ગુજરાતની ચૂંટણી મતગણતરીની તારીખ જાહેર, મતદાનની બાકી !

ગુજરાતની ચૂંટણી   મતગણતરીની તારીખ જાહેર, મતદાનની બાકી !
18 ડિસેમ્બર પૂર્વે ગુજરાતની ચૂંટણી નિશ્ચિત: કાર્યક્રમની જાહેરાત પંચે બાકી રાખી
નવીદિલ્હી, તા.12: આજે હિમાચલ પ્રદેશની ચૂંટણીનાં કાર્યક્રમની જાહેરાત પહેલા ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું એલાન થવાની સંભાવના જોવાતી હતી. પરંતુ આ આતુરતા હજી વધુ લંબાઈ છે. ચૂંટણીપંચ દ્વારા આજે ગુજરાતની ચૂંટણી જાહેર કરવામાં આવી નથી. જો કે હિમાચલમાં 9 નવેમ્બરે મતદાન અને 18 ડિસેમ્બરે મતગણના વચ્ચે લાંબા સમયગાળામાં જ ગુજરાતની ચૂંટણી યોજાય તેવી પૂરી સંભાવના છે.
આજે ચૂંટણીપંચ દ્વારા જણાવવામાં આવ્યું હતું કે ગુજરાતની ચૂંટણીની જાહેરાત હવે પછી કરવામાં આવશે. આ ઉપરાંત કહેવામાં આવ્યું હતું કે બન્ને રાજ્યોની મતગણતરી પણ સાથે જ થશે. એટલે 18 ડિસેમ્બર પૂર્વે ગુજરાતમાં મતદાન કરાવી લેવામાં આવશે. હિમાચલની ચૂંટણીનાં પરિણામની ગુજરાતમાં કોઈ અસર ન વર્તાય તેની પૂરી તકેદારી રાખવામાં આવશે.  આમ હિમાચલનાં મતદાન અને મતગણતરી વચ્ચેનાં પાંચ સપ્તાહનાં ગાળામાં ગુજરાતની ચૂંટણી યોજાવાનું નિશ્ચિત દેખાય છે.
પંચે આજે ગુજરાતની ચૂંટણી જાહેર કરી નથી એટલે ગુજરાત સરકાર અને ભાજપને પણ થોડી રાહત થઈ હશે. આગામી કેટલાંક દિવસો માટે તે ઘણાં આયોજનો ધરાવે છે. એ જોતા તેને હાલ સમય મળી ગયો છે. જો આજે ચૂંટણી જાહેર થઈ હોત તો આદર્શ આચારસંહિતા અમલી બનતાં આ પૈકી કેટલાંક આયોજનો પડતાં મુકવા પડે તેવી સ્થિતિ સર્જાઈ હોત. દરમિયાન કોંગ્રેસે આક્ષેપ કર્યો હતો કે સરકારનાં ઈશારે પંચે ગુજરાતની ચૂંટણીનું એલાન ટાળી દીધું છે કારણ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો ગુજરાત પ્રવાસ હજી બાકી છે. બીજીબાજુ પંચે સ્પષ્ટતા કરી હતી કે કાર્યક્રમની જાહેરાત અને વડાપ્રધાનનાં કાર્યક્રમને કોઈ સંબંધ નથી.
 
હિમાચલમાં 9 નવેમ્બરે મતદાન, 18 ડિસેમ્બરે મતગણતરી
દેશમાં પહેલીવાર હિમાચલમાં વીવીપીએટી નો ઉપયોગ થશે
આનંદ કે. વ્યાસ
નવીદિલ્હી, તા.12: કેન્દ્રની 2019ની ચૂંટણી પહેલા સત્તાનાં સેમીફાઈનલ જેવી સાત રાજ્યોની વિધાનસભા ચૂંટણીઓ યોજાવાની છે. જેમાં હિમાચલ પ્રદેશ અને ગુજરાતની ચૂંટણી આ વર્ષમાં અને કર્ણાટક, મિઝોરમ, મેઘાલય, ત્રિપુરા અને નાગાલેન્ડની વિધાનસભાનો કાર્યકાળ આવતાં વર્ષમાં પૂર્ણ થવાનાં છે. આમાંથી ગુજરાત અને કર્ણાટકમાં ખરાખરીનાં જંગ ખેલાશે અને બન્ને રાજ્યો ઉપર આખા દેશની નજર રહેવાની. આ સાતેય રાજ્યોની ચૂંટણી કવાયતનો આજથી સત્તાવાર આરંભ થતો હોય તેવી રીતે આજે ચૂંટણીપંચ દ્વારા હિમાચલની ચૂંટણીનો કાર્યક્રમ આજે જાહેર કર્યો હતો. આ ચૂંટણી એક જ તબક્કામાં યોજાશે. જેમાં 9 નવેમ્બરે મતદાન થશે અને 18 ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે.
આજે ચૂંટણીની જાહેરાત થવા સાથે જ આદર્શ આચાર સંહિતા લાગુ થઈ ગઈ છે. આ વખતે હિમાચલની ચૂંટણીમાં તમામ મતદાન મથકો ઉપર વીવીપીએટીનો ઉપયોગ થવાનો છે. આમ, હિમાચલ પ્રદેશ દેશનું એવું પ્રથમ રાજ્ય બનશે જ્યાં ઈવીએમ ઉપરાંત મતદાનની ચોકસાઈ વધારનારું વીવીપીએટી ઉપયોગમાં લેવાશે.
મુખ્ય ચૂંટણી કમિશનર અચલ કુમાર જ્યોતિએ આજે હિમાચલની ચૂંટણીનો કાર્યક્રમ જાહેર કરતાં જણાવ્યું હતું કે નિષ્પક્ષ ચૂંટણી માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી છે. રાજ્યમાં મોટાપાયે અર્ધસૈન્ય દળોની તૈનાતી કરવામાં આવશે. રાજ્યમાં તમામ 7પ21 મતદાન કેન્દ્ર ભોંયતળિયે રાખવામાં આવશે. આ ઉપરાતં દિવ્યાંગો માટે પણ વિશેષ સુવિધાઓ ઉભી કરાશે.  મતદાન, નામાંકન અને ચૂંટણીસભાઓની વીડિયોગ્રાફી કરાશે. આ ઉપરાંત મત ગણતરીની વીડિયોગ્રાફી પણ થશે. રાજ્યમાં ચૂંટણી માટે ખર્ચની સીમા પણ નક્કી કરી દેવામાં આવી છે. દરેક ઉમેદવાર 28 લાખથી વધુ ખર્ચ કરી શકશે નહીં. ચૂંટણી પરિણામની ઘોષણાનાં 30 દિવસની અંદર ઉમેદવારે ખર્ચ સંબંધિત સોગંદનામા સુપરત કરી દેવાના રહેશે. આ ઉપરાંત સોશિયલ મીડિયા ઉપર પણ પંચની ચાંપતી નજર રહેશે.
ઉલ્લેખનીય છે કે હિમાચલમાં અત્યારે કોંગ્રેસની સરકાર છે અને વર્તમાન મુખ્યમંત્રી વીરભદ્ર સિંહ 6 વખત મુખ્યપ્રધાન પદે રહી ચૂક્યા છે. આ વખતે પણ કોંગ્રેસ તેમનાં નેતૃત્વમાં જ ચૂંટણી લડશે. 68 સદસ્ય ધરાવતી વિધાનસભામાં તેમની સરકારનો કાર્યકાળ 7 જાન્યુઆરીએ સમાપ્ત થઈ રહ્યો છે.

© 2017 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer