સુરતમાં 500 કરોડની હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે વડાપ્રધાન મોદી

સુરત, તા. 11: સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ-સુરત દ્વારા શહેરીજનો અને આજબાજુના વિસ્તારના લોકોને તબીબી ક્ષેત્રે એક અનોખી કહી શકાય તેવી અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સુપર સ્પેશિયાલિટી હોસ્પિટલ અને રીચર્સ સેન્ટરની ભેટ મળશે. આ ભેટ લોકોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે મળશે ત્યારે લોકોનો ઉત્સાહ બેવડાશે.

સમસ્ત પાટીદાર સમાજ છેલ્લાં ઘણાં વર્ષોથી સુરત શહેરને તબીબી ક્ષેત્રે ઉત્તમ કક્ષાની હોસ્પિટલ આપવા કટ્ટીબદ્ધ હોય તેમ હોસ્પિટલના નિર્માણ કાર્યમાં લાગી પડયો છે. વર્ષ 2013માં રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે જ હોસ્પિટલના શિલાન્યાસની વિધિ કરવામાં આવી હતી. હોસ્પિટલનું ઉદ્ઘાટન પણ વડાપ્રધાન મોદીના હસ્તે આગામી 17મી એપ્રિલે થશે.

સમસ્ત પાટીદાર આરોગ્ય ટ્રસ્ટ દ્વારા તૈયાર કરાયેલી કિરણ હોસ્પિટલ કઈ રીતે બીજી હોસ્પિટલથી અલગ પડે છે તે વિશે જાણવું અત્યંત રસપ્રદ છે. દર્દીઓને ઉત્તમકક્ષાની આરોગ્યની સુવિધાઓ કિરણ હોસ્પિટલમાં મળી રહે તે માટે ઝીણામાં ઝીણી બાબતોનું ધ્યાન સંસ્થાએ રાખ્યું છે. 17 હજાર ચો.વારના પ્લોટમાં સુરતનું સૌથી ઊંચું કિરણ હોસ્પિટલનું બિલ્ડિંગનું નિર્માણ કાર્ય હાથ ધરાયું હતું. કતારગામ વિસ્તારમાં આકાર પામેલી 13 માળની કિરણ હોસ્પિટલનું બિલ્ડિંગ 59 મીટર ઊંચાઈ ધરાવે છે. હોસ્પિટલમાં એર એમ્બ્યુલન્સ ઉતારી શકાય તેવી સુવિધા કરવામાં આવી છે.

10 લાખ ચો.ફૂટમાં બાંધકામ થયેલી હોસ્પિટલમાં દર્દીઓના પરિવારના લોકો માટે પાર્કિંગની ખાસ સુવિધા ઊભી કરવામાં આવી છે. 400 કારનું પાર્કિંગ ઉપરાંત એક હજાર ટુ-વ્હીલરનું પાર્કિંગ ડબલ બેઝમેન્ટમાં કરવામાં આવ્યું છે. કુલ 533 બેડની હોસ્પિટલને ભવિષ્યમાં 750 બેડ સુધી વિસ્તારી શકાય તેવી વ્યવસ્થા અત્યારથી કરવામાં આવી છે. આઈસીયુના કુલ 115 બેડ, 33 મેડિકલ વિભાગો, 11 ઈમરજન્સી વોર્ડ, 28 ઓપરેશન થીયેટર તથા 66 ઓપીડી હોસ્પિટલમાં છે.

કિરણ હોસ્પિટલને જરૂરિયાત એવા ક્વોલીફાઈડ નર્સિંગ સ્ટાફ માટે હોસ્પિટલના પરીસરમાં જ નર્સિંગ કોલેજનું નિર્માણ કરાયું છે. હોસ્પિટલના પરીસરમાં જ નર્સિંગ કોર્સ કરી શકાશે. ઉપરાંત દર્દીઓના સગા-સંબંધીઓ માટે હોસ્પિટલમાં જ ભોજન અને રહેવાની ઉત્તમ સુવિધા ઊભી કરવામાં આવી છે. હોસ્પિટલમાં વીવીઆઈપી દર્દીઓ માટે પણે સ્પેશિયલ લક્ઝરીયસ રૂમની સુવિધા હોસ્પિટલમાં કરાઈ છે.

પાટીદાર સમાજનાં અગ્રણીઓનું માનવું છે કે આપણે ત્યાં આજે પણ તબીબી ક્ષેત્રે જોઈએ તેટલો વિકાસ થયો નથી. આજે પણ દર્દીઓને રોગના નિદાન માટે મોટાં શહેરોમાં અથવા ગંભીર રોગના નિદાન માટે દુનિયાના બીજા દેશોમાં પણ જવું પડે છે. આપણે ઘરઆંગણે જ એવી હોસ્પિટલ અને રીસર્ચ સેન્ટરનું સ્વપ્ન પાટીદાર સમાજ જોવે છે જ્યાં દુનિયાના વિકસીત દેશોમાં કે આપણે ત્યાં મેટ્રો સિટીમાં આવેલી ટોચની હોસ્પિટલ જેવી ઉત્તમ સુવિધા સુરત શહેર અને આજુબાજુના લોકોને મળે. કિરણ હોસ્પિટલના નિર્માણથી તબીબી ક્ષેત્રે સુરત શહેરને એક મોટી સુવિધા મળવા જઈ રહી છે.

હોસ્પિટલમાં જળવાશે આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ

શહેરના કતારગામ વિસ્તારના વસ્તાદેવડી રોડ પર નિર્માણ પામેલી કિરણ હોસ્પિટલ રૂા. 500 કરોડ કરતાં વધુ ખર્ચે બની છે. હોસ્પિટલમાં આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ જાળવવામાં આવ્યું છે. હોસ્પિટલમાં દર્દીઓ અને મુલાકાતીઓ માટે અલગ અલગ એમ કુલ 22 લિફ્ટ મૂકવામાં આવી છે. તો બે એસ્કેલેટર છે. જેથી ઓપીડીમાંથી આવતા દર્દીઓને મુશ્કેલી નડે નહિ. અત્યાધુનિક ફાયર સેફ્ટીનાં સાધનો હોસ્પિટલમાં લગાડવામાં આવ્યાં છે. આ ઉપરાંત હોસ્પિટલમાં 13માં માળે હેલિપેડ બનાવાયું છે. દર્દીઓને એર એમ્બ્યુલન્સ મારફત હોસ્પિટલમાં લઈ જઈ શકાશે. દર્દીને હેલીપેડથી લિફ્ટમાં અને ત્યાંથી સીધા ઓપરેશન થિએટર સુધી લઈ જઈ શકાશે. આ માટે હોસ્પિટલનાં 12માં માળે પણ એક ઓપરેશન થિયેટર બનાવવામાં આવ્યું છે.

દાંતથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું થશે નિદાન

કિરણ હોસ્પિટલમાં દાંતથી લઈને કેન્સર સુધીના તમામ રોગોનું નિદાન કરવામાં આવશે. 66 જેટલા વિવિધ રોગોની ઓપીડી હોસ્પિટલમાં તૈયાર કરાઈ છે. મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં અત્યાધુનિક સુવિધા સાથે તમામ રોગોનું નિદાન કરાશે અને તેની ટ્રીટમેન્ટ પણ કરાશે. આ સાથે જ હોસ્પિટલમાં એક સંશોધન વિભાગ પણ ચાલશે. જે સમાંતર રીસર્ચનું કાર્ય કરશે. 

© 2019 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer