300 કરોડની રાહત જાહેર: આંદોલન ગુજરાત વ્યાપી બનશે

300 કરોડની રાહત જાહેર: આંદોલન ગુજરાત વ્યાપી બનશે
વધુ સહાયની વાતો કરતી સરકાર પાણીમાં બેસી ગઇ !: ખુદ સરકારનો સર્વે 1600 કરોડનો

 

અમરેલી, તા. 14: (ફૂલછાબ ન્યૂઝ) અમરેલી જિલ્લામાં 24મી જૂનના રોજ સર્જાયેલી જળ હોનારતમાં તહશ-નહશ થઇ ચૂકેલા 350 જેટલા ગામનાં અસરગ્રસ્તો માટે રાહત પેકેજની માગણી સાથે 9-9 દિવસથી ઉપવાસ ઉપર ઉતરેલ અમરેલીનાં ધારાસભ્યનાં સમર્થનમાં આજે અપાયેલા અમરેલી જિલ્લા બંધના એલાનમાં અમરેલી શહેરનાં વેપારીઓએ જડબેસલાક અભૂતપૂર્વ બંધ રાખી પ્રચંડ સમર્થન આપેલું. સરકાર દ્વારા આજે અસરગ્રસ્તો માટે માત્ર 300 કરોડ રૂપિયાનાં રાહત પેકેજની જાહેરાત કરતા ઉપવાસી પરેશ ધાનાણીની આંખોમાંથી આસુ સરી પડેલાં અને હજુ લોક જાગૃતિ માટે પોતાનાં અનશન ચાલુ રાખવાની જાહેરાત કરતાં ઉપસ્થિતિમાં સન્નાટા સાથે ઉપવાસ છોડવાની બુલંદ માગણી ઉઠી હતી. તેમ છતાં પણ પરેશ ધાનાણી ઉપવાસ છોડવા ટસના મચ થયેલાં ન હતાં.

અમરેલી જિલ્લામાં અતિવૃષ્ટિનાં કારણે સરકારી તંત્ર દ્વારા કરવામાં આવેલ નુકસાનીનો પ્રાથમિક સર્વે આંકડો રૂ. 1600 કરોડ ઉપરાંતનાં રજૂ કરવામાં આવેલો જેની સામે આજે સરકાર દ્વારા ફકત રૂ. 300 કરોડનાં રાહત પેકેજની જાહેરાત કરવામાં આવતાં અસરગ્રસ્તોમાં પ્રચંડ વિરોધ ઉઠયો છે.

ધારાસભ્ય પરેશ ધાનાણી દ્વારા અસરગ્રસ્તો માટે 3 દિવસનાં પ્રતીક ઉપવાસ કર્યા બાદ 6 દિવસથી આમરણાંત ઉપવાસ શરૂ કરવામાં આવેલ છે. ત્યારે ઉપવાસ આંદોલનનાં ટેકામાં જિલ્લા કોંગ્રેસ દ્વારા આજે અમરેલી જિલ્લાબંધનું એલાન આપવામાં આવતાં. અમરેલી શહેરની મુખ્ય બજારો ટાવર રોડ, હરી રોડ, લાઇબ્રેરી રોડ, સ્ટેશન રોડ સહિતનાં વેપારીઓએ સ્વૈચ્છિક જડબેસલાક બંધ રાખી આંદોલનને પ્રચંડ સમર્થન આપેલું. બપોરનાં સમયે ભાજપના કાર્યકરો-પદાધિકારીઓમાં જડબેસલાક બંધ સામે પેટમાં તેલ રેડાતા ટોળા શાહીરૂપે બજારમાં વેપારીઓને દુકાનો ખુલ્લી કરાવવા નીકળી પડેલાં પરંતુ વેપારીઓએ દુકાન ન ખોલતાં વિલા મોંએ પરત થયેલાં હતાં.

ગુજરાતનાં પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ મોવડી મંડળના શંકરસિંહ વાઘેલાએ આજે ઉપવાસી પરેશ ધાનાણીનાં સમર્થનમાં ઉપસ્થિત રહી જણાવેલું હતું કે, ગુજરાત સરકારનાં ભીખનાં ટુકડા સમાન રાહત પેકેજથી કોઇનો ઉધ્ધાર નહીં થાય. સરકારે રાહત પેકેજનાં બદલે પીડિતોનાં ઘા ઉપર મીઠું ભભરાવવાનું કૃત્ય કર્યું છે. સરકારની સંવેદના હીન વૃતિ આવતીકાલથી આખા ગુજરાતમાં ઉજાગર કરવામાં આવશે. 9-9 દિવસથી લોકો માટે ઉપવાસ કરી પોતાના જીવની પણ ખેવના કર્યા વગર લડી રહેલા પરેશ ધાનાણીને પારણા કરાવવા આવેલા શંકરસિંહ વાઘેલાની વિનંતીને પણ ન માની આમરણ ઉપવાસ ચાલુ રાખવાની ઘોષણા કરનાર પરેશ ધાનાણીની હૃદયની વેદના સમજી લોકોએ પોતાનાં હક્ક માટે જાગૃત બનવાનું આહવાન કર્યું હતું.

પરેશ ધાનાણીએ જિલ્લાનાં 628 ગામડાઓનાં 50-50 વ્યકિતઓ આવતીકાલે 10 વાગ્યે રાજકમલ ચોકમાં ઉપસ્થિત રહેવા આહવાન કરવામાં આવ્યું હતું. પરેશ ધાનાણી ખૂબ જ દર્દ ભરેલા અવાજમાં દયાહીન સરકારે પાંચ લાખ લોકો ઉપર આવી પડેલ આફતને અવસરમાં બદલવાનું માનવતાનું પગલું પણ વિસરી ગયાનું જણાવી રડી પડયાં હતાં. સરકારનાં ભીખનાં ટુકડા સમાન સહાય પેકેજની ઝાટકણી કરવામાં આવેલી. અને હજુ પણ આમરણ ઉપવાસ ચાલુ રાખવાની ઘોષણા કરી હતી. તબિયત સતત લથડી રહી હોવા છતાં પણ પોતાનો અંતરઆત્મા લોકો માટે અન્યાય થયો હોવાની લાગણી અનુભવતાં આંદોલન ચાલુ રાખવાની ઘોષણાથી હાજર મેદનીમાં સન્નાટો છવાઇ ગયેલો અને પારણા કરવાની સૌએ માગણી કરી હતી.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer