ્રથમ તબક્કામાં સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતના 14 જિલ્લાઓને આવરી લેવાશે.

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer