જાફરાબાદ - રાજુલામાં પાંચ ઈંચ : અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ

જાફરાબાદ - રાજુલામાં પાંચ ઈંચ : અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લામાં વરસાદ
આસો અષાઢી; વરસી માઠી
 
રાજકોટ, તા.12 : સૌરાષ્ટ્રમાં ત્રણ જિલ્લામાં ઉતરી આવેલી મેઘસવારીમાં એક થી પાંચ ઈંચ જેવો જોરદાર વરસાદ પડી જતાં અનેક સ્થળે ખેતરના તૈયાર પાકો તથા માર્કેટીંગ યાર્ડમાં વેચાણ માટે આવેલી જણસોને લાખોનું નુકસાન થયું હતું. જયારે મત્સ્યોદ્યોગને કરોડોના નુકસાનની આશંકા છે.
અમરેલી: ચોમાસાની વિદાયની ઘડીઓ ગણાઇ રહી હતી ત્યારે જ અમરેલી જિલ્લા ઉપર ઉતરી આવેલી મેઘસવારીમાં 1થી 5 ઇંચ પાણી વરસી ગયું છે. આ ભારે વરસાદે ખેતરોમાં તૈયાર પાકને વ્યાપક નુકસાન પહોંચાડયું છે.આજે ખાંભામાં દોઢ ઇંચ, સાવરકુંડલા, જાફરાબાદમાં 1 ઇંચ, અમરેલી, બગસરા, ધારી, લીલિયા, લાઠી પંથકમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે. આ વરસાદને કારણે તલ, મગફળી તથા થોડા અંશે કપાસના પાકને નુકસાન તો ઘણા પાકને ફાયદો થયાનું ખેડૂતો કહે છે.
રાજુલા: જાફરાબાદ અને રાજુલા પંથકમાં બુધવાર રાત્રીથી ગુરુવારના સવારના 11 વાગ્યા સુધીમાં પાંચ ઇંચ વરસાદ નોંધાયો છે. હાલ ખેતરોમાં ખરીફ પાક લણવાનું કામ ચાલતું હોય ઓચિંતા આવેલા આ વરસાદે પાક પર પાણી ફેરવી દેતાં મહિનાઓની મહેનતનો ફળસ્વરૂપ પાક નાશ પામતા ખેડૂતોને કમરતોડ ફટકો પડયો છે. જાફરાબાદના મત્સ્યોદ્યોગને આ વરસાદથી કરોડોનું નુકસાન થયાનો અંદાજ છે. આ બંને તાલુકામાં થયેલાં નુકસાનના વળતર આપવા સંસદીય સચિવ અને યાર્ડના ચેરમેન હિરાભાઇ સોલંકી તથા જીજ્ઞેશભાઇ પટેલે ઉચ્ચસ્તરે રજૂઆત કરી છે.
સાવરકુંડલા: શહેર અને તાલુકામાં ગતરાત્રીના ધોધમાર સવા ઇંચ વરસાદ પડતાં પાકને ભારે નુકસાન થયું છે. આ વરસાદથી રોગચાળો ફેલાવાની પણ દહેશત ઉભી થઇ છે. તાલુકાનો 50 ટકા ગ્રામ્ય વિસ્તાર કે જે છેલ્લા વરસાદની રાહ જોતો હતો તેને આ વરસાદથી ફાયદો થયો છે.
વીજપડી: ગઇકાલે સાંજે 5-30 થી 7 સુધીમાં 1 ઇંચ વરસાદ પડી ગયો હતો. જ્યારે આજે સવારે વધુ દોઢ ઇંચ પાણી વરસતા કપાસ, સીંગને નુકસાન થયું છે. ખડસલી, છાપરી, નવાગામ, જાંબુડા, હાડીડા, પમ્મર ગામે પણ વરસાદ પડયો છે.
ભાવનગર: જિલ્લામાં આજે ત્રીજા દિવસે પણ વાદળછાયું વાતાવરણ રહ્યું હતું અને 24 કલાકમાં મહુવામાં બે ઇંચ, તળાજામાં એક ઇંચ, જેસરમાં અડધો ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે ભારે ગાજવીજ સાથે શરૂ થયેલી મેઘસવારીમાં ભયંકર ગાજવીજ થતાં તળાજામાં લોકો ભયભીત થયા હતા. મહુવામાં ગાંધીબાગ પાસે મોટું વૃક્ષ ધરાશાયી થયું હતું. ખેતરોમાં સીંગ, તલ, કપાસ, બાજરી, જુવારને ભારે નુકસાન થયું છે.
કોડિનાર: ગતરાત્રિથી ધીમીધારે શરૂ થયેલા વરસાદે આજે 1 ઈંચ પાણી વરસાવ્યું છે. આજે યાર્ડમાં વેંચવા આવેલી મગફળીને વરસાદથી નુકસાન થયું છે. જેમાં દસ હજાર બોરીને નુકસાન થયાનો અંદાજ છે.
ગિરગઢડા: વડવિયાળા, જરગલી, સનવાવ, બાબરિયા, ભાખા, થોરડી તથા જામવાળા વિસ્તારમાં બુધવારે શરૂ થયેલા વરસાદમાં ગિરગઢડામાં એક ઈંચ પાણી વરસી ગયું છે.
ડોળાસા: બુધવારે રાત્રે ધોધમાર શરૂ થયેલા વરસાદે સવારના 11 સુધીમાં એક ઈંચ પાણી વરસાવી દીધું હતું. આ વિસ્તારમાં આગોતરી વાવણી હોય બાજરી, મગફળી પાકી ગયાં હતા કોઈ ખેતરોમાં પાથરા પડયા હતાં. ત્યાં ફાયદા કરતા નુકસાન વધુ થયું છે.
ઉના: શહેરમાં રાત્રિના સમયે ધોધમાર એક ઈંચ વરસાદ બે કલાકમાં જ પડી ગયો હતો. બુધવારે રાત્રિના 10 વાગ્યા બાદ ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદને કારણે શહેરના મોટાભાગના વિસ્તારોમાં કાદવ-કીચડનું સામ્રાજ્ય છવાયું હતું. ગ્રામ્ય વિસ્તારોમાં દેલવાડા, નવાબંદર, સીમર, રાજપરા, કેશરિયા, સામતેર, ગરાળ, ભાચા, ખાપટ વગેરે ગામોમાં બે ઈંચ વરસાદ પડયો છે. હાલ વરસાદી નક્ષત્ર ચિત્રા ચાલી રહ્યું છે. ગ્રામ્ય કહેવત મુજબ ‘િચતેડીના ચાળાં, અડધી રાત્રે ઉચાળા’ મુજબ લોકોને અડધી રાત્રે દોડતા કરી દેતા વરસાદે ખેતરમાં પાકને તથા મચ્છીને કરોડોનું નુકસાન પહોંચાડયું છે.
દક્ષિણ ગુજરાતમાં એક થી પાંચ ઈંચ
દક્ષિણ ગુજરાતમાં બીજા દિવસે પણ વરસાદી માહોલ વચ્ચે વધઈમાં 5 ઈંચ, માંગરોળમાં 4 ઈંચ, માંડવીમાં 3 અને ઉમરપાડામાં અઢી ઈંચ વરસાદ નોંધાયો હતો. ચોર્યાસીમાં દોઢ, કામરેજમાં 1 ઈંચ જ્યારે સુરતમાં અડધો, વાપીમાં એક અને કપરાડામાં દોઢ ઈંચ વરસાદ થયો છે. સાપુતારામાં અડધો ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત અનેક સેન્ટરોમાં ઝાપટાથી લઈ અડધા ઈંચ વરસાદના અહેવાલ છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer