પુલવામા હુમલા બાદ લોકોનો આક્રોશ ચરમસીમાએ છે અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એને પારખી લઇ વિશ્વાસ- ધીરજ રાખવાનું કહ્યું છે. પણ કઇ પ્રકારે આગળ વધવું એ મુદ્દે વિકલ્પો પસંદ કરવામાં મોદી સરકારની કસોટી છે. સેનાને કાર્યવાહી માટે છૂટ્ટો દોર અપાયો છે અને સેનાએ કાર્યવાહી શરૂ કરી દીધી છે. હુમલા પાછળનું મુખ્ય ભેજું ગણાતા ગાઝીને સેનાએ ઠાર કર્યો છે. અન્ય એક આતંકી પણ માર્યો ગયો છે. જો કે, આપણા ચાર જવાનો ય શહીદ થયા છે. સેના દ્વારા અન્ય કાર્યવાહી પણ ચાલી રહી છે. મોદી સરકારે બીજું એક મહત્ત્વનું પગલું લીધું છે. અલગતાવાદી નેતાઓને સરકાર દ્વારા રક્ષણ મળતું હતું એ પાછું ખેંચી લેવાયું છે. રાજકીય રીતે આ નોંધપાત્ર પગલું છે. જો કે, આ પગલું વહેલું લેવાવું જોઇતું હતું. કારણ કે, આ અલગતાવાદી નેતાઓ પાછળ જમ્મુ કાશ્મીર સરકાર વર્ષે 10 થી 11 કરોડ રૂપિયા ખર્ચતી હતી. આ નેતાઓની વફાદારી પાક તરફે છે એ વાત નવી નથી.
મિરવાઈઝ ઉમર ફારુક, અબ્દુલ ગની બટ્ટ, બિલાલ લોન, ફઝલ હક્ક કુરેશી અને શબ્બીર શાહને પૂરું પડાયેલું સુરક્ષા કવચ તથા સંલગ્ન વ્યવસ્થાઓને તત્કાળ અમલમાં આવે એ રીતે પાછી ખેંચી લેવાઈ છે. જોકે, સુરક્ષા આવરણ પાછું ખેંચી લેવાયેલા ટોચના નેતાઓમાં હુર્રિયતના બે ટોચના નેતાઓ સૈયદ અલી શાહ ગિલાની તથા યાસીન માલિકનો નામોલ્લેખ નથી, કારણ કે તેઓ સરકારી સુરક્ષા અથવા અન્ય કોઈપણ પ્રકારની સરકારી સુવિધા નથી ભોગવતા. સૈયદ અલી શાહ ગિલાની હાલ નજરકેદ છે.
કેન્દ્ર સરકાર દ્વારા હુર્રિયત અને અલગતાવાદી નેતાઓનું સુરક્ષા આવરણ તથા અન્ય સંલગ્ન સુવિધાઓ પાછી ખેંચી લેવાનો નિર્ણય પાકિસ્તાન સરકાર અને તેની ગુપ્તચર સંસ્થા ઈન્ટર સર્વિસીસ ઈન્ટેલિજન્સ (આઈએસઆઈ) પાસેથી મબલક નાણાં મેળવીને જમ્મુ અને કાશ્મીરમાં આતંકવાદીઓને ઉત્તેજન પૂરું પાડનારાઓને આપણી સરકાર સુરક્ષા કવચ અને અન્ય સુવિધાઓ પૂરી પાડીને પંપાળતી રહે એ સદંતર અયોગ્ય અને અનુચિત જ હતું. એટલે સરકારનો નિર્ણય એકદમ ઉચિત છે.
પુલવામામાં હુમલા કરનારા જૈશ-એ મોહમ્મદને પાક- આઇ એસ આઇનો ટેકો છે અને સરકારે પાકિસ્તાનને ચોતરફથી ઘેરવાની કોશિશ કરી છે. પાકિસ્તાનથી આવતી ચીજો પર આયાત જકાતમાં 200 ટકા વધારો કરાયો છે. ‘મોસ્ટ ફેવર્ડ નેશન’નો દરજ્જો પાછો ખેંચ્યો છે. આ ઉપરાંત પાકિસ્તાનને આર્થિક રીતે તોડી પાડવા આંતરરાષ્ટ્રીય સ્તરે લોબિંગ શરૂ કરાયું છે.
ફાયનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સમાં ભારત રજૂઆત કરશે અને પાક.ને બ્લેકલિસ્ટ કરવાની માગણી કરશે અને એમાં ભારત જો સફળ રહ્યું તો વૈશ્વિક આર્થિક સંસ્થાઓ દ્વારા પાક.ને મળતી આર્થિક મદદ બંધ થઇ શકે છે. મ્યુનેક સુરક્ષા સંમેલનમાં પણ ભારતે પુલવામા હુમલાની ઘટનાનો ઉલ્લેખ કર્યો છે અને આતંક સામે અમેરિકા, રશિયા, જર્મની સહિતના દેશોએ ભારતને સમર્થન આપ્યું છે. અફઘાન અને ઇરાન તો પાકથી ખફા છે જ. પણ સવાલ ચીનનો છે. અહીં મોદી સરકારની કસોટી છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતની મહેનત પછી ય મસુદ અઝહરને આતંકી ઘોષિત કરવાના મુદ્દે ચીનની આડોડાઇનો અંત આવ્યો નથી. અમેરિકાએ તો પાક.ને અપાતી મદદમાં ખાસ્સો કાપ મૂકયો છે પણ પાક.ને હવે ચીન- રશિયા તરફથી મદદ મળી રહી છે. અમેરિકા જેમ પાક.નો ઉપયોગ કરતું હતું હવે એ ચીન કરી રહ્યું છે.
આ જ કારણે ચીન સુરક્ષા પરિષદમાં મસુદ પર પ્રતિબંધ મુદ્દે હા ભણતું નથી અને પોતાનો વિટો વાપરે છે અને અગાઉ મિઝો અને નાગા લડવૈયાઓને તાલિમ આપી હતી. ભારત સાથે સતત વેપાર વધારા છતાં ચીન અક્કડ છે અને એનું વલણ બદલવું જરૂરી છે. ભારત- ચીનના સંબંધોને નહીં તો અસર થઇ શકે છે.
બીજો મહત્ત્વનો મુદ્દો એ છે કે, સરકાર કયા વિકલ્પો પસંદ કરે છે. ઉરી હુમલા બાદ સરકારે સેનાને સર્જીકલ સ્ટ્રાઇક માટે છૂટ આપી પણ અત્યારે એવું પગલું શકય છે ખરૂ? પાકિસ્તાન પણ સાવધ હોય એ સ્વાભાવિક છે. આવી સ્થિતિમાં સરકાર કઇ રીતે આગળ વધે છે એ મહત્ત્વનું છે.
પીઓકેમાં પાક સેના અને આતંકવાદી સ્થળો પર સીમિત હુમલાની દૂરગામી અસર પહોંચી શકે છે. કાશ્મીરમાં આતંકવાદીઓની ઘૂસણખોરીનો મુખ્ય માર્ગ પીઓકે છે. આતંકવાદીઓનાં બધાં લોન્ચ પેડ પણ અહીં છે. પીઓકેમાં તહેનાત સેનાશિબિરો આ આતંકવાદી સ્થળો માટે સુરક્ષા ઢાલની જેમ કામ કરે છે. એકવાર પીઓકેમાં આ સ્થળો પર હુમલા કરવામાં આવે તો પાકિસ્તાનને ન ફક્ત પોતાની સેનાશિબિરોની ચિંતા થશે, પરંતુ તેના આતંકવાદીઓ સુરક્ષિત નહીં હોય. ભારતીય હુમલા કયાં, ક્યારે અને કેવી રીતે થશે એ હવે સુરક્ષા એજન્સીઓએ નક્કી કરવાનું છે. પાકિસ્તાનની હવાઈ સીમામાં ઘૂસ્યા વગર જ ભારતનાં યુદ્ધ વિમાન જેવાં કે સુખોઈ, મિરાજ અને જગુઆર નિયંત્રણ રેખા નજીક બનેલા આતંકવાદી કૅમ્પ અને લોન્ચ પેડ્સ પર હુમલા કરી શકે છે. આ યુદ્ધ વિમાન ગ્લાઈડ બૉમ્બ અને મિસાઈલોથી સજ્જ છે. આવા હવાઈ હુમલા માટે તૈયાર થવાનો સમય પણ ન્યૂનતમ છે. પાકિસ્તાનનાં આર્મી પોસ્ટો, આતંકવાદી કૅમ્પો, લોન્ચ પેડ્સ અને આસપાસના વિસ્તારોમાં હુમલા માટે ભારત સ્મર્ચ મલ્ટિપલ - લોન્ચ રોકેટ્સ સિસ્ટમ્સ (90 કિમી) અને બ્રહ્મોસ સુપરસોનિક ક્રૂઝ મિસાઈલ(290 કિમી)નો પણ પ્રયોગ કરી શકે છે. ઉપરાંત ભારત પાક. સાથે પાણી મુદ્દે આકરૂ પગલું લઇ શકે. સિંધુના પાણી પર રોક લાગે તો પાક. માટે મુશ્કેલીઓ વધી જાય. જોકે, આવા પ્રકારના વળતા હુમલા માટે દૃઢ રાજકીય ઇચ્છાશક્તિ અનિવાર્ય રહેશે. હુમલા પછીના પ્રત્યાઘાત અથવા ટેન્શન વધવાનો ભય હોય છે. પુલવામા હુમલા પાછળ પાકિસ્તાનનો હાથ છે. આપણે ગંભીરતાપૂર્વક આકરા વિકલ્પો પર વિચારવાનું રહેશે અને આમાં જ મોદી સરકારની કસોટી છે. ત્રણ વર્ષમાં એક સર્જિકલ સ્ટ્રાઈકથી પાકિસ્તાનનું વલણ બદલાયું નથી, તેને લઈ ભારતે સતત એક દીર્ઘકાલીન રણનીતિ પર કામ કરવાનું રહેશે.
© 2019 Saurashtra Trust
Developed & Maintain by Webpioneer