નોટબંધી-GSTથી અર્થતંત્ર પર ખતરો: યશવંત

નોટબંધી-GSTથી અર્થતંત્ર પર ખતરો: યશવંત
GSTમાં આમૂલ પરિવર્તન જરૂરી : ફેબ્રુઆરી બજેટ સુધી મોકૂફ રાખવા સિંહાનું સૂચન
(અમારા પ્રતિનિધિ તરફથી)
અમદાવાદ, તા.14 : મોદી સરકાર અને કેન્દ્રીય નાણાં પ્રધાન અરૂણ જેટલી દ્વારા નોટબંધી-જીએસટી સહિતના જે નિર્ણય ઉતાવળે અને વગર વિચાર્યે લાગુ કરાયા છે તેના કારણે દેશની અર્થ વ્યવસ્થા પર ગંભીર અને ચિંતાજનક હદે વધી છે. દેશની આર્થિક સ્થિતિને લઇને હાલ ગંભીર ખતરો તોળાઇ રહ્યો છે. હજુ પણ જીએસટીમાં આમૂલ પરિવર્તનની તાત્કાલિક જરૂર છે તેમજ જીએસટી આવનારા ફેબ્રુઆરી બજેટ સુધી મોકૂફ રાખવાની આજે અમદાવાદ આવેલા પૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન અને અર્થશાત્ર યશવંતસિંહાએ કેન્દ્ર સરકારને સૂચન કર્યુ હતું.
આજે લોકશાહી બચાવો અભિયાનના નેજા હેઠળ ગુજરાતની ત્રણ દિવસની મુલાકાતે આવેલા પૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન અને અર્થશાત્રી યશવંત સિંહાએ પત્રકાર પરિષદમાં નોટબંધી અને જીએસટીને લઇને મોદી સરકાર, ખાસ કરીને હાલના કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલી પર આકરા પ્રહાર કર્યા હતા અને નોટબંધી તેમજ જીએસટીના અમલને અસફળ નિર્ણય ગણાવ્યા હતા. તેમણે કહ્યું કે, આના કારણે દેશમાં હાલ અર્થવ્યવસ્થાનો વિકાસ દર 7.7 ટકા જેટલો થઇ જવા પામ્યો છે. જો કે આને જુની ફોર્મ્યુલા પ્રમાણે જોવામાં આવે તો તે માત્ર 3.7 ટકા જ છે. એટલું જ નહીં નોટબંધીને લઇને દેશમાં 20 લાખ કરતા વધુ લોકોએ રોજગારી ગુમાવવાનો વારો આવ્યો છે.
તેમણે જણાવ્યું હતું કે, નોટબંધીનો મુખ્ય ઉદ્દેશ કાળા નાણાં પકડવા અને તેને સમાપ્ત કરવા, ઉગ્રવાદ અને આતંકવાદ પર રોક આવે તે હતો તેમ છતાં રિઝર્વ બેંક દ્વારા તાજેતરમાં બહાર પડાયેલા જુની નોટોના આંકડા પરથી એ સિદ્ધ થયું્ છે કે નોટબંધી સફળ થઇ નથી.
તેમણે કહ્યું કે, જીએસટી એ દેશ માટે સારી કરપ્રણાલી છે. વ્યક્તિગત રૂપે હું જ્યારે નાણાંપ્રધાન અને ફાયનાન્સ ચેરમેન હતો ત્યારે મેં જીએસટી 2009 થી 2014 દરમિયાન આગળ વધારવાનો પ્રયાસ કર્યો હતો. જે રીતે જીએસટીને દેશમાં લાગુ કર્યો છે અને તેના સ્લેબ બનાવ્યા છે તેને લઇને દેશની સમસ્યામાં વધારો થયો છે. નોટબંધી અને જીએસટી લાદવાના 9 મહિના દરમિયાન દેશની અર્થવ્યવસ્થામાં આર્થિક સકંજો કસાયો છે. નાના વેપારીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. જીએસટીના ફોર્મ જટિલ બની ગયા છે. જીએસટી એક સારી કરપ્રણાલી હતી પરંતુ તેને રજૂ કરવામાં વર્તમાન કેન્દ્રીય નાણાંપ્રધાન અરૂણ જેટલી નિષ્ફળ નિવડયા છે. જીએસટીમાં આમૂલ સુધારાની જરૂર છે. હાલમાં કેન્દ્રસરકાર દ્વારા જે સુધારા કરાયા છે તે તેમની નાકામિયાબ છે. સુધારા કરવા એ સમસ્યાનું સમાધાન નથી.
તેમણે સરકારને અનુરોધ કર્યો હતો કે, જાણીતા અર્થશાત્રી વિજય કેલકરજીની અધ્યક્ષતામાં પાંચ સભ્યોની ટીમનું ગઠન કરવામાં આવે અને આ ટીમ રોજબરોજ નાણાંપ્રધાન સહિત જીએસટી કાઉન્સીલના સભ્યો સાથે, જે સૂચનો આવે તેની ચર્ચા-વિચારણા હાથ ધરે અને બે મહિનાની અંદર તેમનૂં કાર્ય પૂર્ણ કરે અને બજેટ દરમિયાન નાણાંપ્રધાન અરૂણ જેટલી સંસદમાં સભ્યોને જાણકારી આપીને તેનો અમલ કરે અને ત્યાં સુધી જીએસટીને મોકૂફ રાખે.
અન્ય એક પ્રશ્નના જવાબમાં તેમણે કહ્યું કે, જ્યાં સુધી ઇન્ડસ્ટ્રીયલ ગ્રોથ બે ડિજીટમાં નહીં થાય ત્યાં સુધી બેરોજગારીનો ભય દેશમાં સતાવતો જ રહેશે.
નોંધનીય છે કે, પૂર્વ કેન્દ્રિય નાણાંપ્રધાન અને અર્થશાત્રી  યશવંતસિંહા તેમના ત્રણ દિવસના ગુજરાત પ્રવાસમાં આજે અમદાવાદમાં, આવતીકાલે તા.15મી નવેમ્બરે રાજકોટમાં અને તા.16મી નવેમ્બરે સુરતમાં લોકશાહી બચાવો અભિયાનના નેજા હેઠળ પોતાનુ વક્તવ્ય આપશે.
 

© 2018 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer